Gujarati News

Gujarati News

News of Thursday, 5th May 2022

ગાંધીનગર નજીક ભાટ ગામે ઓચિંતાનો છાપો મારી પોલીસે પાંચ જુગારીઓને 67 હજારની મતા સાથે ઝડપી જેલ હવાલે કર્યા

ગાંધીનગર :  ગાંધીનગર શહેર નજીક ભાટ ગામના પગીવાસમાં દરોડો પાડીને પોલીસે પાંચ જુગારીઓને ઝડપી લીધા હતા તો ઝુંડાલનના ઇન્દિરાનગરમાં પણ ચાર જુગારીઓને પકડી પોલીસે કુલ ૬૭ હજાર ઉપરાંતની રોકડ કબજે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.  આમ તો શ્રાવણ મહિનામાં ગાંધીનગર જિલ્લામાં જુગાર વધુ રમાતો હોય છે પરંતુ છેલ્લા થોડા સમયથી ગ્રામ્યવિસ્તારોમાં રાત્રે જુગારની પ્રવૃત્તિ વધી છે. અડાલજ પોલીસની ટીમે બાતમીને આધારે ઝુંડાલ ગામના ઇન્દિરાનગરમાં દરોડો પાડીને જુગાર રમતા વિશાલ જયંતિભાઇ ઠાકોર, બુધાજી કેસાજી ઠાકોર, શૈલેષભાઇ રમેશજી ઠાકોર અને પિયુષ ખોડાજી ઠાકોર તમામ રહે. ઝુંડાલને ઝડપી લીધા હતા જેમની પાસેથી ૧૦,૭૭૦ની રોકડ કબજે કરવામાં આવી હતી.

બીજીબાજુ ભાટ ગામે પગીવાસમાં દરોડો પાડીને પોલીસે હસમુખ મેલાજી ઠાકોર, જીતેન્દ્ર કાળાજી ઠાકોર, ભલાજી જેણાજી ઠાકોર, અરવિંદજી જીવણજી રાઠોડ અને યોગેશ કનુભાઇ પટેલ તમામ રહે. ભાટને જુગાર રમતા ઝડપી ૫૭,૩૭૦ની રોકડ કબજે કરવામાં આવી હતી. ઝડપાયેલા નવ જુગારીઓ સામે જુગારધારા હેઠળ ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

(5:35 pm IST)