Gujarati News

Gujarati News

News of Wednesday, 5th June 2019

અમદાવાદ એરપોર્ટ ઉપર ૭ કરોડનું ૨૪ કિલો સોનું જપ્ત

અધિકારીઓ જંગી સોનાનો જથ્થો જોઇ ચોંકી ગયા : દુબઇથી આવેલા એક શખ્સ પાસેથી આટલો મોટો સોનાનો જથ્થો ઝડપાતાં એરપોર્ટ ચર્ચા : ઝડપાયેલાની પુછપરછ

અમદાવાદ, તા.૪ : અમદાવાદ એરપોર્ટ પરથી દુબઈથી આવેલા એક શખ્સ પાસેથી રૂપિયા રૂ.૭ કરોડની કિંમતનું ૨૪ કિલો સોનું ઝડપાતાં એરપોર્ટ પર ભારે ચકચાર મચી ગઇ હતી. દુબઇથી આવેલા શખ્સે પોતાનો માલસામાન બહાર લાવવા માટે ગ્રાઉન્ડ હેન્ડલીંગ સ્ટાફની મદદ લીધી હતી, તે દરમ્યાન કસ્ટમ અધિકારીને શંકા જતાં તેમણે આ શખ્સને આંતર્યો હતો અને તેની જડતી દરમ્યાન એક બોક્સમાંથી  ૨૪ કિલો સોનું ઝડપાયું હતું. કસ્ટમ અધિકારીઓએ જીગ્નેશ નામના આ શખ્સની અટકાયત કરી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી હતી. તો, સ્થાનિક પોલીસે પણ આ પ્રકરણમાં વધુ તપાસ હાથ ધરી હતી. અમદાવાદ એરપોર્ટ પર આજે દુબઇથી એક શખ્સ ઉતર્યો હતો અને તેમણે પોતાનો માલ-સામાન વધુ હોવાથી એરપોર્ટ પર ગ્રાઉન્ડ હેન્ડલીંગ સ્ટાફની મદદ લીધી હતી અને કર્મચારીને કાર્ગોની ટ્રોલી રાખવામાં આવે છે ત્યાં એરકાર્ગોનું કામ કરતાં કર્મચારીને એક બોક્સ આપ્યું હતું. આ સમગ્ર ઘટનાક્રમ દરમ્યાન એક કસ્ટમ અધિકારી આ બધું જોઇ રહ્યા હતા અને તેમને શંકા જતાં તેમણે આ શખ્સને સાઇડમાં આંતરી લીધો હતો અને તેની જડતી લીધી હતી, જેમાં તેના માલ-સામાનમાંથી બોક્સમાંથી ૨૪ કિલો સોનું ઝડપાયું હતું. કસ્ટમ અધિકારી અને સ્થાનિક પોલીસ પણ આટલો મોટો સોનાનો જથ્થો જોઇ ચોંકી ગઇ હતી. પ્રાથમિક તપાસમાં આ સોનાનો જથ્થો રૂ. સાત કરોડની કિંમતનો હોવાનું મનાઇ રહ્યું છે. કસ્ટમ અધિકારીઓએ દુબઇથી ૨૪ કિલો સોનુ લઇને આવેલા શખ્સની અટકાયત કરી તેની વધુ પૂછપરછ હાથ ધરી હતી. બીજીબાજુ, સ્થાનિક પોલીસે પણ આ શખ્સ સોનુ કયાંથી લાવ્યો હતો અને કોને ડિલીવરી કરવાનો હતો, તે પોતે આટલો મોટો જથ્થો કોઇના કહેવાથી લાવ્યો હતો કે કેમ તેમ જ તે સોનાની હેરફેર માટે કેરીઅર તરીકે કામ કરતો હતો કે કેમ તે સહિતના મુદ્દાઓ પર હવે તપાસ આરંભી છે. પોલીસે સોનું બહાર લાવવામાં ગ્રાઉન્ડ હેન્ડલીંગ સ્ટાફના કર્મચારીની પૂછપરછ પણ કરી હતી, કે તે આ સમગ્ર ષડયંત્રમાંસામેલ છે કે કેમ તે દિશામાં પણ હવે તપાસનો દોર આરંભાયો છે. જો કે, એરપોર્ટ પર આટલા મોટા પ્રમાણમાં સોનાનો જથ્થો ઝડપાતાં ભારે ચકચાર મચી ગઇ હતી.

(7:48 pm IST)