Gujarati News

Gujarati News

News of Thursday, 5th May 2022

અમદાવાદ પોલીસ કમિશનર કચેરીની પાછળ કિશોરની ઘરમાં ઘૂસી ચાકૂના 3 ઘા મારીને હત્યા

માતાને પૂછ્યું- 'તારો છોકરો ક્યાં છે? આજે હું તેને મારી નાંખીશ : પેટમાં નાભીના ભાગે ચાકુના 3 ઘા ઝીંકી દીધા

અમદાવાદ પોલીસ કમિશનર કચેરીની પાછળ દૂધેશ્વરમાં મહાકાળી મંદિર જવાના રસ્તા પર 17 વર્ષીય કિશોરના ઘરમાં ઘૂસીને ચાકૂના 3 ઘા મારીને હત્યા કરાઈ છે, હત્યારાએ કિશોરની માતાને કહ્યું કે, તારો છોકરો કયાં છે? આજે હું તેને મારી નાખીશ, કહીને મારી નાખ્યો હતો. મંગળવારે રાત્રે 9 વાગ્યે બનેલા હત્યાના બનાવ અંગે માધુપુરા પોલીસે હત્યાનો ગુનો નોંધી હત્યારાને દબોચી લીધો છે.

પોલીસે હત્યા કરવા પાછળનું કારણ જણાવ્યુ છે કે, કિશોર અને હત્યારો મસ્તી કરતા હતા. આ દરમિયાન બંન્ને વચ્ચે સામાન્ય બોલાચાલી થઇ હતી. જેમાં કિશોરે હત્યારાને લાકડાથી માર્યો હતો. તેની અદાવત રાખીને ઘરમાં ઘૂસીને હત્યા કરવામાં આવી છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, દૂધેશ્વર રોડ પર શાહી મસ્જિદ પાસે રહેતાં મો.સારીદ હુસેનભાઈ સંધી (ઉં.19)એ માધુપુરા પોલીસ સ્ટેશનમાં ફિરોઝ ઉર્ફ બાબા ગોલ્ડન સામે હત્યાની ફરિયાદ નોંધાવી છે. જે મુજબ મો.સારીદના નાના ભાઈ તાહીર ઉર્ફે મો.અયાન સંઘીને આરોપી બાબા ગોલ્ડને હાથ પર અને પેટમાં નાભીના ભાગ પર છરીના 3 ઘા માર્યા હતા. ગંભીર રીતે ઈજાગ્રસ્ત તાહીરને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ લઈ જવાયો હતો. જ્યાં સારવાર દરમિયાન તારીકને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.

રમઝાન ઈદના તહેવારમાં પોલીસ બંદોબસ્ત અને પેટ્રોલિંગ હોવા છતાં પોલીસ કમિશનર ઓફિસ પાછળ સગીરની હત્યાના આ બનાવે કાયદો અને વ્યવસ્થા પર સવાલ ઉઠાવ્યા છે.

(9:52 am IST)