Gujarati News

Gujarati News

News of Thursday, 5th May 2022

મહેસાણામાં કેમેકલયુક્ત ગંદુ પાણી છોડનાર ત્રણ એકમોને 21 લાખનો દંડ ફટકારવામાં આવ્યો

મહેસાણા: કેમિકલયુક્ત ગંદુ પાણી છોડીને વાતાવરણને પ્રદૂષિત કરતા ત્રણ એકમોએ  રૃપિયા ૨૧.૯૭ લાખ દંડની ભરપાઈ કરી દેતા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે એકમ શરૃ કરવાની પરવાનગી આપી છે. જ્યારે દંડનીય કાર્યવાહી સાથે રૃપિયા ૩.૫૦ લાખની બેન્ક ગેરંટીની પણ જીપીસીબીએ ત્રણેય એકમો પાસેથી વસૂલાત કરી છે. ઉલ્લેખનીય છે કે, ત્રણેય એકમો દ્વારા કેમિકલયુક્ત ગંદા પાણીને ટ્રીટ કર્યા વગર નિયમ વિરૃદ્ધ જમીનમાં છોડાતુ હોવાની રજૂઆત બાદ જીપીસીબીએ ક્લોઝર નોટીસ આપીને કાર્યવાહી શરૃ કરી હતી.

વિજાપુરના રણાસણની જીઆઈડીસીમાં આવેલી ગુજરાત કેમિકલ, વસાઈની મહાલક્ષ્મી એગ્રો અને મહેસાણાના આંબલિયાસણની વરદાયિની ગ્લુકોઝ કંપનીના એકમો દ્વારા કેમિકલયુક્ત ગંદા પાણીને ટ્રીટ કર્યા વગર નિયમ વિરૃદ્ધ જમીનમાં છોડાતુ હોવાની રજૂઆત મળતા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે ત્રણેય એકમોને ક્લોઝર નોટીસ આપીને કાર્યવાહી શરૃ કરી હતી. ગાંધીનગર વડી કચેરી દ્વારા પાઠવેલી નોટીસ બાદ વીજ જોડાણ દૂર કરીને પેનલ્ટી તેમજ બેન્ક ગેરંટી જમા કરવાનો આદેશ કરાયો હતો. જેના પગલે ગુજરાત કેમિકલે એક માસ અગાઉ રૃપિયા ૬.૫૦ લાખનો દંડ અને રૃપિયા ૭૫ હજારની બેન્ક ગેરંટી ભરી દેતા પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે ટ્રાયલ રન ઉપર કંપની ચાલુ કરવા પરવાનગી આપી હતી. જ્યારે આંબલિયાસણની વરદાયિની ગ્લુકોઝ અને વસાઈની મહાલક્ષ્મી એગ્રોના વીજ જોડાણ કાપી નાખીને બંધ કરાઈ હતી.

(5:33 pm IST)