Gujarati News

Gujarati News

News of Wednesday, 5th January 2022

સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં ઈ-રીક્ષા ચલાવતી બહેનોને ભારોભાર અન્યાય : વિરોધ પ્રદર્શન કર્યું

ઈ-રીક્ષા ચલાવી રહેલી 50 થી 60 બેહનોએ પોતાને મળેલી ઈ રીક્ષા ફેરવવાનો બહિષ્કાર કરી ચાવી તંત્રને આપી દીધી: તંત્ર વિરુદ્ધ ગંભીર આક્ષેપો

અમદાવાદ :સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં ઈ-રીક્ષા ચલાવી પોતાનું ગુજરાન ચલાવતી બહેનોએ અન્યાય મુદ્દે વિરોધ પ્રદર્શન કર્યું હતું.સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં ઈલેક્ટ્રીક રીક્ષા ચલાવતી બહેનોએ આક્ષેપ લગાવ્યો હતો કે તંત્ર અમને ખોટા વચનો અને બાહેધરી આપે છે.બહેનોએ જણાવ્યું હતું કે અમને એવું કહેવામાં આવ્યું હતું કે બે વર્ષ પછી ઈ-રીક્ષા તમારા નામે થશે જ્યારે અત્યારે એમ કહે છે કે રીક્ષા તમારા નામે નહિ થાય.જો તમે નહિ આવો તો બીજી બેહનોને ડ્રાઈવર તરીકે અમે લઈ લઈશું.ઈ-રીક્ષા ચલાવતી બહેનોએ વધુમાં જણાવ્યું હતું કે અમારે રોજના 900 રૂપિયા એજન્સીને ચૂકવવાના હોય છે.તેમજ ચાર્જિંગના 70 રૂપિયા અને 300 રૂપિયા એક્સ્ટ્રા ચુકવવા પડે છે.જો કોઈ દિવસ અમારી કમાણી ન થઈ હોય તો પણ અમારે આટલા રૂપિયા તો ચુકવવા જ પડે છે.

પોતાની સાથે થયેલા અન્યાય મુદ્દે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં ઈ-રીક્ષા ચલાવી રહેલી 50 થી 60 બેહનોએ પોતાને મળેલી ઈ રીક્ષા ફેરવવાનો બહિષ્કાર કરી ચાવી તંત્રને આપી દીધી હતી અને સ્ટેચ્યુ ઓફ યુનિટી તંત્ર વિરુદ્ધ ગંભીર આક્ષેપો લગાવ્યા હતા.તો બીજી બાજુ સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં રીક્ષા છકડો અને ઇકો ગાડી ફેરવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા ડ્રાઇવરોએ પણ પોતાની માંગો મુદ્દે વિરોધ દર્શાવ્યો હતો.

સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા લાખોની પ્રવાસીઓને સ્ટેશનેથી હોટેલ તેમજ સ્ટેચ્યુ ઓફ યુનિટી લાવવા લઈ જવા માટે સ્થાનિકો છકડો અને ઈકો ગાડી મદદરૂપ થાય છે.હમણાં કેટલાક દિવસોથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સત્તામંડળ દ્વારા સ્થાનિક રીક્ષા અને ઇકો ગાડી લઈ જવા મનાઈ ફરમવાઈ હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું.એ કારણે આજે 150 થી 200 રીક્ષા ડ્રાઇવરોના પરિવાર પર મુશ્કેલીના વાદળ ઘેરાયેલા છે.

તો હડતાળ મુદ્દે સ્ટેચ્યુ ઓફ યુનિટી તંત્રના અધિકારીઓ જણાવ્યું હતું કે એજન્સી અને ઈ-રીક્ષા ચલાવતી બહેનો વચ્ચે થોડી ગેરસમજ ઉભી થઇ હતી.સ્ટેચ્યુ ઓફ યુનિટી સત્તા મંડળના અધિકારીઓએ એ ગેરસમજ દૂર કરી હતી.પોતાના પ્રશ્નો હલ થશે એવી રીક્ષા ચાલિકાઓએ વિશ્વાસ મળતા આ હડતાળ સમેટાઈ હતી અને 1 કલાક બાદ આ સેવા ફરી પૂર્વવ્રત કરાઈ હતી.

(10:11 pm IST)