Gujarati News

Gujarati News

News of Thursday, 5th May 2022

ગુજરાતમાં ઉનાળુ વાવેતરમાં સૌરાષ્‍ટ્ર બીજા ક્રમે : સૌરાષ્‍ટ્રમાં સૌથી આગળ ભાવનગર

રાજ્‍યમાં મુખ્‍યત્‍વે મગ, મગફળી, તલ, બાજરીના બીજ રોપાયા : કુલ વાવેતર ૧૨૫.૩૦ ટકા

રાજકોટ તા. ૫ : ગુજરાતમાં મુખ્‍યત્‍વે ખરીફ (ચોમાસુ) અને રવિ (શિયાળુ) પાક લેવામાં આવે છે. જ્‍યાં પાણીની સુવિધા હોય તેવા વિસ્‍તારોમાં ખેડૂતો ટુંકા ગાળાનો ઉનાળુ પાક પણ લ્‍યે છે. ઉનાળુ વાવણી ફેબ્રુઆરીથી એપ્રિલ સુધી થાય છે. આ ખેત ઉપજ મે જૂનમ)ં બજારમાં આવી જાય છે. રાજ્‍યમાં આ વર્ષે ૧૧,૨૫,૭૦૪ હેકટરમાં ઉનાળુ વાવેતર થયું છે. તે ટકાવારીની દૃષ્‍ટિએ ૧૨૫.૩૦ ટકા જેટલું થાય છે. ગયા વર્ષ કરતા આ વર્ષે ૮૪૬૦૩ હેકટરમાં વધુ વાવેતર થયું છે.

ઉનાળુ વાવેતરનો સમયગાળો પૂરો થઇ ગયો છે. સરકારી આંકડા સામે આવી ગયા છે. તા. ૨ મેની સ્‍થિતિએ કચ્‍છમાં ૨૮૮૦૦, ઉત્તર ગુજરાતમાં ૪૧૮૬૦૦, મધ્‍ય ગુજરાતમાં ૨૩૬૫૦૦, સૌરાષ્‍ટ્રમાં ૩૫૭૦૦૦ અને દક્ષિણ ગુજરાતમાં ૮૪૮૦૦ મળી કુલ ૧૧,૨૫,૭૦૦ હેકટરમાં વાવેતર થયું છે. ઝોન વાઇઝ આંકડાઓ જોતા ઉત્તર ગુજરાત પ્રથમ ક્રમે અને સૌરાષ્‍ટ્ર બીજા ક્રમે છે.

ઉનાળામાં મુખ્‍યત્‍વે મગફળી, મગ, તલ અને બાજરી તથા ઘાસચારાનું અને શાકભાજીનું વાવેતર કરવામાં આવ્‍યું છે જે તે વિસ્‍તારની જમીન સહિતની બાબતોને ધ્‍યાને રાખીને ખેડૂતો વાવેતરનો પ્રકાર પસંદ કરે છે. સૌરાષ્‍ટ્રમાં સૌથી વધુ ૬૯,૬૦૦ હેકટરમાં વાવેતર ભાવનગર જિલ્લામાં થયું છે. સૌથી ઓછું માત્ર ૭૬૦૦ હેકટરમાં વાવેતર બોટાદ જિલ્લામાં થયું છે. સૌરાષ્‍ટ્રમાં મુખ્‍યત્‍વે મગ, મગફળી અને તલનું વાવેતર છે. આખા રાજ્‍યમાં સૌથી વધુ બાજરી બનાસકાંઠા જિલ્લામાં ૧,૬૧,૫૦૦ હેકટરમાં વાવવામાં આવી છે. મોટાભાગના ખેડૂતો હવે સારા ચોમાસાની આશા સાથે ખરીફ પાકની વાવણીની પૂર્વ તૈયારીમાં લાગ્‍યા છે.

(11:47 am IST)