Gujarati News

Gujarati News

News of Saturday, 5th December 2020

ગુજરાતમાં કોરોના વેક્સિનેશન માટે વહીવટીતંત્ર સંપૂર્ણ સજ્જ: સરકારી અને ખાનગી આરોગ્ય સંસ્થાના તમામ કોરોના વોરિયર્સને અગ્રીમતાના ધોરણે રસી અપાશે : નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ

કુલ ૩.૯૬ લાખ હેલ્થ વર્કરોની માહિતી એકત્ર કરાઇ : ૫૦ વર્ષથી વધુ ઉંમર ધરાવતા વ્યક્તિઓની માહિતી તૈયાર કરવા સૂચના : બીજા તબક્કામાં કોરોનાની કામગીરી સાથે સંકળાયેલા કર્મચારીઓને આવરી લેવાશે :રાજ્યમાં તાલુકા કક્ષા સુધી ટાસ્કફોર્સની રચના : વેક્સિનના સ્ટોરેજ માટે ૬ ઝોન કક્ષાએ, ૪૧ જિલ્લા/કોર્પોરેશન કક્ષાએ વેક્સિન સ્ટોર તથા ૨૧૮૯ કોલ્ડચેઇન પોઇન્ટ ઉપલબ્ધ : કોલ્ડચેઇન પોઇન્ટનું ટેકનિકલ ઓડિટ પણ સંપન્ન: રાજ્યમાં ૪૭૭૯૬ વેક્સીનેશન બુથ તૈયાર કરી દેવાયા : ૧૫૫૩૪ ટીમો તૈનાત : જે નાગરિકોને રસી આપવાની થશે તેમને એસ.એમ.એસ. દ્વારા આગોતરી જાણ કરાશે

અમદાવાદ : નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું છે કે વૈશ્વિક કોરોનાની મહામારી સંદર્ભે દેશ અને દુનિયાના લોકો ઝઝૂમી રહ્યા છે ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ દેશવાસીઓને કોરોના સામે સુરક્ષીત કરવા જે પ્રયાસો કરી રહ્યાં છે અને આગામી ટુંક સમયમાં કોરોનાની વેક્સીન ઉપલબ્ધ થનાર છે. આ રસી ગુજરાતના નાગરિકોને તબક્કાવાર પુરી પાડવા માટે મુખ્યમંત્રીવિજયભાઇ રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં વિસ્તૃત ચર્ચા-વિચારણા બાદ રસીકરણ અંગે સુદ્રઢ વ્યવસ્થાઓ ગોઠવવા અંગેનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ માટે રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા અન્ય તમામ વિભાગો સાથે સંકલન કરીને સંપૂર્ણ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે.

નાયબ મુખ્યમંત્રી  પટેલે ઉમેર્યુ કે, રાજ્યના તમામ ૩૩ જિલ્લા અને ૨૪૮ તાલુકા અને કોર્પોરેશન કક્ષાએ ટાસ્ફ ફોર્સની રચના કરવામાં આવી છે. એટલું જ નહીં, આ ટાસ્ક ફોર્સે જરૂરી આયોજન પણ કરી લીધું છે. ગુજરાતમાં વેક્સિનના સ્ટોરેજ માટે ઝોન કક્ષાએ ૬ વેક્સિન સ્ટોર, જિલ્લા અને કોર્પોરેશન કક્ષાએ ૪૧ સ્ટોર અને છેક અંતરિયાળ વિસ્તાર સુધી પહોંચવા ૨,૧૮૯ કોલ્ડ ચેઇન પોઇન્ટ આજની પરિસ્થિતિએ ઉપલબ્ધ રાખવમાં આવ્યા છે  તમામ સ્ટોર ખાતેના સાધનોનું ટેકનિકલ ઓડિટ પણ પૂર્ણ કરવામાં આવ્યું છે. બે વધારાના વોક-ઇન કુલર, એક વોન ઇન ફ્રી અને ૧૬૯ આઇસલાઇન્ડ રેફ્રીજરેટર પૈકી ૧૫૦ જેટલા આઇસલાઇન્ડ રેફ્રીજરેટર મળી ગયા છે. ૩૦ ડીપ ફ્રીઝ કેન્દ્ર સરકારમાંથી પ્રાપ્ત થશે.

