Gujarati News

Gujarati News

News of Thursday, 5th May 2022

દરિયામાં ૨૦૦ મીટર ઊંડા પાણીમાં પુરાવા શોધવા ખાસ વાહન ગુજરાત દેશનું પ્રથમ રાજયઃ નરસિંહમા કોમાર

દરિયામાંથી ડ્રગ્‍સ, હથિયારો, મર્ડર કરી ફેંકાયેલ લાશો, વિસ્‍ફોટકો શોધવા માટે હવે મુશ્‍કેલી ભૂતકાળ બની જશે પ્‍લાનિંગ અને આધુનિકરણ વડા ‘અકિલા' સમક્ષ આધુનિક આવિષ્‍કારની ગૌરવપ્રદ ઘટના વર્ણવે છે : કલાકો સુધી દરિયાની અંદર રહી પુરાવારૂપી માત્ર ફોટા જ નહિ અલ્‍ટ્રા એચ.ડી.કેમેરા દ્વારા વિડિયો પણ મેળવવામાં ખૂબ સરળતા હવે રહેશેઃ દરિયાની અંદર ઉપયોગમાં લેવાનાર વાહનનું વજન ૧૦ કીલો હોવા ઉપરાંત બેટરી ઓપરેટેડ આ વાહનમાં ૧૦ કલાક બેટરી પણ કામ કરશેઃ માત્ર પોલીસ કે વિવિધ ગુપ્‍તચર એજન્‍સીઓ જ નહિ ડિઝાસ્‍ટર અને મરીન પોલીસ માટે દરિયાની અંદરથી પુરાવા શોધી આરોપીઓને સજજડ પુરાવા સાથે સજા કરાવવાનો રાજય સરકારનો હેતુ સફળ થશે

રાજકોટ, તા.૫:  ગુજરાતના ૧૬૦૦ કી.મી.જેવા વિશાળ દરિયાકાંઠા અને તાજેતરમાં બનેલી ચોકકસ પ્રકારની ઘટનાઓ સંદર્ભે દરિયાના ઊંડા પાણીમાં રે ઓપરેશન કરી ૨૦૦ મીટર જેટલા ઊંડા પાણીમાં કલાકો સુધી આસાનીથી શોધખોળ કરી શકાય તેવા અંડર વોટર રિમોટ વૉટર વ્‍હીકલ ખરીદી સુરક્ષા વ્‍યવસ્‍થામા દેશમાં નવા કીર્તિમાન સ્‍થાપવા ગુજરાત આગળ વધી રહયાનું અકિલા સાથેની વાતચીતમાં રાજ્‍યના લો એન્‍ડ ઓર્ડર વિભાગના એડી. ડીજીપી નરસિંહમા કોમારે જણાવેલ.

આ વ્‍હીકલ ગુજરાતમાં આવવાથી તાકીદની પરિસ્‍થિત સમયે રાજ્‍યના મોટા શહેર, જિલ્લા તથા ડિઝાસ્‍ટર વિભાગ તથા મરીન પોલીસ માટે આશીર્વાદ રૂપ બનશે તેમ ગુજરાતમાં અદ્યતન સાધનો દ્વારા હંમેશ દેશભરમાં આગળ રાખવા માટે જાણીતા આ અધિકારીએ વિશેષમાં જણાવ્‍યું હતું.                                       

પ્રવર્તમાન સંજોગોમાં ડ્રગ્‍સ , હથિયારો, વિસ્‍ફોટો દેશદ્રોહી તત્‍વો દરિયામાં ફેંકવા સાથે માનવ લાશ કે મહત્‍વના આરોપી દ્વારા દરિયામાં ફેંકી દીધેલા પુરાવા એકઠા કરવા પોલીસ અને ફાયરબ્રિગેડને ખૂબ તકલીફ પડી રહ્યાનું ધ્‍યાનમાં આવતા રાજ્‍ય સરકાર કે જે આવા બનાવો પ્રત્‍યે ખુદ ગ્રહ મંત્રી ઊંડો રસ દાખવે છે તેમના ધ્‍યાને આ વાત મૂકવામાં આવતા આ પ્રશ્ને મુખ્‍યમંત્રી સહિત ગૃહમંત્રાલય દ્વારા ૨૦૦ મીટરની ઊંડાઈ સુધી કલાકો સુધી અંદર રહી ખાખા ખોળા કરી શકાય તેવા અંડર વોટર રિમોટ ઓપરેટેડ વાહન ખરીદી માટે માર્ગ મોકળો થયો હતો.                       

અલ્‍ટ્રા એચ. ડી.કેમેરાથી સજજ  આ વાહન દરિયામાં ૨૦૦ મીટર સુધી અંદર ઉતરશે આટલી જ વાત પૂરી થતી નથી, પાણીમાં તળીએ પડેલ વસ્‍તુઓના ફોટા અને વીડિયો મેળવવામાં ખૂબ આસાન રહેશે. તેમ વિશેષમાં પ્‍લાનિંગ એન્‍ડ મોડ્રેશન વિભાગ જેવી મહત્‍વનો હવાલો ધરાવતા આ સિનિયર આઇપીએસ દ્વારા ‘અકિલા' સાથેની વિસ્‍તૃત ટેલીફોનીક વાતચીતમાં વિશેષમાં આ વ્‍હીકલની વિશેષતા વર્ણવતા જણાવેલ. માત્ર ૧૦ કિલો જેટલું વજન ધરાવતા આ વ્‍હીકલમા બેટરી ક્ષમતા પણ વિહકલ વજન જેટલી હોવાનું વાતચીત અંતે ઉમેરેલ.

(1:56 pm IST)