Gujarati News

Gujarati News

News of Wednesday, 5th June 2019

ડિગ્રી એન્જિનિયરિંગમાં ૪૦ હજાર બેઠકો હજુ ખાલી રહી

શિક્ષણના બે અલગ અલગ ચિત્રો સપાટીએ આવ્યા : સરકાર પ્રવેશોત્સવ કરે છે તો બીજી બાજુ એન્જિનિયરિંગ સહિતની વિદ્યા શાખામાં વિદ્યાર્થીઓ મળતા નથી : રિપોર્ટ

અમદાવાદ,તા. ૫ :       ગુજરાત સરકાર શિક્ષણ પાછળ કરોડો રૂપિયા ખર્ચી રહી હોવાનો દાવો કરી રહી છે. ખાસ કરીને પ્રાથમિક અને માધ્યમિકમાં શાળા પ્રવેશોત્સવની મોટાપાયે વર્ષોથી ઉજવણી કરવામાં આવે છે. આ વખતે પણ પ્રવેશોત્સવનું આયોજન કરાયું છે પરંતુ બીજી બાજુ ઉચ્ચ શિક્ષણમાં એન્જિનીયરીંગ જેવા મહત્વના કોર્સમાં વિદ્યાર્થીઓ મળવા મુશ્કેલ થઈ ગયા છે. રાજ્યમાં દિન પ્રતિદિન શિક્ષણનું સ્તર કથળી રહ્યું છે ત્યારે તેનું જીવતું જાગતું ઉદાહરણ તાજેતરમાં ડિગ્રી એન્જિનીયરીંગની પ્રવેશ પ્રક્રિયામાં જોવા મળ્યું છે. ડિગ્રી એન્જીનીયરીંગ અને ફાર્મસીમાં રજિસ્ટ્રેશનની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે, ત્યારે એન્જીનીયરીંગમાં ૭૨,૩૮૮ હજાર બેઠકો સામે ૩૩,૭૮૧ હજાર વિદ્યાર્થીઓએ જ રજીસ્ટ્રેશન કર્યું છે. જેને પગલે એન્જીનીયરીંગમાં પ્રવેશ પ્રક્રિયા પહેલા જ ૩૯,૬૦૭ સીટો ખાલી રહી ગઈ છે. જે ગત વર્ષ ખાલી રહેલી ૨૦ હજાર બેઠકો કરતા લગભગ બમણી છે. આમ, હવે રાજયમાં શિક્ષણના બે અલગ-અલગ ચિત્રો સામે આવી રહ્યા છે.         કેન્દ્રીય પ્રવેશ સમિતિ દ્વારા રજિસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તા. ૧૧ જૂને પ્રોવિઝનલ મેરિટલિસ્ટ જાહેર કરીને તા.૧૧થી ૧૬ જૂન વચ્ચે મોકરાઉન્ડ શરૂ કરાશે. મોક રાઉન્ડનું પરિણામ તા.૧૯ જૂને અને ફાઇનલ રાઉન્ડ હવે તા.૧૯ જૂનથી શરૂ કરવામાં આવશે. પ્રવેશ સમિતિ દ્વારા જયારે કાર્યવાહી શરૂ કરવામાં આવી ત્યારે ડિગ્રી એન્જીનીયરીંગમાં કુલ ૬૧ હજાર બેઠકો ઉપલબ્ધ હતી. પરંતુ ઇડબલ્યુએસ લાગુ કરવામાં આવ્યા બાદ ૧૧ હજારથી વધારે બેઠકોનો વધારો થયો છે. જેના કારણે હવે એન્જીનીયરીંગની કુલ ૭૨ હજાર બેઠકો થઇ છે, જેની સામે પ્રવેશ માટે ૩૩,૭૮૧ વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. પ્રવેશ સમિતિના સૂત્રોના મતે, રજિસ્ટ્રેશન કરાવનારા તમામ વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવે જ તેવું નક્કી નથી હોતું. દર વર્ષે રજિસ્ટ્રેશનની સંખ્યાની સામે પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યા ત્રણથી ચાર હજાર જેટલી ઓછી રહે છે. પ્રવેશ પ્રક્રિયા શરૂ થાય તે પહેલા ૩૯ હજાર બેઠકો ખાલી છે તે પ્રસ્થાપિત થઇ ચૂક્યું છે. આ વર્ષે ૩૯ હજાર કરતા પણ વધારે એન્જીનીયરીંગની બેઠકો ખાલી રહેવાની છે ત્યારે ગત વર્ષે ૫૫,૪૨૨ સીટોમાંથી ૩૯,૭૩૯ વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. જેમાંથી માત્ર ૩૫,૨૨૨ વિદ્યાર્થીઓએ પ્રવેશ પ્રક્રિયામાં ભાગ લીધો હતો. પરંતુ પ્રથમ મેરિટ બહાર પડતા ૩૧,૯૩૪ વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવ્યો હતો. જેમાં રાજ્યની ડિગ્રી એન્જીનીયરીંગની કુલ ૫૫,૪૨૨ બેઠકોમાંથી માત્ર ૩૫,૨૨૨ વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવવાની પ્રક્રિયા કરી હતી. આમ ૨૦ હજાર બેઠકો ખાલી રહી ગઈ હતી. આમ, રાજય સરકાર એકબાજુ, પ્રાથમિકમાં પ્રવેશોત્સવના તાયફા કરી રહી છે પરંતુ ઉચ્ચ શિક્ષણમાં વિદ્યાર્થીઓ શોધ્યા જડતાં નથી તે બહુ ગંભીર અને ચિંતાજનક વાત કહી શકાય. જે સીધી રીતે શિક્ષિત બેરોજગારીની સમસ્યાને ઉત્તેજન આપશે, તેથી સરકારે આ મામલે પણ જરૂરી વિચારણા કરવી જોઇએ.

(8:07 pm IST)