Gujarati News

Gujarati News

News of Wednesday, 5th June 2019

ટોચના અધિકારીઓ કરતા સિનીયર કલાર્કના લાંચના ભાવ વધુ !!

અમદાવાદ મ્યુનિ.ના સિનીયર કલાર્કે સ્ટાફના ઈન્ક્રીમેન્ટ-સાતમા પગાર પંચના પુરવણી બીલ માટે ૧ લાખ ૩૦ હજાર માંગેલ, જ્યારે 'વુડા'ના અધિકારીઓએ સવા લાખ માંગેલ આમ સિનીયર કલાર્ક ૫ લાખ વધુ માંગી લાંચમાં ચઢીયાતા પુરવાર થયાઃ રસપ્રદ તારણ : મ્યુનિ. કોર્પોરેશન-નગરપાલિકાઓ-વિવિધ સત્તા મંડળોના ચોક્કસ અધિકારીઓ-સ્ટાફ તથા વચેટિયાઓ દ્વારા લાંચ વિના કામ ન થતા હોવાની વ્યાપક ફરીયાદો સંદર્ભે લોકોને આગળ આવી, ભ્રષ્ટાચાર વિરોધી અભિયાનમાં સહયોગ આપવા એસીબી વડા કેશવકુમારની અકિલાના માધ્યમથી ભારપૂર્વક અપીલ

રાજકોટ, તા. ૫ :. ગુજરાતના વિવિધ ખાતાઓના ચોક્કસ નાના-મોટા અધિકારીઓ તથા સ્ટાફ દ્વારા લોકો પાસેથી તેમના રોજીંદા કામો કરાવવા માટે લાંચની રકમ લીધા વગર કામો ન કરાતા હોવાની વ્યાપક ફરીયાદો નિવારવા માટે રાજ્ય સરકારની સાથોસાથ રાજ્યનું લાંચ-રૂશ્વત વિરોધી બ્યુરોએ પણ દ્રઢ નિર્ધાર કર્યો હોય તેમ કલાર્ક કક્ષાએથી લઈ સુપર કલાસ વન અધિકારીઓ પર ત્રાટકવા દરમિયાન કેટલીક રસપ્રદ બાબતો પ્રકાશમાં આવી હોવાનું લાંચ-રૂશ્વત વિરોધી બ્યુરોના સૂત્રો દ્વારા જાણવા મળે છે. તાજેતરમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અરવિંદભાઈ મીઠાલાલ જાની નામના સિનીયર કલાર્ક દ્વારા સ્ટાફના ઈન્ક્રીમેન્ટના પુરવણી બીલ તેમજ સાતમા પગાર પંચના બાકી લાભો મેળવવાના જે બાકી હતા તેની ૪ લાખ ૩૦ હજારની પુરવણી બીલ બનાવવા ૧ લાખ ૩૦ હજારની માંગણી કરી. ફરીયાદીની ફરીયાદ આધારે અમદાવાદ શહેર એસીબીના પીઆઈ કે.આર. સકસેનાએ એસીબીના મદદનિશ નિયામક કે.બી. ચુડાસમાના માર્ગદર્શનમાં ઝડપી લીધેલ એ વાત જાણીતી છે.

નવાઈની વાત એ છે કે વડોદરાના પાદરા ખાતેની જમીનમાં સ્કૂલનું બાંધકામ કરવા માટે પ્લાનીંગની કામગીરી માટે 'વુડા'માંથી પ્લોટ વેલીડેશન સર્ટીફીકેટ મેળવવા કરેલી અરજી માટે સવા લાખની લાંચની માંગણી કરેલ.

ફરીયાદીની ફરીયાદ આધારે શૈલેષભાઈ રામજીભાઈ પટેલ, જુનીયર ટાઉન પ્લાનર વર્ગ-૨ (વુડા) તથા ચીફ એકઝીકયુટીવ ઓથોરીટી વર્ગ-૧ શહેરી વિકાસ સત્તા મંડળને સવા લાખની લાંચના આરોપસર વડોદરા એસીબી પીઆઈ કહાર તથા વડોદરા એસીબીના મદદનીશ નિયામક એન.પી. ગોહિલને ઝડપી લીધા. આમા નવાઈની વાત એ છે કે, સિનીયર કલાર્કનો લાંચનો ભાવ ૧ લાખ ૩૦ હજાર જ્યારે સુપર કલાસ વન તથા કલાસ ટુ કક્ષાના અનુક્રમે ચીફ એકઝીકયુટીવ તથા જુનીયર ટાઉન પ્લાનરની લાંચના ભાવ ૧ લાખ ૨૫ હજાર અર્થાત ટોચના અધિકારીઓ કરતા સિનીયર કલાર્કનો લાંચનો ભાવ વધારે હોવાનુ બહાર આવતા આશ્ચર્ય સાથે રમુજ પ્રસરી છે.

સીબીઆઈના બહોળા અનુભવને કામે લગાડી, એસીબીને સીબીઆઈ સમકક્ષ બનાવવા માટે ભરપુર પ્રયાસ કરતા એસીબી વડા કેશવકુમાર કે જેના માર્ગદર્શનમાં આ બન્ને છટકાઓ સહિત અનેક છટકાઓ સફળતાથી પાર પડયા તેવા એસીબી વડા કેશવકુમારે જણાવેલ કે, નગરપાલિકાઓ, મહાનગરપાલિકાઓ અને રાજયના શહેરી વિકાસ મંડળો દ્વારા અર્થાત તેમના ચોક્કસ અધિકારીઓ અને સ્ટાફ દ્વારા લાંચ લીધા વગર કોઈ કાર્ય થતા ન હોવાની ફરીયાદો મળવા સાથે કેટલાક આર્કિટેકટો તથા અન્ય ચોક્કસ વચેટીયાઓ દ્વારા વહીવટ થઈ રહ્યાની વ્યાપક ફરીયાદ મળી છે. લોકોને આવા લાંચીયાઓ તથા તેમના વહીવટદારો વિશે જે કાંઈ માહિતી હોય તે એસીબીને અને જરૂર જણાયે પોતાને સીધી માહિતી મળતા આકરી કાર્યવાહી કરવામાં આવશે તેમ અકિલા સાથેની વાતચીતમાં જણાવ્યુ હતું.

(1:10 pm IST)