Gujarati News

Gujarati News

News of Wednesday, 5th June 2019

સુરત અગ્નિકાંડ : DGVCL, મનપા અને ફાયરની બેદરકારી

સુરત પોલીસ કમિશનરનો ચોંકાવનારો ઘટસ્ફોટ : મામલામાં સંડોવાયેલા, જવાબદારોને કોઇપણ સંજોગોમાં છોડવામાં નહી આવે : સુરત સીપી દ્વારા અંતે હૈયાધારણા

અમદાવાદ,તા. ૪ :  સુરતના સરથાણા જકાતનાકા ખાતે આવેલી તક્ષશિલા આર્કેડમાં ગત તા.૨૪મેના રોજ લાગેલી આગના ગોઝારાકાંડમાં ૨૩ વિદ્યાર્થીઓના ચકચારભર્યા મોત પ્રકરણમાં સુરત પોલીસ કમિશનર સતીષ શર્માએ ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો હતો કે, સુરત આગકાંડમાં દક્ષિણ ગુજરાત વીજકંપની લિ.(ડીજીવીસીએલ), સુરત મહાનગરપાલિકા અને ફાયરવિભાગની સ્પષ્ટ બેદરકારી સામે આવી છે. સુરત પોલીસ કમિશનરે સાથે સાથે એવી હૈયાધારણ પણ આપી હતી કે, આ સમગ્ર મામલામાં સંડોવાયેલા અને જવાબદારોને કોઇપણ સંજોગોમાં છોડવામાં નહી આવે. જો કે, સુરત સીપીના આ ખુલાસા બાદ સમગ્ર પ્રકરણમાં ભારે ખળભળાટ મચી ગયો છે. બીજીબાજુ, સુરત ક્રાઇમબ્રાંચે આ કેસમાં તપાસના ભાગરૂપે સુરત મહાનગરપાલિકાના ચાર અધિકારીઓને સમન્સ પાઠવતાં ભારે ચકચાર મચી ગઇ હતી. સુરતના આગકાંડમાં ૨૩ નિર્દોષ વિદ્યાર્થીઓના મોતને લઇ એકતરફ ચોતરફથી કસૂરવારો સામે આકરા પગલાં લેવાની ઉગ્ર માંગણી ઉઠવા પામી છે ત્યારે બીજીબાજુ, આ સમગ્ર દુર્ઘટનામાં તંત્રની બેદરકારી હતી એવું તપાસમાં બહાર આવ્યું છે. ડીજીવીસીએલ, સુરત મહાનગરપાલિકા અને ફાયર વિભાગની બેદરકારીથી મોતનો આંકડો ૨૩ સુધી પહોંચ્યો હતો એવો ચોંકાવનારો ઘટસ્ફોટ સુરત પોલિસ કમિશનર સતીષ કુમાર શર્માએ કર્યો હતો. સુરત સીપીએ વધુમાં ઉમેર્યું હતું કે, આગની ઘટના પછી પોલીસે પહેલાં જ સાપરાધ મનુષ્ય વધનો ગુનો દાખલ કરી દીધો હતો. આ મામલામાં હાથ ધરાયેલી વધુ તપાસ દરમ્યાન સંકળાયેલા  બધા જ તંત્રની બેદરકારી સામે આવી રહી છે અને ઉપરી અધિકારીઓ પોતાના માણસોને બચાવવાના પ્રયાસ કરી રહ્યા છે પણ પોલીસે ઉપરી અધિકારીઓને કડક સૂચના આપી દીધી છે કે, જો તમારા કોઈને પણ બચાવશો તો ગાળિયો તમારા ગળામાં ફીટ કરી દેવાશે. સુરત સીપી શર્માએ જણાવ્યું કે, તક્ષશિલા આર્કેડની ઘટનાનો ૪૦૦ પાનાનો રિપોર્ટ ડીજીવીસીએલે તૈયાર કર્યો છે. જેનો મેં પૂરો અભ્યાસ કર્યો છે. રિપોર્ટમાં જ લોલમલોલ છે. તક્ષશિલામાં એક પણ એ.સી.નથી તેવો રિપોર્ટમાં ઉલ્લેખ છે. જયારે તપાસમાં બહાર આવ્યું છે કે, તક્ષશિલામાં ૨૫ એ.સી. ચાલતા હતા, અને એ.સી,ના કારણે જ આગ લાગી હતી. બીજું કે ટ્રાન્સફોર્મર અને બિલ્ડીંગના વીજ વપરાશને મેચ કરવાનું હોય છે. પણ ડીજીવીસીએલના ઇજનેરને જયારે પુછાયું કે, ટ્રાન્સફોર્મરનું મીટર રીડીંગ આપો તો તેણે જવાબ આપ્યો કે, મીટર તો બંધ છે. ઘણા બધા એવો સવાલો છે જેમાં ડીજીવીસીએલની બેદરકારી સ્પષ્ટપણે દેખાઇ આવે છે. સમગ્ર અગ્નિકાંડમાં સુરત મહાનગરપાલિકાના અધિકારીઓની પણ લાલિયાવાળી સામે આવી છે.તક્ષશિલા આર્કેડમાં જે ડોમ બન્યા હતા તે તો ઇમ્પેકટ ફીની પ્રોસેસ પુરી થયા પછી બન્યા હતાં. પોલીસે ગુગલ મેપને આધારે તપાસ કરી તો ૨૦૧૨માં તક્ષશિલામાં ડોમ હતા જ નહીં. ફાયર વિભાગે પણ ફાયર સેફટીની તપાસ નહોતી કરી. બધા જ લોકોની બેદરકારી હતી એટલે આગની ઘટના બની છે. પરિણામે કોઇ પણ વિભાગના ગમે તેટલા વરિષ્ઠ અધિકારી હોય જેની સંડોવણી સ્પષ્ટ થશેતો કોઇને પણ છોડવામાં નહીં આવે એવી સાફ વાત સીપીએ ઉચ્ચારી હતી.

(9:38 pm IST)