Gujarati News

Gujarati News

News of Saturday, 5th October 2019

બદરૂદ્દીન શેખ સહિત ૧૫ના રાજીનામાથી કોંગીમાં ભડકો

પેટાચૂંટણીમાં આયાતી ઉમેદવારને લઇને વિવાદ : બદરૂદ્દીન કોંગીના સ્થાનિક સ્તર ઉપર મોટા નેતાઓ પૈકીના એક છે : રાજીનામાથી પક્ષને ભારે નુકસાન થવાની શકયતા

અમદાવાદ, તા.૫ : ગુજરાતમાં વિધાનસભા પેટા ચૂંટણી પહેલા કોંગ્રેસ પાર્ટીમાં અસંતોષનું મોજુ ફરી વળ્યું છે. અસંતોષ હજુ પણ વધે તેવા સંકેત દેખાઈ રહ્યા છે. કારણ કે, વરિષ્ઠ નેતાઓ નારાજ દેખાઈ રહ્યા છે. એકબાજુ, કોંગ્રેસ નેતા જયરાજસિંહ જાડેજાએ ટિકિટ વહેંચણીને લઈ સોશિયલ મીડિયામાં નારાજગી વ્યક્ત કરી છે ત્યારે બીજીબાજુ, શહેર કોંગ્રેસને વધુ એક ગંભીર ફટકો પડ્યો છે. અમદાવાદમાં બહેરામપુરા વિસ્તારના કોર્પોરેટર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિપક્ષ નેતા રહી ચૂકેલાં બદરૂદ્દીન શેખે પાર્ટીના તમામ હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે., જેને પગલે સ્થાનિક રાજકારણમાં ભારે ખળભળાટ મચી ગયો છે. વિધાનસભા ચૂંટણીને આડે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે. તેવામાં ગુજરાત કોંગ્રેસ માટે આ ચૂંટણી આંતરિક વિખવાદ સમાન બની ચૂકી છે.

           અમદાવાદ શહેરના બહેરામપુરના કાઉન્સિલર અને પ્રદેશ કોંગ્રસ સમિતિના પ્રવક્તા બદરૂદ્દીન શેખે પાર્ટીના તમામ હોદ્દા પરથી રાજીનામું ધરી દેતાં ખળભળાટ મચી ગયો છે. બહેરામપુરા વોર્ડની પેટા ચૂંટણીમાં આયાતી ઉમેદવાર ઉતારાતાં બદરૂદ્દીન શેખ નારાજ થયા હતા. શેખે રાજીનામુ ધરતાં કોંગ્રેસમાં ભૂકંપ સર્જાયો છ. બદરૂદ્દીન શેખના રાજીનામાની સાથે જ અન્ય પંદર જેટલા સભ્યોએ પણ કોંગ્રેસના વિવિધ હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે. આ અગાઉ ખેરાલુ વિધાનસભા પેટા ચૂંટણી માટે ટિકિટ ન મળતાં જયરાજસિંહ નારાજ થયા હતા. અને તેઓએ પણ રાજીનામાની ચીમકી ઉચ્ચારતાં ગુજરાત કોંગ્રેસમાં ભારે ચકચાર મચી ગઇ હતી ત્યારે ગુજરાત કોંગ્રેસ માટે પેટા ચૂંટણી પહેલાં જ વધુ એક આંતરિક વિખવાદ સામે આવ્યો છે.

            બદરૂદ્દીન શેખ સહિતના સભ્યોના રાજીનામા બાદ હજુ પણ જો આ બળાપો કોંગ્રેસ દૂર નહીં કરે તો પેટા ચૂંટણીમાં તેને ગંભીર નુકસાન ઉઠાવવાનો વારો આવી શકે છે. ગુજરાત કોંગ્રેસના નેતાઓએ આ મામલે મંથન કરવાની જરૂર છે. ગુજરાતની છ વિધાનસભા સીટ પર ૨૧મી ઓક્ટોબરના દિવસે પેટાચૂંટણી યોજાનાર છે. જે છ સીટો રહેલી છે તેમાં ખેરાલુ, થરાદ, અમરાઈવાડી સીટ ભાજપે જીતી હતી. લુણાવાડાની સીટ અપક્ષે જીતી હતી. રાધનપુર સીટ પર અલ્પેશ ઠાકોર મેદાનમાં છે. બાયડ સીટ પર ઝાલાની સામે કોંગ્રેસના જસુ પટેલ મેદાનમાં છે. અન્ય સીટો પર પણ સીધી સ્પર્ધા દેખાઈ રહી છે. અમરાઈવાડી સીટ પર ભાજપના જગદીશ પટેલ અને કોંગ્રેસના ધર્મેન્દ્ર પટેલ વચ્ચે સીધી સ્પર્ધા છે.

 

(9:03 pm IST)