Gujarati News

Gujarati News

News of Saturday, 5th January 2019

પ્રભારી રાજીવ સાતવે બેઠકોનો દોર શરૂ કર્યો, 'લોકસરકાર' પ્રભાવક બનાવવા સાંજે ચિંતન

લોકસભાની તૈયારીને વેગ આપવા અને કોંગીના આંતરિક ડખ્ખા નિવારવા પ્રયાસ

રાજકોટ, તા. ૫ :. કોંગ્રેસના પ્રદેશ પ્રભારી રાજીવ સાતવે સવારે અમદાવાદ આવી પહોંચી કોંગ્રેસના અલગ અલગ સ્તરના આગેવાનો સાથે પ્રદેશ કાર્યાલય ખાતે બેઠકોનો દોર શરૂ કર્યો છે. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિપક્ષી નેતા પરેશ ધાનાણી તેમની સાથે જોડાયા છે. કોંગ્રેસ વિધાનસભા પક્ષે લોકપ્રશ્નોને વાચા આપવા સરકારની સમાંતર લોકસરકારની રચના કરી છે. આજે સાંજે ૫ વાગ્યે એસ.જી. હાઈવે પર મારૂતિનંદન પાર્ટી પ્લોટમાં લોકસરકારની કામગીરી સાથે સંકળાયેલા ૨૦૦૦ જેટલા આગેવાનોની બેઠક બોલાવવામાં આવી છે. જેમાં લોકસરકારની કામગીરીની સમીક્ષા કરી તેને વધુ પ્રભાવક બનાવવા પ્રભારી માર્ગદર્શન આપશે.

 

લોકસભાની ચૂંટણી આવતા ૪ મહિનામાં આવી રહી છે તેને અનુલક્ષીને પ્રભારીએ તૈયારીને વેગ આપવા પ્રયાસ કર્યો છે. થોડા દિવસ પહેલા કોંગ્રેસના કેટલાક સિનીયર આગેવાનોએ અર્જુનભાઈ મોઢવાડિયાના ઘરે બેઠક કરેલ. જેમાં સિનીયર હોદેદારો સામે કચવાટ વ્યકત થયાનું બહાર આવેલ. ચૂંટણી ટાણે ગેરશિસ્ત કે અસંતોષ પાર્ટીને મોટુ નુકશાન કરી શકે તેમ હોવાથી પ્રભારીએ આ મુદ્દો પણ ગંભીરતાથી લીધાનું જાણવા મળે છે. તેમની આજની મુલાકાતમાં આંતરિક ડખ્ખાના નિવારણનો પણ પ્રયાસ થશે. કયા લોકસભા વિસ્તારમાં પાર્ટીની શું સ્થિતિ છે ? તેનો તાગ મેળવી આવતા દિવસોમાં ભાજપ સામે જંગ છેડવા શું કરવુ જોઈએ ? તેની ચર્ચા થશે.(૨-૮)

(11:38 am IST)