Gujarati News

Gujarati News

News of Sunday, 5th January 2020

CAA કાયદો ભારતીય નાગરીકોને અસર કરતો નથી : પાકિસ્‍તાન, અફધાનિસ્‍તાન અને બાંગલાદેશના અલ્‍પ સંખ્‍યકો કે તેમના દેશમાં પીડિત તથા શરણાર્થી તરીકે ભારત આવ્‍યાં છે તેઓને નાગરીકતા આપવાની વાત છે : ભરત પંડયા

ગુજરાતમાં કુલ ૩૦૦ સ્‍થળેથી ઘેર-ઘેર CAA કાયદાના સમર્થનમાં જનજાગૃતિ અભિયાનનો પ્રારંભ

ગાંધીનગર:: ગુજરાત ભાજપ પ્રદેશ પ્રવકતાશ્રી ભરત પંડયાએ જણાવ્યું હતું કે, CAA રાષ્ટ્રધર્મ અને માનવધર્મને સાથે રાખીને બનાવેલ કાયદો છે. આ કાયદાના સમર્થનમાં ભાજપનું જનજાગૃતિ અભિયાન અંતર્ગત આવતીકાલે તા.5 જાન્યુઆરીથી ઘર-ઘર સંપર્ક અભિયાન દ્વારા ગુજરાતના 10 લાખ ઘરનો સંપર્ક કરીને CAA કાયદા અંગે પત્રિકા વિતરણ કરવામાં આવશે. આ અભિયાનમાં પ્રદેશ અગ્રણીઓ, મંત્રીશ્રીઓ, સંસદસભ્યશ્રી, ધારાસભ્યશ્રીઓ સહિત પ્રદેશ-જીલ્લા-તાલુકાના સંગઠન અને ચૂંટાયેલા પ્રતિનિધીઓ સહિત 1 લાખ કાર્યકર્તાઓ ઘર-ઘર સંપર્કમાં પત્રિકા વહેંચવામાં જોડાશે. ગુજરાતના 50,000ના બુથમાં એટલે કે દરેક બુથમાં 20 ઘરના સંપર્ક સાથે 10 લાખ ઘરનો સંપર્ક કરીને 50 લાખ લોકોને મળશે.

શ્રી પંડયાએ વધુમાં જણાવ્યું હતું કે, આવતીકાલે તા.05 જાન્યુઆરીએ રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી અમિતભાઈ શાહ દિલ્હીથી, કાર્યકારી રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી જે.પી.નડ્ડાજી ઉત્તર પ્રદેશના ગાજીયાબાદથી દેશવ્યાપી ઘર-ઘર સંપર્ક અભિયાનનો શુભારંભ કરાવશે. જે તા.15 જાન્યુઆરી સુધી આ અભિયાન ચલાવવામાં આવશે.

             ગુજરાતમાં આવતીકાલે તા.05મી જાન્યુઆરીના રોજ ઘર-ઘર સંપર્ક અભિયાનનો શુભારંભ પ્રદેશ અધ્યક્ષશ્રી જીતુભાઈ વાઘાણી આણંદ ખાતેથી કરાવશે. કેન્દ્રીય મંત્રીશ્રી પરષોત્તમભાઈ રૂપાલાજી સાણંદ ખાતે, મંત્રીશ્રી મનસુખભાઈ માંડવીયા વિસનગર ખાતે, કેન્દ્રીય મંત્રીશ્રી શ્રીપદ નાયક જામનગર ખાતે, કેન્દ્ર સરકારના રાજય કક્ષાના વિદેશમંત્રીશ્રી વી.મુરલીધરન અમરાઈવાડી ખાતે ઉપસ્થિત રહેશે અને ગુજરાતમાં કુલ 300 સ્થાન ઉપર પ્રદેશ અગ્રણી, મંત્રીશ્રીઓ, સંસદસભ્યશ્રી અને ધારાસભ્ય વગેરે દ્વારા આ ઘર-ઘર સંપર્ક અભિયાનનો શુભારંભ થશે.

           શ્રી પંડયાએ જણાવ્યું હતું કે, ભાજપે વારંવાર જણાવ્યું છે કે, CAA કાયદો ભારતીય નાગરીકને અસર કરતો નથી. પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશના અલ્પસંખ્યકો જે તેમના દેશમાં પીડિત છે અને શરણાર્થી તરીકે ભારત આવ્યાં છે. તેઓને નાગરીકતા આપવાની વાત છે. કોઈની નાગરીકતા પાછી લેવાની વાત નથી. આટલું સીધું અને સાદું, સંવેદનાસભર સત્ય કોંગ્રેસ સમજી શકતી નથી. કોંગ્રેસ ભ્રમણાઓ જૂઠ્ઠાણાઓ, અફવાઓ ફેલાવવાનું બંધ કરે અને રાષ્ટ્રહિતમાં આ કાયદાનું સમર્થન કરે. કોંગ્રેસ મતવાદી-ભાગલાવાદી અને રાષ્ટ્રહિત વિરોધી વિચારો, નિવેદનો અને કાર્યક્રમો બંધ કરે.તે તમામ સમાજ અને દેશના હિતમાં છે.માનવધર્મ અને રાષ્ટ્રધર્મના શુભહિતથી થયેલ આ કાયદા અંગે કોંગ્રેસના જૂઠ્ઠાણા અને અપપ્રચાર સામે ભાજપ સત્ય અને સદવિચાર ફેલાવશે.

       ભાજપે CAAના સમર્થનમાં ગુજરાતનાં 41 જીલ્લામાં બુદ્ધિજીવી સંમેલનો કરવામાં આવ્યાં. દરેક જીલ્લા/તાલુકા મથકે નાગરીક સમિતી દ્વારા નીકળેલી સમર્થન રેલીઓમાં સામાજીક સંસ્થાઓ, સેવાભાવી, ધાર્મિક સંસ્થાઓ અને એન.જી.ઓ. જોડાઈ હતી. તે સહુ નાગરીક ભાઈ-બહેનોનો ભાજપ આભાર માને છે. લોકો દ્વારા આ કાયદા માટે અભિનંદન આપતાં પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીને ગુજરાતમાંથી 5 લાખ પોસ્ટકાર્ડ મોકલવામાં આવશે

 

(12:53 pm IST)