Gujarati News

Gujarati News

News of Sunday, 5th December 2021

ઓમિક્રોનની આફત બાદ તંત્ર તૈયાર હોવાના દાવા પોકળ

લોકો હજી પણ બેદરકાર રીતે વર્તી રહ્યાં છે : ઓમિક્રોનની દહેશત વચ્ચે અમદાવાદ, સુરત અને રાજકોટ શહેરમાં લોકો માસ્ક વિના જ ફરી રહ્યા છે

અમદાવાદ, તા.૫ :ગુજરાતમાં ઓમિક્રોન વેરિયન્ટની એન્ટ્રીનો ખૌફ લોકોમાં રહ્યો નથી. અનેક લોકો હજી પણ બેદરકાર રીતે વર્તી રહ્યાં છે. ઓમિક્રોનની દહેશત વચ્ચે અમદાવાદ, સુરત અને રાજકોટમાં લોકો માસ્ક વિના ફરી રહ્યા છે. આજે રવિવારની રજાઓમાં લોકો બિન્દાસ્તપણે બહાર નીકળેલા જોવા મળ્યાં. ગુજરાતના મોટાભાગના શહેરોમાં ભીડના દ્રશ્યો જોવા મળ્યાં.

અમદાવાદ રેલવે સ્ટેશન પર તંત્રની બેદરકારી જોવા મળી છે. ઓમિક્રોન વેરિયન્ટના ખતરા બાદ તંત્ર તૈયાર હોવાના દાવાઓ પોકળ સાબિત થયા છે. તકેદારીના ભાગરૂપે રેલવે સ્ટેશન પર મુકાયેલા ટેસ્ટિંગ ટેબલ પર ટેસ્ટિંગ કીટ અને ફોર્મ ના હોવાને કારણે કર્મચારીઓ લાચાર જોવા મળ્યાં છે. બપોરે ૧૨ વાગે અમદાવાદ રેલવે સ્ટેશન પર ટ્રેન આવી, પરંતુ ટેસ્ટિંગ કીટ અને ફોર્મ ના હોવાને કારણે મુસાફરો નિશ્ચિન્ત થઈને ટ્રેનોમાં પ્રવેશી રહેલા જોવા મળ્યાં. તો બીજી તરફ, અન્ય રાજ્યોમાંથી આવતા મુસાફરોના આડેધડ ટેસ્ટિંગ કરી કીટ પુરી કરાઈ રહી છે. ઝી ૨૪ કલાકના કેમેરા પર તંત્રની બેદરકારીના દ્રશ્યો કેદ થયા. ૩ રાજ્યમાંથી થઈને ગુજરાત આવેલી ટ્રેનના મુસાફરોના કોરોના ટેસ્ટિંગ તો દૂર, પરંતુ ટેમ્પરેચર ચેક કરવાની પણ કોઈ યોગ્ય વ્યવસ્થા રેલવે સ્ટેશન પર જોવા ન ળી. માત્ર કીટ છે ત્યાં સુધી જ રેલવે સ્ટેશન પર કામ થાય છે. બપોરે ૧૨ વાગ્યા બાદ ૩ વાગે નવી ટેસ્ટિંગ ટીમ આવે છે. ૧૨ વાગ્યા બાદ જો કોઈપણ મુસાફર અમદાવાદ રેલવે સ્ટેશનથી બહાર તો તેને ચેક કરવાની કોઈ વ્યવસ્થા નથી. જ્યાં ટેસ્ટ થાય છે એ જ ખુરશી પર કર્મચારીઓ બેસતા દેખાયા છે. યોગ્ય વ્યવસ્થાના અભાવે કર્મચારીઓ પણ પરેશાન દેખાયા છે. માસ્ક પહેર્યા અને માસ્ક ના પહેરવા અંગે લોકો અનેક બહાના બતાવી રહ્યાં છે.

ગુજરાતમાં ઓમિક્રોનની એન્ટ્રી થઈ ગઈ છે, ત્યારે ઓમિક્રોનની આફત વચ્ચે અમદાવાદીઓ બેદરકાર બન્યા છે. રિવરફ્રન્ટ પર પણ તંત્ર દ્વારા સાવચેતી રાખવા અને ગાઈડલાઈનનું પાલન કરવા સતત અપીલ કરવામાં આવી રહી છે. રિવરફ્રન્ટ પર લોકોના ટોળા જોવા મળ્યા. આ દ્રશ્યો જ કોરોનાને આમંત્રણ આપી શકે છે. આવામાં કોવિડ ગાઈડલાઈનનું પાલન કરવું જરૂરી બન્યુ છે.

ઓમિક્રોનનો પહેલો કેસ જામનગરમાં આવતા રાજકોટમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો છે. પરંતુ રાજકોટ એસટી ડેપોમાં કોરોના ગાઈડલાઈનના ઉલાડીયા કરતા લોકો નજરે પડયા છે. કોરોનાના બે વર્ષ બાદ પણ લોકોમાં સોશ્યલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળ્યો, માસ્ક વગર ફરતા લોકો જોવા મળ્યાં.

(7:23 pm IST)