Gujarati News

Gujarati News

News of Wednesday, 5th June 2019

વાલીઓનો મરો

પુસ્તકો બાદ નોટબુકમાં પણ મોંઘવારીનો અસહ્ય મારઃ ભાવમાં ૨૫ ટકાનો વધારો

યુનિફોર્મ, સ્કૂલ બેગ, સ્ટેશનરીના ભાવ પણ વધ્યાઃ વિદ્યાર્થી દીઠ રૂ. ૮૦૦ થી ૧૦૦૦નો ખર્ચ વધ્યો

અમદાવાદ, તા. ૫ :. દસમી જૂનથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થવા જઈ રહ્યો છે, ત્યારે વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપર સ્ટેશનરીના ખર્ચનો બોજો આવી પડયો છે. ધો. ૧૦ અને ૧૨ના ગણિત-વિજ્ઞાનના પુસ્તકોના ભાવ લગભગ બમણા થઈ ગયા છે. ગણિતના પાઠયપુસ્તકના ભાવ રૂ. ૧૦૪ થી ૧૧૭ થઈ ગયો છે. જ્યારે નોટબુકોમાં પણ ૨૫ ટકા જેટલો વધારો ઝીંકાયો છે.

ધો. ૪, ધો. ૬ અને ધો. ૧૧, ધો. ૧૨ અભ્યાસક્રમ લાગુ થતા નવા પાઠયપુસ્તકોના ભાવોમાં વધારો નોંધાયો છે. નવા સત્ર સાથે વિદ્યાર્થીઓની નોટબુક, ફુલસ્કેપ ચોપડા, સ્કૂલ બેગ, લંચ બોકસ, પાણીની બોટલ સહિતની ચીજોની માગ વધી છે. મોટાભાગના વાલીઓ દર વર્ષની જેમ એક જ દુકાનેથી તમામ શૈક્ષણિક ખરીદીના બદલે જુદી જુદી દુકાનોએ ફરીને ભાવતાલ કરી રહ્યાનું પણ જોવા મળે છે. વિદ્યાર્થી દીઠ સરેરાશ રૂ. ૮૦૦થી ૧૦૦૦નો ખર્ચ વધી ગયો છે.

હોલસેલ બુક સેલર નલિનભાઈ કોટડિયાએ જણાવ્યુ હતુ કે દર દસ વર્ષે ભાવ રિવાઈઝ થાય છે. આ વખતે એન.સી.ઈ.આર. ટીના અભ્યાસક્રમ મુજબ પાઠયપુસ્તકો તૈયાર કરાયા છે. અગાઉ બ્લેક એન્ડ વ્હાઈટ પુસ્તકો આવતા હતા અત્યારે મલ્ટિકલર બુક આવી છે, પણ કાગળના ભાવ વધતા નોટબુકમાં ૨૫ ટકા જેટલો ભાવ વધારો છે. બાળક સ્કૂલમાં પ્રવેશ લે ત્યારથી વાલીઓ પર આર્થિક બોજ શરૂ થઈ જાય છે. જેમાં સ્કૂલ ફી, રિક્ષા ભાડુ, ટયુશન, સ્ટેશનરી, સ્કૂલ બેગ સહિતના વિવિધ ખર્ચાઓ દર વર્ષે બજેટમાં વધારો કરે છે.  સ્ટેશનરીની દુકાનના વેપારી અમિત શાહે જણાવ્યુ હતુ કે આ વર્ષે ધો. ૪, ધો. ૬ અને ધો. ૧૧ અને ધો. ૧૨મા એન.સી.ઈ.આર.ટી.નો અભ્યાસક્રમ લાગુ થતા પ્રાથમિક ધોરણમાં ગણિત અને વિજ્ઞાનના પુસ્તકો બદલાયા છે. તે પુસ્તકો ગત વર્ષની સરખામણીએ થોડા મોંઘા થયા છે. આ સાથે કાગળ ઉપર જીએસટી લાગુ થતા નોટબુક અને ચોપડામાં રૂ. ૫ થી ૧૦નો વધારો થયો છે. એ જ રીતે સ્કૂલ બેગમાં બાળકોને મનગમતા કાર્ટુન પાત્રો છોટા ભીમ, સ્પાઈડરમેન, મોટુ પતલુ, બાહુબલિ, ડાઈનોસોર જેવી  છાપવાળી  કલરફુલ બેગના રૂ. ૧૫૦થી ૨૫૦ અગાઉના ભાવમાં વધારો થઈને હાલ રૂ. ૨૫૦થી ૪૫૦ના ભાવે વેચાણમા છે.   ઉપરાંત   લંચ બોકસ અને કંપાસના ભાવોમાં પણ વધારો થયો છે.

(4:01 pm IST)