Gujarati News

Gujarati News

News of Wednesday, 5th June 2019

બગડી ગયેલી કેરીના જથ્થાને લઇ ઇન્ડસ્ટ્રીને મળેલ નોટિસ

આરોગ્ય વિભાગના અધિકારીઓ દ્વારા દરોડા : વાડીલાલ ઇન્ડસ્ટ્રી સામે મુશ્કેલી : બિનઆરોગ્યપ્રદ કેરી ઉપયોગમાં લેવાના કાંડનો પર્દાફાશ કરાયો હતો : અહેવાલ

અમદાવાદ,તા. ૪ : તાજેતરમાં જ વાડીલાલ ઇન્ડસ્ટ્રીઝના ધરમપુરના ઓઝરપાડામાં આવેલા યુનિટ પર ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલ એડમીનીસ્ટ્રેશન(એફડીસીએ) દ્વારા  પાડવામાં આવેલા અચાનક દરોડા દરમ્યાન બગડી ગયેલી અને અતિશય ખરાબ કેરીઓનો રસ સહિતની ખાદ્ય બનાવટમાં ઉપયોગને લઇ ગંભીર બેદરકારી સામે આવી હતી. દરમ્યાન આજે રાજયના ફુડ એન્ડ ડ્રગ કંટ્રોલ એડમીનીસ્ટ્રેશન (એફડીસીએ) દ્વારા વાડીલાલ ઇન્ડસ્ટ્રીઝને કારણદર્શક નોટીસ ફટકારવામાં આવી છે. જેને પગલે હવે કંપનીની મુશ્કેલી વધી છે. કંપનીએ હવે સાત દિવસની અંદર આ અંગે જવાબ આપવાનો રહેશે. જો કે, દરોડા દરમ્યાન એટલી ખરાબ  અને બગડી ગયેલી કેરીઓનો જથ્થો સામે આવ્યો હતો કે, જે માનવીના આરોગ્ય માટે ખૂબ જોખમી અને બિનઆરોગ્યપ્રદ હતી, છતાં તે ઉપયોગમાં લેવાતી હોવાના કૌભાંડનો પર્દાફાશ થયો હતો. એફડીસીએ વલસાડના અધિકારીઓ દ્વારા તાજેતરમાં તા.૩૧ મેના રોજ વાડીલાલના પ્લાન્ટમાં ચેકિંગ હાથ ધરાયુ હતું જેમાં તપાસ કરતા ૫,૨૦૦ કિલો કરતા વધુ બગડેલી કેરી અને ૨૫ કિલો જેટલા સમોસા અને અન્ય ખાદ્ય સામગ્રી મળી આવી હતી. સિનિયર ફૂડ સેફટી ઓફિસર કે.સી.કુનબીએ જણાવ્યું હતું કે, અમે વાડીલાલના પ્લાન્ટમાંથી કેરીના રસના નમુના પણ લીધા છે અને તેને રાજકોટની લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલવામાં આવ્યા છે. આ અંગેનો રેપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે. દરમ્યાન  ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલ એડમીનીસ્ટ્રેશનના કમિશનર એચ. જી. કોશિયાએ જણાવ્યું હતું કે, નમુના ફેઈલ થાય તો કંપની સામે ત્રણ રીતે કાર્યવાહી થઇ શકે છે. એક જો લીધેલા નમુના સબસ્ટાન્ડર્ડ નીકળે તો તેવા કિસ્સામાં દંડની જોગવાઈ છે. નમુના જયારે બિન આરોગ્યપ્રદ કે અસુરક્ષિત સાબિત થાય તો કંપની સામે કોર્ટમાં કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત અન બ્રાન્ડેડના કિસ્સામાં પણ દંડ ભોગવવો પડે છે જે અહી લાગુ પડતું નથી. તપાસ અધિકારી કુનબીએ જણાવ્યું હતું કે, ચકાસણી દરમિયાન કંપનીમાં સ્વચ્છતાને લગતી બેદરકારી પણ સામે આવી હતી. ઘણા કારીગરો હાથમાં મોજા અને સેફ્ટી સાધનો વગર કામ કરતા જણાય હતા. આ અંગે કંપનીને જરૂરી સૂચનાઓ પણ આપવામાં આવી છે અને કાર્યવાહી કરવામાં આવી છે.

(4:24 pm IST)