Gujarati News

Gujarati News

News of Thursday, 5th May 2022

વડોદરાના વાઘોડિયારોડની ભક્તિનગર સોસાયટીમાં ત્રાટકેલા તસ્કરો મહિલા તબીબના મકાનને નિશાન બનાવી 1.67 લાખની કિંમતના દાગીના ચોરી છૂમંતર.....

વડોદરા:શહેરના વાઘોડિયારોડની ભક્તિનગર સોસાયટીમાં ત્રાટકેલા તસ્કરો મહિલા તબીબના મકાનને નિશાન બનાવી 1.67 લાખ ઉપરાંતની કિંમતના સોના ચાંદીનાના ઘરેણા ચોરી ફરાર થઈ જવાનો બનાવ સામે આવ્યો છે. નર્મદા પરિક્રમાના પગલે થાક લાગતાં તસ્કરોએ ગાઢ નિંદ્રાનો લાભ ઉઠાવ્યો હતો. મૂળ સુરતના રહેવાસી અને હાલમાં વાઘોડિયા રોડ મહેશ કોમ્પલેક્ષની પાછળ આવેલ ભક્તિનગર સોસાયટીમાં રહેતા ડૉ. સુષ્માબેન રાઠોડ પાણીગેટ સરકારી આયુર્વેદિક મહાવિદ્યાલયમાં એસોસિયેટ પ્રોફેસર તરીકે ફરજ બજાવે છે. 26 મી એપ્રિલના રોજ તેઓ નર્મદા પરિક્રમા અર્થે રાજપીપળા માંગરોળ ખાતે પહોંચ્યા હતા. 27 એપ્રિલનાં રોજ તેઓ ઘરે પરત આવ્યા હતા. જો કે રાત્રિના સમયે ગરમી વધુ હોય લાકડાનો દરવાજો ખુલ્લો રાખ્યો હતો. પરિક્રમાના પગલે ગાઢ નિંદ્રામાંથી બીજા દિવસ સવારે ઉભા થતા તિજોરીનો સામાન વેરવિખેર નજરે ચડયો હતો. તપાસ કરતા અજાણ્યા તસ્કરો તિજોરીમાંથી 14 નંગ સોના ચાંદીના ઘરેણા અને રોકડા રૂપિયા 2500 મળી કુલ 1,67,800ની મતા ચોરી ફરાર થઈ ગયાનું બહાર આવ્યું હતું. ફરિયાદના આધારે પાણીગેટ પોલીસે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ચોરી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(5:39 pm IST)