Gujarati News

Gujarati News

News of Sunday, 5th January 2020

વાલોડ-બાજીપુરા હાઇવે પર અકસ્માત : ૩ યુવકોના મોત

ધાર્મિક કાર્યક્રમમાં જતાં યુવકોની કારને અકસ્માત : વાલોડના છ યુવકો બાજીપુરામાં ધાર્મિક કાર્યક્રમમાં જવા નીકળ્યા હતા : સ્ટીયરીંગ પરનો કાબૂ ગુમાવતાં અકસ્માત

અમદાવાદ, તા.૫ : વાલોડ-બાજીપુરા હાઇવે પર એક ગમખ્વાર કાર અકસ્માતમાં ત્રણ યુવકોના કરૂણ મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. આ અક્સ્માતમાં અન્ય ત્રણ યુવકોને ગંભીર ઇજા થતાં તેઓને તાત્કાલિક સારવાર માટે સુરત અને બારડોલીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જો કે, અકસ્માતના આ બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ હતી. ખાસ કરીને એકસાથે ત્રણ મુસ્લિમ યુવકોના મોતને લઇ સ્થાનિક મુસ્લિમ સમુદાયમાં ઘેરા શોક અને આઘાતની લાગણી પ્રસરી ગઇ હતી. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, તાપી જિલ્લાના વાલોડના છ મુસ્લિમ યુવકો શનિવારે મોડી રાત્રે કારમાં વાલોડથી બાજીપુરા તરફ ધાર્મિક કાર્યક્રમમાં જતા હતા.

              ત્યારે કાર ચાલકે સ્ટીયરીંગ પરથી કાબૂ ગુમાવતા ગંભીર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ત્રણ યુવકોના ગંભીર ઇજાઓ થવાના કારણે ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યા હતા. જ્યારે અન્ય ત્રણ યુવાનાનેે ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેથી તેઓને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે બારડોલી અને સુરતની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. બનાવને પગલે સ્થાનિક લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટી પડયા હતા. ઘટનાની જાણ થતાં વાલોડ પોલીસે પણ તાત્કાલિક ત્યાં દોડી આવી ત્રણેય યુવાનોના મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા. પોલીસે આ મામલે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(9:46 pm IST)