Gujarati News

Gujarati News

News of Saturday, 5th January 2019

સીએના પ્રોફેશનમાં નૈતિકતા જરૂરી છેઃ શાહનો અભિપ્રાય

સીએના વિદ્યાર્થીઓ માટે આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ : દેશના આર્થિક વિકાસમાં સીએ સમુદાયની બહુ મહત્વની ભૂમિકા : કેન્દ્રીય વાણિજય પ્રધાન સુરેશ પ્રભુનો અભિપ્રાય

શહેરમાં સીએના સ્ટુડન્ટસ માટે આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનો પ્રારંભ થયો હતો. આ કોન્ફરન્સમાં ટોચની હસ્તીઓ ભાગ લઈ રહી છે. જેમાં કેન્દ્રિય મંત્રી સુરેશ પ્રભુ અને જસ્ટીસ એમ.આર. શાહનો સમાવેશ થાય છે.

અમદાવાદ,તા. ૫ : ધ ઈન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ ઓફ ઈન્ડિયા (આઈસીએઆઈ)ની ડબલ્યુઆઈઆરસીની અમદાવાદ બ્રાન્ચ દ્વારા આજથી તા. ૫ અને ૬ જાન્યુઆરી ૨૦૧૯નાં રોજ આયોજિત અમદાવાદ શહેરમાં સૌપ્રથમવાર આંતરરાષ્ટ્રીય સીએ સ્ટુડન્ટસ કોન્ફરન્સનો આજથી વિધિવત્ પ્રારંભ થયો હતો. અમદાવાદમાં શેલા ગામ પાસે ધ કેપિટલ ક્લબ ઓ સેવન ખાતે યોજાયેલી આ બે દિવસીય કોન્ફરન્સનું ઉદ્ઘાટન આજે કેન્દ્રનાં વાણિજ્ય અને ઉદ્યોગ તેમજ નાગરિક ઉડ્ડયન વિભાગનાં મંત્રી સીએ સુરેશ પ્રભુ, સુપ્રિમ કોર્ટનાં જસ્ટીસ શ્રી એમ.આર.શાહ અને આઈટીએટીનાં પ્રેસિડેન્ટ શ્રી પી.પી.ભટ્ટ સહિતના મહાનુભાવો દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સુપ્રીમકોર્ટના જસ્ટિસ શ્રી એમ.આર.શાહે ખૂબ મોટી સંખ્યામાં હાજર રહેલા સીએ સ્ટુડન્ટસને સંબોધતાં જણાવ્યું હતું કે, સીએનો પ્રોફેશન એ બહુ ઉમદા વ્યવસાય છે પરંતુ વ્યવસાયની સાથે સાથે તેમાં તમારે નૈતિકતા, પ્રમાણિકતા અને વિશ્વસનીયતા જાળવી રાખવી પણ એટલું જ જરૂરી છે. સીએના પ્રોફેશનમાં શ્રેષ્ઠતા અને નિપુણતા હાંસલ કરવા માટે તમારે સતત વાંચન, અભ્યાસ અને કાયદાકીય તેમ જ તાજા અપડેટ્સનો અભ્યાસ કરતા રહેવું પણ એટલું જ જરૂરી છે. જસ્ટિસ શ્રી એમ.આર.શાહે વધુમાં જણાવ્યું હતું કે, સીએનો પ્રોફેશન એ બહુ ઉમદા વ્યવસાય છે, તેના મારફતે તમે સમાજ અને દેશના આર્થિક વિકાસમાં બહુ મહત્વનું યોગદાન આપી શકો છો. જો કે, વ્યવસાયિક કારકિર્દીની સાથે સાથે સીએના પ્રોફેશનમાં તમારે નૈતિકતા, પ્રમાણિકતા અને વિશ્વસનીયતાના સિધ્ધાંતોનું અનુસરણ કરવું જ રહ્યું, જે તમારા વ્યવસાયિક અને આંતરિક વ્યક્તિત્વને શ્રેષ્ઠતમ બનાવશે. આ પ્રસંગે કેન્દ્રીય વાણિજયપ્રધાન સુરેશ પ્રભુએ જણાવ્યું હતું કે, સીએનો પ્રોફેશન એ ઉમદા વ્યવસાય છે. તેઓ પોતે સીએ છે અને આઇસીએઆઇની વિકાસા શાખામાં યુવાનીવયમાં તેઓ સૌપ્રથમ ચૂંટણી લડયા હતા, ત્યારથી ચૂંટણી લડવાની પ્રેરણા મળી હતી.

સીએ આમ જોવા જઇએ તો, બેસ્ટ સોલ્યુશન પ્રોવાઇડર છે અને દેશના આર્થિક વિકાસમાં પણ સીએની બહુ મહત્વની ભૂમિકા છે. સીએના પ્રોફેશન મારફતે તમે માત્ર વ્યવસાયિક જ નહી પરંતુ સામાજિક, આર્થિક અને રાષ્ટ્રની સેવા કરી શકો છો. દરમ્યાન આઇટીએટીના પ્રેસીડેન્ટ શ્રી પી.પી.ભટ્ટે જણાવ્યું હતું કે, સીએના પ્રોફેશનમાં કારકિર્દી બનાવવા સખત મહેનત, ધગશ અને સિન્સીઆરીટી બહુ જરૂરી છે. સીએના પ્રોફેશન થકી તમે સામાજિક સેવા અને વ્યવસાયિક પરિમાણોને સિધ્ધ કરી શકો છો. તેમણે સીએ સ્ટુડન્ટ્સ માટે લો ઇન્ટર્નશીપ માટે ટાઇઅપનું મહત્વનું સૂચન પણ કર્યું હતું.  શહેરમાં સીએ સ્ટુડન્ટ્સ માટે સૌપ્રથમવાર યોજાયેલી આ આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ દરમ્યાન અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેલા કેન્દ્રનાં વાણિજ્ય અને ઉદ્યોગ તેમજ નાગરિક ઉડ્ડયન વિભાગનાં મંત્રી સીએ સુરેશ પ્રભુ, સુપ્રિમ કોર્ટનાં જસ્ટીસ શ્રી એમ.આર.શાહ અને આઈટીએટીનાં પ્રેસિડેન્ટ શ્રી પી.પી.ભટ્ટનું ધ ઈન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ ઓફ ઈન્ડિયા (આઈસીએઆઈ), બીઓએસના ચેરમેન ધીનલ શાહ અને આઇસીએએઆઇની ડબલ્યુઆઈઆરસીની અમદાવાદ બ્રાન્ચના ચેરમેન સીએ નીરવ  ચોકસી સહિતના મહાનુભાવો દ્વારા ભાવભર્યુ સ્વાગત કરવામાં આવ્યું હતું. તા.૫ અને ૬ જાન્યુઆરી એમ બે દિવસીય આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સમાં આ વખતની થીમ નોલેજ એન્ડ ટ્રેનીંગ વીથ એથિકલ ક્વોશન્ટ – પથવે ટુ પ્રોફેશનલ એક્સીલન્સ રાખવામાં આવી છે.  આ આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સમાં દેશ-વિદેશમાંથી ૩૦૦૦થી વધુ સ્ટુડન્ટ્સ અને આમંત્રિતો ભાગ લઇ રહ્યા છે.

 

(9:25 pm IST)