Gujarati News

Gujarati News

News of Thursday, 5th May 2022

નવી પ્રાઇવેટ સ્‍કૂલોને મંજૂરી ન આપવા શાળા સંચાલક મહામંડળની સરકારને અપીલ : શિક્ષણ વિભાગને લખ્‍યો પત્ર

એક દશકામાં રાજ્‍યમાં ૧૪૦૦થી વધુ ગ્રાન્‍ટઇન સ્‍કૂલોને તાળા લાગ્‍યા : આ વર્ષે ૮૦ અરજી આવી

ગાંધીનગર,તા. ૫: રાજયમાં વધી રહેલી ખાનગી શાળાઓના વ્‍યાપને કારણે ગ્રાન્‍ટેડ શાળાના સંચાલકોએ નવી ખાનગી શાળાઓને મંજૂરી ન આપવા અપીલ કરી છે. તો બીજી તરફ ગ્રાન્‍ટેડ શાળાઓને તાળા લગાવવાનો વારો આવ્‍યો છે. રાજયમાં ચાલુ વર્ષે ૮૦ સ્‍કૂલોએ સ્‍કૂલ બંધ કરવા ડીઇઓને અરજી કરી છે. ત્‍યારે હવે આગામી બે વર્ષ માટે ખાનગી શાળાને મંજૂરી માટે પ્રતિબંધ લગાવવાની ગ્રાન્‍ટેડ શાળાના સંચાલકો દ્વારા સરકારમાં અપીલ કરી છે.

રાજયના શાળા સંચાલક મહામંડળે શિક્ષણ વિભાગને પત્ર લખીને જણાવ્‍યું છે કે નવી ખાનગી શાળાઓને મંજૂરી ન આપવામાં આવે.નવી શાળાને મંજૂરી ન મળે તો જ ગ્રાન્‍ટેડ શાળાને જીવનદાન મળવાનો શાળા સંચાલક મહામંડળે દાવો કર્યો છે.

રાજયમાં સ્‍વનિર્ભર શાળાઓ સતત વધતી હોવાથી ગ્રાન્‍ટેડ શાળાઓના અસ્‍તિત્‍વ સામે સવાલ ઉભા થયા છે. કેટલીક નીતિઓને કારણે ગ્રાન્‍ટેડ શાળાઓ સતત બંધ થઈ રહી છે. તો આ રજૂઆતને ધ્‍યાને રાખીને શિક્ષણ વિભાગે નવી શાળાની મંજૂરી માટે અરજીઓ મંગાવી છે.

જુલાઇ સુધી નવી શાળા શરુ કરવા અરજી કરી શકાશે. આ અંગે શાળા સંચાલક મંડળના પ્રમુખ ભાસ્‍કર પટેલ એ જણાવ્‍યું કે આગામી બે વર્ષ માટે રાજયમાં નવી સ્‍વનિર્ભર સ્‍કૂલને મંજૂરી ના આપવા અપીલ કરાઇ છે. ગુજરાત રાજય શાળા સંચાલક મહામંડળ દ્વારા શિક્ષણ વિભાગને પત્ર લખવામાં આવ્‍યો છે.

મહત્‍વનું છે કે છેલ્લા ૧૦ વર્ષમાં રાજયમાં ૧૪૦૦ થી વધુ ગ્રાન્‍ટઇન સ્‍કૂલોને તાળા લાગ્‍યા છે. રાજયમાં ચાલુ વર્ષે ૮૦ સ્‍કૂલોએ સ્‍કૂલ બંધ કરવા DEO ને અરજી કરી છે. સરકારની નીતિ સામે ગ્રાન્‍ટઇન સ્‍કૂલના સંચાલકો થાકીને સ્‍કૂલો બંધ કરવા મજબૂર બન્‍યા હોય તેવું લાગી રહ્યું છે.

ગ્રાન્‍ટઇન સ્‍કૂલો બંધ થશે તો ધોરણ ૯થી ૧૨ નું શિક્ષણ મોંઘું બનશે એ નક્કી છે. સ્‍કૂલ નિભાવ ખર્ચ સરકારે પરિણામ આધારિત કરતા સ્‍કૂલોને મોટો ફટકો પડી રહ્યો છે.

(4:08 pm IST)