Gujarati News

Gujarati News

News of Sunday, 5th January 2020

અમદાવાદીમાં પશ્ચિમ રિવરફ્રન્ટમાં પર ૧૬ દિવસ સુધી વાહનો પર પ્રતિબંધ

અમદાવાદ : સીએમ વિજય રૂપાણીએ રિવરફ્રન્ટ પર ફ્લાવર શો 2020નો શુભારંભ કરાવ્યો હતો. આ ફ્લાવર શોને જોવા માટે મોટી સંખ્યામાં અમદાવાદીઓ ઉમટી પડ્યા હતા. તો આગામી સમયે રિવરફ્રન્ટ ઉપર પતંગોત્સવનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેના કારણે પશ્વિમ રિવરફ્રન્ટ પર 16 દિવસ સુધી વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જે માટે પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે.

પશ્વિમ રિવરફ્રન્ટ ઉપર શનિવારથી શરૂ થયેલાં ફ્લાવર શો તેમજ પતંગોત્સવ યોજાવાનો હોવાથી તારીખ 4 જાન્યુઆરીથી 19મી સુધી સવારના 9થી રાત્રે 10 વાગ્યા સુધી વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોવાનું જાહેરનામું પોલીસ કમિશનરે બહાર પાડ્યું છે. જેમાં વાહનચાલકો માટે ગુજરાતી સાહિત્ય પરિષદથી વર્ષા ફ્લેટ ચાર રસ્તા સુધીનો માર્ગ તમામ વાહનો માટે બંધ રહેશે.

જેની સામે વાહન ચાલકો વૈકલ્પિક માર્ગ તરીકે વાડજ સ્મશાન ગૃહથી સર્કલ થઈ ઈન્કમટેક્સ ઓવરબ્રિજથી પાલડી ચાર રસ્તાનો ઉપયોગ કરી શકાશે. પશ્ચિમ રિવરફ્રન્ટ પર પ્રતિબંધ મૂકવાને કારણે આશ્રમ રોડ ઉપર ટ્રાફિક જામ સર્જાવાની સમસ્યામાં વધારો થશે. તો અમદાવાદીઓ જો તમારે આ રૂટ ઉપરથી પસાર થવાનું હોય તો તમારો રસ્તો પ્લાન કરીને જ ઘરેથી નીકળજો.

(2:05 pm IST)