Gujarati News

Gujarati News

News of Wednesday, 5th June 2019

માતર તાલુકાના ખરેતીમાં લગ્ન પ્રસંગમાં નાચતા બાળકને કરંટ લાગતા મોત નિપજતા ખુશીનો માહોલ માતમમાં છવાયો

માતર: તાલુકાના ખરેંતી ગામમાં ગત તા.૧૪ મેના રોજ લગ્નપ્રસંગમાં ડીજેની તાલ પર ડાન્સ કરતાં બાળકો પૈકી ૧૧ વર્ષીય બાળકને ડીજે સાથે જોડેલ વાયરથી કરંટ લાગતાં તેમનું મોત નિપજ્યું હતું. જો કે આ બનાવની તપાસ દરમિયાન ડીજે વાળાએ ઈલેક્ટ્રીક વીજ પોલથી વાયર નાખી સીધુ કનેક્શન લીધુ હોઈ તેની બેદરકારીને કારણે આ ઘટના બની હોવાનું બહાર આવતાં ડીજેવાળા સામે લીંબાસી પોલીસમાં બનાવના ૨૦ દિવસ બાદ ફરિયાદ નોંધાઈ છે. 

મળતી માહિતી મુજબ માતર તાલુકાના ખરેંતી ગામમાં રહેતાં પ્રવિણભાઈ ભીખાભાઈ તળપદાના ઘરે તેમના પુત્ર દશરથનું તા.૧૪-૫-૧૯ ના રોજ લગ્ન હતુ. પ્રવિણભાઈએ ખરેંતીમાં રહેતાં મુકેશભાઈ રાયસીંગભાઈ સોલંકીનું ડીજે ભાડે કર્યું હતું. જેથી તેઓ લગ્ન દિવસ સવારે ૯-૩૦ કલાકે ડીજે લઈને પ્રવિણભાઈ તળપદાના ઘરે આવી ગયાં હતાં. તેમની પાસે ડીજે વગાડવા માટે જનરેટર ના હોઈ તેમણે પ્રવિણભાઈના ઘર આગળથી પસાર થતાં વીજ પોલના વાયરમાંથી ગેરકાયદેસર કનેક્શન લેવાનું વિચારી ત્યાં વાયર જોઈન્ટ કરી પોતાની ડીજે સિસ્ટમમાં કનેક્શન આપ્યું હતું. અને ડીજે ચાલુ કર્યું હતુ. જેથી ફળીયાના તમામ છોકરાઓ ડીજેના તાલ પર નાચવા લાગ્યાં હતાં. આ સમયે ફળીયામાં રહેતાં બંસીભાઈ ચંદુભાઈ તળપદાનો ૧૧ વર્ષીય પુુત્ર કિશન પણ તેના મિત્રો સાથે ડાન્સ કરતો હતો. ડાન્સ કરતાં કરતાં તે લોખંડની એંગલને અડી જતાં તેને વીજ કરંટ લાગ્યો હતો. જેથી હાથ અને દાઢીમાં કાણુ પડી ગયું હતું. તેને તાત્કાલિક ૧૦૮ માં માતર લઈ ગયાં હતાં. ત્યાં ડોકટરે મરણ જાહેર કર્યો હતો. 

(5:55 pm IST)