Gujarati News

Gujarati News

News of Thursday, 5th May 2022

સુરતના ગીતાનગરમાં હીરાના કારખાનેદારને પોલીસના સ્વાંગમાં આવેલ બે લૂંટારુ ચપ્પુના ઘા જીકી 45 હજારની લૂંટ ચલાવી છુમંતર થઇ જતા પોલીસ ફરિયાદ

સુરત, : સુરતના પુણા ગીતાનગરમાં ગતસાંજે હીરાના કારખાનેદાર પોતાની ઓફિસમાં એકલા બેઠા હતા ત્યારે ગ્રાહકના સ્વાંગમાં આવેલા બે લૂંટારુ ચપ્પુના આડેધડ ઘા ઝીંકી રોકડા રૂ.45 હજાર અને રૂ.2 હજારના ત્રણ હીરા લૂંટી બહાર ઉભેલી રીક્ષામાં બેસી ફરાર થઈ ગયા હતા. લોહીલુહાણ હાલતમાં કારખાનેદારને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ અમરેલીના ખાંભાના ચલાળાના વતની અને સુરતમાં સારોલી ગામ સણીયા રોડ ન્યુ સારોલીનગરી ઘર નં.42 માં રહેતા 43 વર્ષીય વિજયભાઇ અરજણભાઇ મોર પુણાગામ ગીતાનગર-01 ઘર નં.34 માં આઠ વર્ષથી ત્રણ કારીગરો સાથેનું હીરાનું કારખાનું ચાલવતા હતા. પણ તે જગ્યા નાની હોય પંદર દિવસ અગાઉ જ ગીતાનગર-01 ઘર નં.72 માં કારખાનું ફેરવી તેમણે ઘર નં.34 માં માત્ર ઓફિસ રાખી હતી.15-20 દિવસ અગાઉ તેમની ઓફિસે 24 થી 25 વર્ષના બે અજાણ્યા આવ્યા હતા અને રૂ.2 હજારની કિંમતના રીન્કુ પ્રકારના હીરા રોકડેથી ખરીદી ગયા હતા. દરમિયાન, ગતસાંજે પાંચ વાગ્યે વિજયભાઈ પોતાની ઓફિસે બેઠા હતા ત્યારે ફરી તે બે અજાણ્યા આવ્યા હતા. બંનેએ હીરા જોવા માંગતા વિજયભાઈએ તેમને રીન્કુ પ્રકારના હીરા બતાવતા તે પૈકી ક્રીમ કલરના શર્ટ પહેરેલા યુવાને હીરા જોવા લઈ પૈસા પછી આપવાનું કહેતા વિજયભાઈએ ઉધારી મારે ત્યાં ચાલતી નથી તેમ કહ્યું હતું. તે સમયે કોફી શર્ટ પહેરેલા બીજા યુવાને ચપ્પુ કાઢી બતાવતા વિજયભાઈએ હીરાનું પેકેટ ખેંચ્યું હતું. આથી જેની પાસે હીરાનું પેકેટ હતું તેણે ઝપાઝપી કરતા વિજયભાઈએ પ્રતિકાર કર્યો તો બીજા યુવાને ચપ્પુ વડે હુમલો કરી વિજયભાઈને પેટ, છાતી, બન્ને હાથની હથેળી, અંગુઠાના ભાગે આડેધડ ઘા ઝીંકી દીધા હતા. બાદમાં બંને ટેબલના ડ્રોઅરમાંથી રોકડા રૂ.45 હજાર અને તેમને બતાવવા આપેલા રૂ.2 હજારની કિંમતના રીન્કુ પ્રકારના ત્રણ હીરા લૂંટી બહાર નીકળી નંબર પ્લેટ વિનાની રીક્ષામાં બેસી ફરાર થઈ ગયા હતા.

(5:39 pm IST)