તેમણે ઉમેર્યુ કે, ભારત સરકારની ગાઇડલાઇન મુજબ ગુજરાતે વેક્સિનેશન માટેનું આયોજન શરૂ કરી દીધુ છે. પ્રથમ તબક્કામાં હેલ્થકેર વર્કર્સની માહિતી તૈયાર કરવામાં આવી રહી છે. આજ સુધીમાં રાજ્ય સરકારના ૨.૭૧ લાખ આરોગ્યકર્મીઓ અને ૧.૨૫ લાખ ખાનગી આરોગ્ય કર્મીઓ મળીને કુલ ૩.૯૬ લાખ હેલ્થકેર વર્કસની માહિતી એકત્ર કરવામાં આવી છે. બીજા તબક્કામાં ફ્રન્ટલાઇન વર્કર જેવા કે હોમગાર્ડ્સ, પોલીસ, સફાઇકર્મી વિગેરેને આવરી લેવાનું આયોજન કરવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારની સૂચના મુજબ બીજા વિભાગના ફ્રન્ટ લાઇન વર્કરોની માહિતી તૈયાર કરવા કમિટિની રચના કરવા જણાવાયું છે. ૫૦ વર્ષથી વધુ ઉંમર ધરાવતા સીનીયર સીટીઝનની માહિતી પણ તૈયાર કરવા માટે સૂચના આપી દેવામાં આવી છે. કોવિડ વેક્સિન અને લાભાર્થીના ચેકીંગ માટે ભારત સરકાર દ્વારા cowin software બનાવવામાં આવ્યું છે. જિલ્લા અને કોર્પોરેશન દ્વારા પણ આ સોફ્ટવેરમાં રસીકરણના સ્થળ અને વેક્સિનેટરની માહિતીની એન્ટ્રી શરૂ  કરી દેવામાં આવી છે. 

તેમણે ઉમેર્યુ કે, આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાની સારવાર આપવામાં અગ્રેસર સરકારી અને ખાનગી આરોગ્ય સંસ્થાના ફ્રન્ટ લાઇન કોરોના વોરિયર્સને અગ્રીમતાના ધોરણે રસી આપવાનું નક્કી કરાયું છે અને તેના અમલીકરણ માટે ડેટાબેઝ તૈયાર કરવાની કામગીરી શરુ કરી દેવામાં આવી છે. સાથે સાથે ખાનગી હોસ્પિટલો, કોર્પોરેટ હોસ્પિટલ, આષુષ દવાખાના અને હોસ્પિટલ, ડેન્ટીસ્ટ, એલોપેથી/આયુષ, જનરલ પ્રેક્ટિસનર્સ, તમામની માહિતી એકત્ર કરવામાં આવી રહી છે. સાથે સાથે રાજ્યની ૧૦૮ એમબ્યુલન્સ સેવા, આંગણવાડી સ્ટાફને પણ આવરી લેવામાં આવનાર છે.

  નાયબ મુખ્યમંત્રીએ ઉમેર્યુ કે, રસીકરણની કામગીરી માટે રાજ્યમાં ૪૭૭૯૬ વેક્સીનેશન સેન્ટર નક્કી કરવામાં આવ્યા છે. આ માટે ૧૫૫૩૪ ટીમો પણ તૈનાત કરવામાં આવશે. ભારત  સરકારની ગાઇડલાઇન મુજબ રસી આપવા માટે તમામ આરોગ્ય કર્મીઓને જરૂરીયાત મુજબ તાલીમબધ્ધ કરાશે. જે નાગરિકોને રસી આપવાની થશે તેમને અગાઉથી એસ.એમ.એસ. દ્વારા જાણ કરી સ્થળ-સમય-તારીખની રાજ્ય સરકાર દ્વારા સામેથી જાણ કરાશે.    નાયબ મુખ્યમંત્રીએ ઉમેર્યુ કે, રસીકરણના મોનીટરીંગ માટે રાજ્યકક્ષાએ મીશન ડાયરેકટર એન.એચ.એમ.ને નોડલ ઓફિસર તરીકે નીમી દેવાયા છે. જ્યારે જિલ્લા અને કોર્પોરેશન કક્ષાએ કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનર નોડલ અધિકારી તરીકે નિયુક્તી કરવામાં આવી છે. રાજ્ય કક્ષાએ મુખ્ય સચિવના અધ્યક્ષે કાર્યક્રમની પ્રગતિનો રીવ્યુ કરાશે તથા આરોગ્ય સચિવના અધ્યક્ષમાં સ્ટેટ ટાસ્ક ફોર્સની રચના કરી દેવાઇ છે. આ કમિટિ રસીકરણ અંગે સતત મોનીટરીંગ કરશે.

 

(6:57 pm IST)