Gujarati News

Gujarati News

News of Thursday, 5th May 2022

સુરત : ગ્રીષ્‍મા હત્‍યા કેસમાં ફેનિલને ફાંસી

સુરતની સેશન્‍સ કોર્ટે સંભળાવી સજા : કોર્ટે ૬૯ દિવસમાં જ દોષિત જાહેર કર્યો હતો : ગ્રીષ્‍માની હત્‍યાથી સમગ્ર ગુજરાત હચમચી ગયું હતું : એકતરફી પ્રેમમાં પાગલ ફેનિલે સરાજાહેર ગળુકાપી ગ્રીષ્‍માની હત્‍યા કરી'તી

સુરત તા. ૫ : સુરતની ચકચારી ગ્રીષ્‍મા હત્‍યા કેસ મામલે કોર્ટ આજે આરોપી ફેનિલને ફાંસીની સજા કરી છે. ગ્રીષ્‍મા હત્‍યા કેસમાં દોષિત જાહેર થયેલા ફેનિલ ગાયાણીનેસેશન્‍સ કોર્ટદ્વારા દોષિત ઠેરવવામાં આવ્‍યો હતો. સુરતના પાસોદરામાં ગત ૧૨ ફેબ્રુઆરીએ સરાજાહેર કરાયેલી ગ્રીષ્‍મા વેકરિયાની હત્‍યાના કેસમાં હત્‍યારા ફેનિલ ગોયાણીને કોર્ટે ફાંસીની સજા ફટકારી છે. આજે ચુકાદા પહેલા કોર્ટમાં પહોંચેલા ફેનિલના ચહેરા પર સહેજ પણ ડર કે અફસોસ દેખાયો ન હતો. કોર્ટમાં બંને પક્ષના વકીલ સાથે ગ્રીષ્‍માના પરિવારજનો હાજર હતા. મનુસ્‍મૃતિના શ્‍લોકથી ચુકાદાની શરૂઆત કરતા જજ વિમલ કે. વ્‍યાસે કહ્યું હતું કે, દંડ દેવો સરળ નથી, પણ આ રેરેસ્‍ટ ઓફ ધી રેર કેસ છે. ત્‍યાર બાદ ફાંસીની સજા ફટકારવામાં આવી છે. ચુકાદો આવતા જ ગ્રીષ્‍માના માતા-પિતા રડવા લાગ્‍યા હતા.

ફેનીલને સુનાવણી દરમિયાન કોર્ટમાં લાવવામાં આવ્‍યો હતો. જેમાં ૧૮૮ દસ્‍તાવેજી પુરાવા રજૂ કરાયા હતા. આ કેસની તપાસમાં ૨૫૦૦ પાનાની ચાર્જશીટ દાખલ કરાઈ હતી. પોલીસે માત્ર ૭ દિવસમાં આ ચાર્જશીટ ફાઈલ કરી દીધી હતી.

 જજે બે વખત નિર્ભયા હત્‍યા કેસનો ઉલ્લેખ કર્યો હતો. કોર્ટે કહ્યું કે નિર્ભયા હત્‍યા કેસમાં પણ આરોપીની ઉંમર ખૂબ ઓછી હતી, છતાં પણ તેમાં ક્રૂર માનસિકતા સામે આવી હતી. બચાવ પક્ષના વકીલ દ્વારા વારંવાર આરોપી ફેનીલ લઈને લઈને દલીલ કરવામાં આવી હતી.

ગ્રીષ્‍માના પિતાએ જણાવ્‍યું હતું કે ગ્રીષ્‍માને ન્‍યાય મળ્‍યો છે. અમારી તમામ માગણી પૂર્ણ થઈ છે. અમને ન્‍યાયપ્રક્રિયા પર સંપૂર્ણ વિશ્વાસ છે. પોલીસથી લઈને

મદદ કરનારા તમામ નેતાઓનો આભાર.

