Gujarati News

Gujarati News

News of Thursday, 5th May 2022

હાલમાં વપરાતા પ્‍લાસ્‍ટીકનો નાશ થતા 400 વર્ષ લાગે, જ્‍યારે બાયો પ્‍લાસ્‍ટીક અઠવાડિયામાં નાશ પામે

બટેટાના સ્‍ટાર્ચમાંથી બાયો પ્‍લાસ્‍ટીક બનાવતા પાટણ યુનિવર્સિટીના પ્રો. ડો. આશીખ પટેલે પ્‍લાસ્‍ટીકનો વિકલ્‍પ શોધી કાઢયો

પાટણઃ પાટણ યુનિવર્સિટીના પ્રો. ડો. આશીખ પટેલે બટેટાના સ્‍ટાર્ચમાંથી બાયો પ્‍લાસ્‍ટીક બનાવ્‍યુ છે. જેની ખાસીયા એ છે કે તે અઠવાડિયામાં આપોઆપ નાશ પામે છે. જ્‍યારે હાલ વપરાતી પ્‍લાસટીકને નાશ પામતા 400 વર્ષ લાગે છે. પર્યાવરણને થતુ નુકશાન અટકાવવા બાયો પ્‍લાસ્‍ટીક કારગત નીવડયો છે.

હાલમાં ગ્લોબલ વોર્મિંગ અને પર્યાવરણની સમસ્યાથી સમગ્ર દેશ અને વિશ્વ ચિંતિત છે. તેમાં પણ પ્લાસ્ટીકના કારણે પર્યાવરણને સૌથી વધારે નુકસાન થઇ રહ્યું છે. જો કે પ્લાસ્ટિક વગરનું જીવન હાલ કોઇ પણ વ્યક્તિ કલ્પી પણ શકે તેમ નથી. પ્લાસ્ટિક એટલી હદ સુધી માનવનાં જીવનમાં ઘુસી ચુક્યું છે કે, નવજાત બાળકને દુધ પીવડાવવા માટે વપરાતી કૃત્રિમ નિપલ પણ પ્લાસ્ટીકની આવે છે અને અને માણસ મરે ત્યારે તેના અગ્નિસંસ્કારમાં વપરાતું ઘી પણ આજકાલ પ્લાસ્ટીકની કોથળીમાં જ આવે છે. જેથી જન્મનથી લઇને મરણ સુધી માણસ પ્લાસ્ટિકના ચક્કરમાં ફસાયેલો રહે છે.

જો કે આ જ પ્લાસ્ટિક હવે સમગ્ર માનવ સભ્યતા સામે જ ખતરો બની રહ્યું છે. જે પ્રકારે ગ્લોબલ વોર્મિંગના કારણે હવે સમગ્ર વિશ્વ સામે અને રહેણીકરણી સામે સવાલો ઉઠી રહ્યા છે. તેવામાં પ્લાસ્ટિક દ્વારા થઇ રહેલા નુકસાનને ઘટાડવા માટે પર્યાવરણને કોઇ નુકસાન ન પહેંચો તે માટે વૈજ્ઞાનિકો પણ ખુબ જ મહેનત કરી રહ્યા છે. પ્લાસ્ટિકનો વિકલ્પ મળે તે માટે પ્રયાસો કરી રહ્યા છે. તેવામાં પાટણની ઉત્તરગુજરાત યુનિવર્સિટીના લાઇફ સાયન્સ વિભાગ દ્વારા પર્યાવરણને પ્રમાણમાં ઓછુ નુકસાન પહોંચાડે તેવા બાયોપ્લાસ્ટિક પર સંશોધન ચલાવી રહ્યા છે. આ માટે પાટણના લાયફ સાયન્સ વિભાગને 47 લાખ રૂપિયાની રકમ રિસર્ચ માટે ફાળવવામાં આવી છે. તેના કારણે પર્યાવરણને પણ નુકસાન પણ ઘટાડી શકાય અને ગ્લોબલ વોર્મિંગનો ખતરો પણ ઘટાડી શકાય.

આ અંગે ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના લાઇફ સાયન્સ વિભાગના પ્રોફેસર ડૉ. આશીખ પટેલ અને તેમની ટીમે લેબોરેટરીમાં પર્યાવરણ માટે બટાકામાંથી સ્ટાર્ચ કાઢીને તેમાં બાયો પ્લાસ્ટિક બનાવવા અંગેનું સંશોધન શરૂ કર્યું અને આ સ્ટાર્ચમાંથી પ્લાસ્ટિક બનાવ્યું છે. આ પ્લાસ્ટિકની ખાસિયત છે કે, આ પ્લાસ્ટિક એક જ અઠવાડીયામાં આપોઆપ નાશ થઇ જશે. હાલમાં જે પ્લાસ્ટિક હોય છે તેનો કુદરતી રીતે નાશ થતા 400થી પણ વધારે વર્ષ લાગે છે. જ્યારે આ પ્લાસ્ટિકનો અઠવાડીયામાં નાશ થતો હોવાથી વાતાવરણને ખુબ જ ઓછુ નુકસાન પહોંચે છે.

(5:04 pm IST)