Gujarati News

Gujarati News

News of Wednesday, 5th June 2019

સુરતમાં આગની દુર્ઘટનાના મૃતકોને શ્રધ્ધાંજલી અર્પવા ૫ વર્ષની બાળાએ રમઝાન મહિનામાં રોઝા રાખ્યા

સુરતઃ થોડા દિવસો પહેલા સુરતમાં લાગેલી આગમાં ૨૨ વિદ્યાર્થીઓના મોત થતા અરેરાટી વ્યાપી ગઈ છે ત્યારે આ મૃતકોને શ્રધ્ધાંજલી અર્પવા સુરતમાં ૫ વર્ષની બાળાએ રોઝા રાખ્યા હતા.

શિફા નામની ૫ વર્ષની બાળાએ રમઝાન મહિનામાં ૨૭માં રોઝાનું ખૂબ જ મહત્વ હોય છે તે રોઝા રાખીને શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી.

સુરતના ચોક બજાર વિસ્તારમાં રહેતા મોઈન શેખની દીકરી શિફા હજુ તો કેજીમાં ભણે છે. ગયા વર્ષે પણ તેણે મમ્મી-પપ્પા સમક્ષ ૨૭મો રોઝા રાખવાની ઈચ્છા વ્યકત કરી હતી, પરંતુ મમ્મી-પપ્પાએ તેની નાની ઉંમરને જોતા તેને રોઝા નહોતો રાખવા દીધો. જો કે આ વખતે તો તક્ષશિલા આર્કેડમાં લાગેલી આગમાં મોતને ભેટેલા બાળકો માટે શિફા ગમે તે ભોગે રોઝા રાખવા મક્કમ હતી.

તેના પિતા સાથે રોઝા ખોલવાની તૈયારી કરી રહેલી શિફાએ જણાવ્યું હતુ કે, અલ્લાહે તે બાળકોને પોતાની પાસે બોલાવ્યા છે અને મેં રોઝા રાખીને તેમના માટે શાંતિની દુઆ કરી છે. શિફાના પિતાનું કહેવુ છે કે તેણે સવારે રોઝા રાખવાની વાત કરી ત્યારે શરૂઆતમાં તેમણે ના પાડી હતી જો કે શિફા તેના માટે મક્કમ હતી.

(5:22 pm IST)