Gujarati News

Gujarati News

News of Thursday, 5th May 2022

કોરોના વ્યવસ્થાપન અને રસીકરણનું ભારતીય મોડલ અન્ય દેશો માટે સંશોધનનો વિષય : મંત્રી મનસુખભાઇ માંડવિયા

ભારત સરકારની સેન્ટ્રલ કાઉન્સિલ ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલ્ફેરની 14 મી બેઠક અંતર્ગત ત્રિ-દિવસીય સ્વાસ્થ્ય ચિંતન શિબિરનો પ્રારંભ

અમદાવાદ :સ્ટેચ્યુ ઓફ યુનિટી-એકતાનગર( ખાતે ભારત સરકારની સેન્ટ્રલ કાઉન્સિલ ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલ્ફેરની 14 મી બેઠક અંતર્ગત ત્રિ-દિવસીય સ્વાસ્થ્ય ચિંતન શિબિરનો પ્રારંભ થયો છે. જેનો શુભારંભ કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઇ માંડવિયા અને સીએમ ભૂપેન્દ્રભાઈ  પટેલના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે બોલતા કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઇ માંડવિયાએ જણાવ્યું હતું કે કોરોના વ્યવસ્થાપન અને રસીકરણનું ભારતીય મોડલ અન્ય દેશો માટે સંશોધનનો વિષય બન્યું છે. જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ  પટેલે જણાવ્યું કે સ્વાસ્થ્ય ચિંતન શિબિરમાંથી પ્રાપ્ત થનારું મંથન-ચિંતનરૂપી અમૃત્ત દેશના આરોગ્ય ક્ષેત્રમાં નવા પ્રાણ પૂરશે.

 

કોરોનાકાળનો ઉલ્લેખ કરતા કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઈ  માડવીયાએ કહ્યું કે, કોરોનાની વિષમ પરિસ્થિતિઓમાં કેન્દ્ર અને રાજ્ય સરકારના સહિયારા પ્રયાસોના પરિણામે આજે દેશમાં કોરોનાની પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ આવી છે. દેશને કોરોના વાયરસની અતિ ગંભીર પરિસ્થિતિઓથી બચાવવામાં આપણે મહદ્દઅંશે સફળ રહ્યા છીએ.135 કરોડની વસ્તી ધરાવતા ભારત દેશમાં 97.5 ટકા નાગરિકોને કોરોના રસીકરણનો પ્રથમ ડોઝ આપવામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આપણે સફળ રહ્યા છીએ તેમ જણાવીને ભારતનું કોરોના વ્યવસ્થાપન અને રસીકરણનું ‘ભારત મોડલ’અન્ય દેશો માટે અભ્યાસનો વિષય બન્યું છે તેમ ઉમેર્યું હતું.

 

સ્ટેચ્યુ ઓફ યુનિટી-એકતાનગર ખાતે ભારત સરકારની સેન્ટ્રલ કાઉન્સિલ ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલ્ફેરની 14મી બેઠક અંતર્ગત કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઇ માંડવિયાના અધ્યક્ષસ્થાને ૫ થી ૭ મે દરમિયાન યોજાઈ રહેલી આ શિબિરમાં દેશના ૨૫ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના આરોગ્ય મંત્રીઓ, સચિવો, તબીબી નિષ્ણાતો સહભાગી બન્યા છે.મુખ્યમંત્રીએ શિબિરના ઉદ્દઘાટન સત્રને સંબોધતા જણાવ્યું કે, આઝાદીનો અમૃત્ત મહોત્સવ સમગ્ર દેશમાં ઉજવાઈ રહ્યો છે, જેના ઉપલક્ષ્યમાં એકતાનગર ખાતે તમામ રાજ્ય સરકારો, કેન્દ્ર સરકારના આરોગ્ય વિભાગના પ્રતિનિધિઓ, રાજ્ય અને કેન્દ્રીય મંત્રીગણ, તજજ્ઞો દ્વારા દેશની આરોગ્ય સેવા, સ્વાસ્થ્ય ચિકિત્સા પદ્ધતિઓ, આયુર્વેદ, આયુષ, યોગને વ્યાપક અને બહેતર બનાવવા વિચારમંથનના સંયુક્ત પ્રયાસો હાથ ધરાયા છે.

બદલાતા સમય સાથે ગુજરાતના આરોગ્ય માળખાને સુદ્રઢ કરી આરોગ્ય સેવાઓમાં આમૂલ પરિવર્તન કરવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે એમ જણાવતાં મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, ગુજરાતમાં અનેકવિધ યોજનાઓના અસરકારક અમલીકરણથી વર્ષ ૨૦૨૦-૨૧માં સસ્ટેઈનેબલ ડેવલપમેન્ટ ગોલ, નીતિ આયોગ ઈન્ડેક્ષ- આરોગ્ય અને સુખાકારીમાં ગુજરાત રાજ્ય ૮૬ સ્કોર સાથે સમગ્ર દેશમાં મોટાં રાજ્યોમાં પ્રથમ ક્રમે છે. નવજાત શિશુથી માંડીને વરિષ્ઠ નાગરિક સુધીના તમામ લોકો સ્વસ્થ-તંદુરસ્ત રહે તેવી સઘન આરોગ્ય સુવિધા સેવાઓ માટે આ વર્ષના બજેટમાં રૂ.૧ર,ર૪૦ કરોડ ફાળવ્યા છે.ગુજરાત સરકારે આરોગ્ય સંસ્થાઓમાં ટેલિ-રેડિયોલોજી, ટેલિ-આઇ.સી.યુ., ટેલિ-મેડિસીન અને ટેલિ-મેન્ટલ હેલ્થની સેવાઓ માટે બજેટમાં રૂ.૨ કરોડની જોગવાઈ કરી છે, એમ જણાવી ગુજરાત સરકાર ગરીબમાં ગરીબ માનવીને પણ શ્રેષ્ઠતમ આરોગ્ય સેવા મળે તે માટે પ્રતિબદ્ધ હોવાનું મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે કહ્યું હતું.

