Gujarati News

Gujarati News

News of Sunday, 5th April 2020

અમદાવાદના દરિયાપુરમાંથી તબગિલી જમાત સાથે કનેકશન ધરાવતા ૬ વ્યકિતના રિપોર્ટ કોરોના પોઝીટીવ આવતા ચિંતાના વાદળો ઘેરાયા

અમદાવાદ :અમદાવાદના કોરોના (corona virus) પોઝિટિવ દર્દીઓનો આંકડો કૂદકેને ભૂસકે વધી રહ્યો છે. ત્યારે રવિવારની સવારે અમદાવાદ કોરોના મામલે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. તબલિગી જમાત ના વધુ 6 લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાનું ખૂલ્યું છે. આ તમામ દર્દીઓ દરિયાપુર વિસ્તારમાં છે. દરિયાપુર વિસ્તારમાંથી તબગિલી જમાત સાથે કનેક્શન ધરાવતા 29 લોકોના સેમ્પલ લેવાય હતા, જે પૈકીના 6 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જોકે, આ મામલે તંત્ર દ્વારા સત્તાવાર જાહેરાત થઈ નથી. દર્દીઓના નામ કે હિસ્ટ્રી સામે આવ્યા નથી. પરંતુ તમામ દર્દીઓનું જમાત સાથેનું કનેક્શન હોવાનું જાણવા મળ્યું છે.

રાજ્ય સરકાર ગુજરાતના ચાર મોટા શહેરો અમદાવાદ, વડોદરા, સુરત અને ભાવનગરને હોટ સ્પોટ ગણીને કામ કરી રહી છે. જોકે, ભારત સરકારે જાહેર કરેલા પૈકી અમદાવાદ એક જ હોટસ્પોટ છે. અમદાવાદમાં કલસ્ટર ક્વોરેન્ટાઈન જાહેર કરાયેલા દરિયાપુર, શાહપુર, જમાલપુર, દાણીલીમડા અને રખિયાલ ખાતે પોલીસનો પૂરતો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. તો સાથે જ કાલુપુરની ભંડેરીની પોળમાં આવેલી માતાવાળાની પોળમાં પણ બફર ઝોન જાહેર કરાયો છે. જેથી અહી અવરજવર બંધ કરતા બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ગઈકાલે કાલુપુર ભંડેરી પોળના એક પરિવારના 4 સભ્યો કોરોના પોઝિટિવ આવ્યા હતા. તેમાં 7 વર્ષની બાળકી પણ સામેલ છે.

અમદાવાદ કલેક્ટર કે. કે. નિરાલાએ એક નિવેદનમાં જણાવ્યું કે, અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં 556 વ્યક્તિઓએ હોમ કોરોન્ટાઈનનો 14 દિવસનો સમયગાળો પૂરો કર્યો છે. હજુ પણ 103 વ્યક્તિઓ હોમ કોરોન્ટાઈનમાં છે. અત્યાર સુધી 1 લાખથી વધુ ફૂટપેકેટનું વિતરણ કરવામાં આવ્યું છે. અન્ન બ્રહ્મ યોજના અંગે સર્વે પૂર્ણતાના આરે છે અને સોમવારથી વહીવટી તંત્ર આ અંગેની વિતરણ વ્યવસ્થા ગોઠવશે. અમદાવાદ જિલ્લામાં પશુધનને ઘાસચારો પૂરો પાડવા વિશે વાત કરતાં તેમણે કહ્યું કે, અમદાવાદ જિલ્લામાં 48 જેટલી પાંજરાપોળ અને ગૌશાળા છે, જેમાં 18,003 પશુઓ છે. આ પશુધન માટે પૂરતો ઘાસચારો છે અને જરૂરિયાત મુજબ તે પૂરો પાડવામાં આવશે. અમદાવાદમાં આવેલી પીજી હોસ્ટેલમાં 1,473 લોકો રહે છે, જે તમામના સંપર્કમાં વહીવટી તંત્ર છે. અમદાવાદ જિલ્લામાં માઈગ્રન્ટ થતા 91 લોકોને શેલ્ટર હોમમાં આશ્રય આપવામાં આવ્યો છે.

(12:10 pm IST)