Gujarati News

Gujarati News

News of Sunday, 5th December 2021

ગાંધીનગર ખાતે માહિતી ખાતાના કર્મયોગીઓ માટે ‘સોશિયલ મીડિયા એન્ડ કોમ્યુનિકેશન’ વિષયક એક દિવસીય તાલીમ યોજાઈ

તજજ્ઞો દ્વારા માર્ગદર્શન અપાયું:પ્રવર્તમાન સમય સાથે કદમ મિલાવવા માહિતીકર્મીઓ સંપૂર્ણ સજ્જ

ગાંધીનગર :માહિતી ખાતાના કર્મયોગીઓને આધુનિક સોશિયલ મીડિયા સાથે વધુ માહિતગાર કરવા માટે ધ લીલા, ગાંધીનગર ખાતે ‘સોશિયલ મીડિયા એન્ડ કોમ્યુનિકેશન્સ’ વિષયક એક દિવસય તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.

યુનિસેફ અને સેન્ટર ફોર કોમ્યુનિકેશન ઓફ ચાઈલ્ડ રાઈટ્સ(CCCR)-PDEUના સંયુક્ત ઉપક્રમે યોજાયેલી ‘સોશિયલ મીડિયા એન્ડ કોમ્યુનિકેશન’ અંગેની તાલીમમાં માહિતીખાતા દ્વારા હાલમાં કરવામાં આવી રહેલી સોશિયલ મીડિયાની કામગીરી અને પ્રવર્તમાન સમયની માંગ સાથે વધુને વધુ કેવી રીતે તાદાત્મ્ય સાધીને રાજ્ય સરકારની પ્રજાલક્ષી કામગીરીની વધુ સારી રીતે પ્રચાર પ્રસિદ્ધિ થઈ શકે તે સંદર્ભે વિવિધ ટેકનિકલ સત્રો યોજાયા હતા.
જેમાં માહિતી ખાતાના અધિકારીઓ તેમજ ચિત્રલેખાના તંત્રી કેતન ત્રિવેદી, કોર્પોરેટર ટ્રેઈનર-પૂર્વ પત્રકાર બિનિતા પરીખ તેમજ દેશગુજરાત ડોટકોમના સ્થાપક તંત્રી જપન પાઠકે સોશિયલ મીડિયા કોમ્યુનિકેશનના વિવિધ પાસાઓ ઉપર પોતાના વિચારો રજૂ કર્યા હતા.
તાલીમના પ્રારંભમાં PDEUના સેન્ટર લીડ ડૉ. પ્રદિપ મલિકે તાલીમની રૂપરેખા તેમજ યુનિસેફના કોમ્યુનિકેશન તજજ્ઞ મોરિયા દાવા દ્વારા વર્તમાન સમયમાં સોશિયલ મીડિયાની ભૂમિકા વિશે માર્ગદર્શન આપ્યું હતું જયારે તાલીમના અંતમાં પ્રશ્નોત્તરી સત્ર યોજાયું હતું. ત્યારબાદ CCCRના વેદાંત શર્માએ આભારવિધિ કરી હતી.
આ એક દિવસીય તાલીમમાં માહિતી ખાતાની વડી કચેરી તેમજ પ્રાદેશિક કચેરી અમદાવાદ ખાતે ફરજ બજાવતાં અધિકારીઓ-કર્મચારીઓ જોડાયા હતા.

(6:57 pm IST)