Gujarati News

Gujarati News

News of Thursday, 5th May 2022

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષના કડોદરા આગમન પહેલા જ બેનરો ફાટતાં રાજકારણમાં ગરમાવો

રાત્રિના અઢી થી ત્રણ વાગ્યાની આસપાસ કોઈ અજાણ્યા શખ્સોએ આ બેનરો ફાડી નાંખ્યા

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા આગામી 7 મે ના રોજ કડોદરા ખાતે આવવાના હોય જે માટે કડોદરા ખાતે બેનરો લગાવવામાં આવ્યા હતા. જે બનરો કોઈ અજાણ્યા શખ્સોએ ફાડી નાંખતા રાજકારણ ગરમાયું છે. બાઇક ઉપર આવેલ અજાણ્યા શખ્સોએ આ બનેરો ફાડી નાંખ્યા હતા જે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે.

પ્રાપ્ત માહિતી મુજબ વન ડે વન ડિસ્ટ્રિક્ટ કાર્યક્રમ અંતર્ગત ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા 7 મે ના રોજ સુરત જિલ્લાના પલસાણા તાલુકાનાં કડોદરા ખાતે આવવાના હોય જેથી સુરત જિલ્લા ભાજપ દ્વારા તેમના સ્વાગત માટે તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. જિલ્લા ભાજપ દ્વારા કડોદરા ખાતે ગતરોજ તેમના બેનરો લગાવવામાં આવ્યા હતા. પરંતુ રાત્રિના અઢી થી ત્રણ વાગ્યાની આસપાસ કોઈ અજાણ્યા શખ્સોએ આ બેનરો ફાડી નાંખ્યા હતા. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. મોટરસાઇકલ પર આવેલ કેટલાક અજાણ્યા શખ્સોએ આ બેનરો ફાડી નાંખ્યા હતા. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ આવે તે પહેલા જ બેનરો ફાટતાં જિલ્લાનું રાજકારણ ગરમાયું છે. ઘટના અંગે ભાજપ દ્વારા પોલીસ ફરિયાદ આપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

   
(11:03 pm IST)