Gujarati News

Gujarati News

News of Thursday, 5th May 2022

સુરતના રાંદેર શીતલ ચાર રસ્તા નજીક એસએમસીના વોચમેનની રૂમમાંથી સફાઈ કર્મીની ઘાતકી હત્યા કરેલ લાશ મળી આવતા અરેરાટી મચી જવા પામી

સુરત: શહેરના રાંદેર શીતલ ચાર રસ્તા પાસે એસએમસી શૌચાલયના વોચમેનની રૂમમાંથી ગત મોડીરાત્રે સફાઈકર્મીની સાતથી વધુ ઘા ઝીંકી ઘાતકી હત્યા કરેલી લાશ મળી આવી હતી. સાથે રહેતા વૃદ્ધ સફાઈકર્મી બપોરે જમ્યા બાદ રાત્રે જમવા પહોંચ્યા તો રૂમનો દરવાજો બહારથી બંધ હતો. તેથી તેમણે રૂમ ખોલીને જોયું તો સુકાયેલા લોહી વચ્ચે સાથી સફાઈકર્મીની લાશ પડી હતી. બનાવની જાણ થતા દોડી ગયેલી રાંદેર પોલીસે હત્યા કરવા વપરાયેલી કુહાડી પલંગ ઉપરથી કબજે કરી તપાસ શરૂ કરી હતી. પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ બિહારનો વતની 65 વર્ષીય નાગેન્દ્રસીંગ જયકિશન રાજપૂત છેલ્લા ચાર વર્ષથી રાંદેર હોપપુલની બાજુમાં અડાજણ ડેપો નજીકના એસએમસી શૌચાલયમાં વોચમેનની રૂમમાં રહે છે અને હોપપુલ પાસે રિવરફ્રન્ટ નજીકના શૌચાલયમાં મીનાબેન પટેલના કોન્ટ્રાક્ટમાં સાફસફાઇનું કામ કરે છે. હમવતની ચિત્તરંજનસીંગ શ્રીરામસીંગ ભૂમિહાર ( ઉ.વ.44 ) પણ મીનાબેનના કોન્ટ્રાકટ હેઠળ એક મહિના પહેલા હોપપુલની બાજુમાં શીતલ ચાર રસ્તા પાસેના શૌચાલયની સાફસફાઈની નોકરીએ લાગતા તેમની જ સાથે રહેતો હતો. ગત બપોરે 12 વાગ્યે નિત્યક્રમ મુજબ પોતાનું શૌચાલય બંધ કરી નાગેન્દ્રસીંગ રૂમ પર ચિત્તરંજન પાસે જમવા આવ્યા હતા અને જમીને ગયા તે સમયે ચિત્તરંજન નોકરી પર હતો. દરમિયાન, સાંજે એક મહિલા નાગેન્દ્રસીંગ પાસે આવી હતી અને આગળનું શૌચાલય બંધ છે કહેતા તેમણે ચિત્તરંજનને ફોન કર્યો હતો. પણ તેનો મોબાઈલ ફોન બંધ હતો. નોકરી ચાલુ હોય નાગેન્દ્રસીંગ તે સમયે ગયા નહોતા પણ રાત્રે નવ વાગ્યે નોકરી પુરી કરી રૂમ પર પહોંચ્યા ત્યારે આગળનો દરવાજો બહારથી બંધ હતો. દરવાજો ખોલી અંદર પ્રવેશતા ચિત્તરંજનની લાશ લોહીલુહાણ હાલતમાં સુકાયેલા લોહીની વચ્ચે પડેલી હતી. ચિત્તરંજનને મોઢાના ભાગે કપાળ ઉપર, દાઢીના નીચેના ભાગે, ગળાના માગે, છાતી પર, પેટના ભાગે, ડાબા હાથના કાંડાના ભાગે, માથાના પાછળના ભાગે તથા શરીર ઉપર તિક્ષ્ણ હથિયાર વડે ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હતી. ત્યાં તેમને પલંગ ઉપર લાકડાના હાથાવાળી કુહાડી પણ નજરે ચઢી હતી.

(5:38 pm IST)