 

તેમણે એમ પણ કહ્યું કે, ગુજરાત સરકારે PMJAY (પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના-આયુષ્માન ભારત) અને મા તથા મા-વાત્સલ્ય યોજનાને જોડીને ‘PMJAY-મા યોજના’ હેઠળ ગુજરાતના અંદાજિત ૨.૨૫ કરોડ નાગરિકોને આરોગ્ય કવચ આપ્યું છે. દેશને એક કરનારા સરદાર સાહેબની વિશાળ પ્રતિમાના સાંનિધ્યમાં પ્રથમ વખત સેન્ટ્રલ કાઉન્સિલ ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેરની ૧૪મી બેઠક અંતર્ગત ત્રિ-દિવસીય સ્વાસ્થ્ય ચિંતન શિબિરનું ગુજરાત રાજ્ય યજમાન બન્યું છે તેનો હર્ષ વ્યક્ત કરતાં મુખ્યમંત્રીએ કહ્યું કે, બેસ્ટ પ્રેક્ટીસીસના સત્ર થકી આપણે સૌ રાજ્યોએ આરોગ્ય ક્ષેત્રમાં કરેલા ઉત્તમ કાર્યોથી અને વિચારોના આદાન-પ્રદાનથી હેલ્થ સેક્ટરમાં ફળદાયી પરિણામો મેળવી શકીશું.

 

આ અગાઉ સેન્ટ્રલ કાઉન્સીલ ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલ્ફેરની બેઠકનું આયોજન દિલ્હીમાં થતું હતુ, તે પરંપરામાં બદલાવ લાવીને અને ગુજરાતના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના આમંત્રણને માન આપીને એકતાનગરમાં પ્રથમ વખત ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે તે બદલાવની શરૂઆત છે.દેશના આરોગ્યસેવાઓની માળખાગત સુવિધાઓને વધુ સુદઢ બનાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં 64000  કરોડ રૂપિયાનું વિશેષ પેકેજ જાહેર કરવામાં આવ્યું છે.જેમાં પાંચ વર્ષ માટે એક જિલ્લામાં 100  કરોડના ખર્ચે આરોગ્ય લક્ષી વિવિધ માળખાગત સુવિધાઓનો વિકાસ કરવામાં આવશે.આ પ્રકલ્પોમાં મેડિકલ કોલેજ ટર્શરી કેર સુવિધાઓ, અત્યાધુનિક લૅબ, તકનીકી સેવાઓ ઉપકરણો આવશે તેમ મંત્રીએ જણાવ્યું હતું.

 

દેશના 6000 જેટલા તાલુકાઓ અને ગ્રામ્ય સ્તરે સફળતાપૂર્વક આવા આરોગ્યમેળાઓ યોજીને નાગરિકોને આરોગ્યવિષયક સુવિધાઓ અને સેવાઓ સરળતાથી પહોંચાડવામાં આવી છે.કેન્દ્રીય સ્વાસ્થ્ય રાજ્યમંત્રી ડૉ. ભારતી પ્રવિણ પવારે જણાવ્યું કે, ભારતના ઇતિહાસમાં ગુજરાતની ભૂમિકા ચાવીરૂપ રહી છે. આરોગ્યક્ષેત્રે દાયકાઓથી જે ત્રુટિઓ હતી, તેને દૂર કરવાની દિશામાં સરકારે નવતર અભિગમ દાખવીને ‘આત્મનિર્ભર ભારત’ના સુત્રને સાર્થક કરવાના સહિયારા પ્રયાસ હાથ ધર્યા છે. કોરોનાની પરિસ્થિતિઓમાં ગણતરીના મહિનાઓમાં અસરકારક હેલ્થ મેનેજમેન્ટ થકી સ્વદેશી વેક્સિનનું ઉત્પાદન કરીને દેશ અને દુનિયાને ભારતની વૈજ્ઞાનિકોની સંશોધન તાકાતનો પરચો કરાવ્યો છે.

આ શિબિરમાં મુખ્યમંત્રી અને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીના હસ્તે નેશનલ ક્વોલિટી એસ્યોરન્સ સર્વિસ NQAS પોર્ટલ, નેશનલ હેલ્થ મિશન અંતર્ગત પ્રધાનમંત્રી નેશનલ ડાયાલિસીસ પોર્ટલનું લોન્ચિંગ તેમજ નેશનલ ફેમિલી હેલ્થ સર્વે રિપોર્ટ અને રૂરલ હેલ્થ સ્ટેટીસ્ટીક્સ રિપોર્ટ અને ગુજરાત હેલ્થ એટલાસ રિલીઝ કરવામાં આવ્યા હતા. આ શિબિરમાં દેશના 25 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના આરોગ્ય મંત્રીશ્રીઓ, કેન્દ્રિય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના સચિવશ્રી રાજેશ ભૂષણ, નીતિ આયોગના સભ્ય ડો.વી.કે.પોલ, અધિક આરોગ્ય સચિવ વિકાસ શીલ, સહિત વિવિધ રાજ્યોના આરોગ્ય સચિવઓ, આરોગ્ય કમિશનરઓ તેમજ રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશનના મિશન ડાયરેક્ટરઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

(12:21 am IST)