Gujarati News

Gujarati News

News of Wednesday, 5th June 2019

શહેરમાં ગંદકી-દબાણ કરનાર પર જેટ ટુકડી દ્વારા હવે તવાઇ

દંડ ભરવામાં આનાકાની કરનારા સામે પગલાં : કોર્પોરેશને પોલીસની સાથે મળી આજથી ઈ-રિક્ષામાં ફરી ગંદકી અને દબાણ કરનારાને દંડ ફટકારવા માટે શરૂ કર્યું

અમદાવાદ,તા.૫ :       અમદાવાદ શહેરમાં ગંદકી, દબાણ અને ટ્રાફિકના નિયમોનું પાલન નહીં કરનારને દંડવા આજથી શહેરના તમામ ૪૮ વોર્ડમાં ઇ-રિક્ષામાં ફરી ફરીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસની સંયુક્ત ટીમ દ્વારા એક નવતર અભિયાનનો પ્રારંભ કરી કસૂરવાર લોકો પાસેથી સ્થળ ઉપર જ દંડ વસૂલવાની શરૂઆત કરી છે. અમ્યુકો અને પોલીસની આ સંયુકત ઝુંબેશમાં અને શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવાના આ અભિયાનમાં સહકાર નહીં આપનાર અને દંડ ભરવામાં આનાકાની કરનારાઓ સામે ફોજદારી કાર્યવાહી કરાશે. આજે રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમ્યુકો અને પોલીસની સંયુકત ટીમની ઈ-રિક્ષાને લીલીઝંડી આપી હતી અને અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. આ ઈ-રિક્ષામાં સોલીડ વેસ્ટ, એસ્ટેટ અને પોલીસ વિભાગના કર્મચારીઓ રહેશે. આ સંયુક્ત ટીમ તમામ ૪૮ વોર્ડમાં સવારના ૮થી બપોરના ૧૨ અને સાંજના ૪થી રાત્રે ૮ વાગ્યા સુધી ફરશે અને કસૂરવાર લોકો પાસેથી સ્થળ પર જ દંડની વસૂલાત કરશે. જોઇન્ટ એન્ફોર્સમેન્ટ ટીમ (જેટ) નિયમનો ભંગ કરનાર સામે સ્થળ ઉપર જ દંડ વસૂલવામાં આવશે અને કોઇને બક્ષવામાં નહી આવે. જો કોઇ દંડ ન આપે તો તેમને મેજિસ્ટ્રેટ કોર્ટ સમક્ષ રજૂ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. શહેરમાં હવે  ગમે ત્યાં કચરો ફેંકવો, જાહેરમાં થૂંકવું, જાહેરમાં પેશાબ કરવો, રોડ પર દબાણ, દીવાલો પર ગેરકાયદે પોસ્ટર લગાવવા, વાહનોનું આડેધડ પાર્કિંગ કરવા સહિતની બાબતોને લઇ જોઇન્ટ એન્ફોર્સમેન્ટ ટીમ તવાઇ બોલાવશે અને કસૂરવારો વિરૂદ્ધ કાર્યવાહી કરશે. બીજીબાજુ, શહેરને પર્યાવરણની રીતે વધુ સ્વચ્છ બનાવવા અને એર પોલ્યુશનની સમસ્યા નિવારણના ભાગરૂપે હવે અમ્યુકો દ્વારા  શહેરમાં પ્રદૂષણની માત્રા ઘટાડવા ઇલેક્ટ્રિક વાહનો જ ખરીદવામાં આવશે. તેના ભાગરૂપે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક ખાનગી કંપની સાથે ઇલેક્ટ્રિક ફ્યૂઅલ ચાર્જિંગ સ્ટેશન માટે શહેરમાં ૧૦૦ જેટલા સેન્ટર ઊભા કરવા માટે એમઓયુ કરાયા છે. અમ્યુકો દ્વારા તબક્કાવાર રીતે નવા વાહનો ઇલેક્ટ્રિકથી ચાલતા જ ખરીદવામાં આવશે.

(8:07 pm IST)