Gujarati News

Gujarati News

News of Sunday, 5th January 2020

હું ચોર, હું જ તપાસ કરનાર પછી, કયાંથી પરિણામ મળે

ગુજરાતમાં શિશુનાં મૃત્યુદરને લઇ રાજનીતિ : કોંગ્રેસે ભાજપ સરકાર ઉપર જોરદાર આકાર પ્રહાર કર્યા શિશુના મોત મામલે જ્યુડિશિયલ તપાસની કોંગ્રેસની માંગ

અમદાવાદ,તા. ૫ : રાજસ્થાનમાં કોટાની સરકારી હૉસ્પિટલમાં એક જ મહિનામાં ૧૦૪ બાળકોનાં મોત થતા ગેહલોત સરકારે ઘણાં પ્રશ્નોમાં ફસાયા છે. તો બીજીબાજુ, ગુજરાતમાં પણ એક મહિનાનાં બાળ મૃત્યુદરના સામે આવેલા ચોંકાવનારા આંકડાને લઇને જોરદાર ખળભળાટ મચી ગયો છે. એશિયાની સૌથી મોટી ગણાતી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં છેલ્લા મહિનામાં એટલે ડિસેમ્બરમાં ૮૫ નવજાતશિશુઓનાં મોત નીપજ્યાં છે. જ્યારે રાજકોટમાં એક જ મહિનામાં ૧૩૪ નવજાત શિશુઓનાં મોત નીપજ્યાં છે. આ આંકડા સામે આવતા પ્રજામાં તો ભારોભાર આક્રોશ પ્રવર્તી રહ્યો છે ત્યારે બીજીબાજુ, સ્થાનિક રાજકારણ પણ જોરદાર રીતે ગરમાયું છે. કોંગ્રેસે તો આ મામલે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા અને નવજાત શિશુઓના મોત પ્રકરણમાં જયુડીશીયલ ઇન્કવાયરીની માંગ કરી દીધી હતી. કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા શકિતસિંહ ગોહિલે સરકાર પર ચાબખા વરસાવતાં જણાવ્યું કે, રાજકોટમાં ૧૩૪ બાળકોના મોત થયા, અમદાવાદમાં ૨૫૩ બાળકોનાં મોત થયા છે. ગુજરાતના સીએમ રાજકોટ મામલે જવાબ આપવાનું ટાળે છે.

              રાજસ્થાનના મુખ્યમંત્રી કામ કરી રહ્યા છે. કોટામાં સીએમ અને નેતાઓ જવાબ અને સેવા આપે છે. ભાજપનું નેતૃત્વ રાજસ્થાનમાં રાજીનામું માગતા હતા પરંતુ ગુજરાત મામલે સીએમનું શું થશે? હું જ ચોર, હું જ તપાસ કરનાર તો પરિણામ ના જ આવે તેમ કહી શક્તિસિંહ ગોહિલે મુખ્યમંત્રી અને ભાજપના શાસન સામે કટાક્ષ કર્યો હતો. તેમણે ઉમેર્યું કે, ગુજરાતમાં સગર્ભા બહેનોની માવજત ના થાય અને આ સમયે જ કૌભાંડ થાય છે. આ બાળકોના મોત મામલે કોર્ટ દ્વારા તપાસ થાય તેવી માંગ કરી તેમણે ભાજપ સરકારને અનેક પ્રશ્નો કર્યા હતા કે, આજનું બાળક આવતીકાલનું ભવિષ્ય છે. કોઇપણ જીવની પૂરી સુરક્ષા કોઇપણ પક્ષની સરકારે કરવાની હોય છે. રાજસ્થાનના સીએમે બાળકોનાં મોત મામલે દરેક પ્રશ્નોનાં જવાબ આપ્યાં છે. ડે.સીએમ અને સ્વાસ્થ્ય મંત્રી આજે પણ કોટામાં કેમ્પ કરી રહ્યાં છે. કોઇપણ ઉણપને છાવરવાની વાત ત્યાં થઇ નથી. ગુજરાતમાં જે અમદાવાદ અને રાજકોટનાં આંકડા આવ્યાં છે તે અતિશય ચિંતાનો વિષય છે. ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી પ્રશ્નોનાં જવાબ આપવાથી ભાગે તે બરાબર નથી. ભાજપ રાજસ્થાનનાં મંત્રીનું રાજીનામુ માંગતા હતા તે હવે ગુજરાતનાં સીએમનું શું કરશે? ૧,૪૨૧૪૨ કુપોષિત બાળકો છે તે માટે હાઇકોર્ટ દ્વારા મોનીટર્ડ ન્યાયિક તપાસ થાય તેવી કોંગ્રેસની માંગ છે.

             ગુજરાતમાં ડોક્ટરોની સંખ્યા જ પુરતી નથી. દરમ્યાન ગુજરાત કોંગ્રેસનાં પ્રવક્તા ડો.મનીષ દોષીએ આ મામલે પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, આ એક મહિનાના આંકડા આવ્યાં છે તે સત્તાવાર રીતે છે, જો બિન સત્તાવાર રીતે જોઇએ તો તે કેટલાય વધુ હશે. આ આંકડા અમદાવાદ અને રાજકોટ એમ બે સિવિલ હૉસ્પિટલનાં છે રાજ્યની તમામ સિવિલ હૉસ્પિટલનાં બાળ મૃત્યુદરનાં આંકડા કાઢીએ તો ગુજરાતનું નામ અગ્રણી હરોળમાં આવે. જે આપણા માટે તે ચિંતાનો વિષય છે. આ ભાજપ સરકારની ગંભીર નિષ્કાળજી અને નિષ્ફળતાનું પરિણામ છે. બીજીબાજુ, ગુજરાતમાં નવજાત શિશુ દરના મૃત્યુદરને લઇ કોંગ્રેસના રાષ્ટ્રયી નેતા રણદીપસિંહ સુરજેવાલાએ પણ ટ્વિટરમાં અનેક પોસ્ટ શેર કરીને ભાજપ સામે પ્રશ્નો ઉભા કરતાં રાજકારણ જોરદાર રીતે ગરમાયું છે.

(9:57 pm IST)