સરકાર પક્ષે કોર્ટમાં જણાવ્‍યું હતું કે, વેબસિરિઝ જોઈને હત્‍યા કરાઈ છે. તો બચાવ પક્ષે દલીલ કરતાં જણાવ્‍યું હતું કે વેબસિરીઝ જોતો એટલે લટકાવી દશો? ત્‍યારે આજે કોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળ્‍યા બાદ આરોપીએ ફેનિલને ફાંસીની સજા ફટકારી છે.

સુરતગ્રીષ્‍મા વેકરિયા હત્‍યા કેસમાં હત્‍યારા ફેનિલને કોર્ટે દોષિત જાહેર કર્યો હતો. કારણ કે, આ હત્‍યાકેસમાં કુદરત યોગ્‍ય ઈન્‍સાફ ઈચ્‍છતી હોય એમ અનાયાસે ઉતરેલો વીડિયો આજે ન્‍યાયની દીશામાં મહત્‍વનો પુરાવો બની ગયો. આ કેસમાં કોર્ટે પણ ન્‍યાય માટે હચમચાવતા આ વીડિયોને ૩૫ વાર જોયો. આ કેસના તમામ ઇલેક્‍ટ્રોનિક પુરાવા સત્‍ય પુરવાર થયાં છે. આ સત્‍ય પુરાવાઓના આધારે જ કોર્ટે ફેનિલને દોષિત જાહેર કર્યો હતો.

૧૨ ફેબ્રુઆરીએ પાસોદરામાં એકતરફી પ્રેમમાં ગ્રીષ્‍મા વેકરિયાની ઘાતકી હત્‍યા કરનાર આરોપી ફેનિલ ગોયાણીને કોર્ટ દ્વારા માત્ર ૬૯ દિવસમાં જ દોષિત જાહેર કરવામાં આવ્‍યો હતો અને કોર્ટ કાર્યવાહી દરમિયાન સરકાર પક્ષ દ્વારા ત્રણ દિવસ સુધી દલીલ કરવામાં આવી હતી. જેમાં આરોપી દ્વારા ઉશ્‍કેરાટમાં હત્‍યા કરવામાં આવી હોવાનો ઈનકાર કર્યો હતો. આ સિવાય કોર્ટ દ્વારા ૧૯૦ પૈકી ૧૦૫ સાક્ષીઓની જુબાની લેવામાં આવી હતી અને ૮૫ સાક્ષીઓને ડ્રોપ કરાયા હતા.

૬ એપ્રિલે બંને પક્ષની દલીલો પૂર્ણ થતાં સરકારી વકીલ નયનભાઈ સુખડવાળાના સમગ્ર કેસ અને કોર્ટની ટ્રાયલ અંગે જણાવ્‍યું હતું કે સુરતમાં ૧૨ ફેબ્રુઆરીના રોજ ગ્રીષ્‍મા વેકરીયા નામની યુવતીની હત્‍યા ફેનિલે કરેલી તે કેસની ન્‍યાયી કાર્યવાહી સુરતના મુખ્‍ય ન્‍યાયાધીશ વીમલ કે વ્‍યાસ સાહેબના કોર્ટમાં પૂર્ણ થઈ હતી. આ ટ્રાયલ રોજિંદા ધોરણે એટલે કે ડે ટુ ડે કરવામાં આવી. ફરિયાદ પક્ષ તરફથી ૧૦૦ વધુ દસ્‍તાવેજી પુરાવા અને ૧૦૦ જેટલા જ સાક્ષીઓની જુબાની પણ લેવામાં આવી હતી. આરોપીને ફર્ધર સ્‍ટેટમેન્‍ટમાં ૯૦૦થી ઉપરાંત સવાલો પૂછવામાં આવ્‍યા. ૩૫૫ પાનાનું ફર્ધર સ્‍ટેટમેન્‍ટ પણ આરોપીનું હતું. ત્‍યારે પછી બંને પક્ષોની દલીલ શરૂ થઈ હતી. જે એક અઠવાડિયા સુધી ચાલી હતી જે ૬ એપ્રિલે પૂર્ણ થઈ હતી.

(3:26 pm IST)