Gujarati News

Gujarati News

News of Tuesday, 4th December 2018

ગાંધીનગર ભાજપના મીડિયા સેલના કન્વીનરની કારને અકસ્માત બોલેરો સાથે ટક્કર :એરબેગ ખુલી જતા બચાવ

બોલેરો કાર ધડાકાભેર અથડાતા કારના ફુરચા ઉડ્યા :ફૂટપાથ અને ટાયરો ઉડાવીને ઘરમાં અથડાઈ

ગાંધીનગર શહેર ભાજપના મીડિયા સેલના કન્વીનર વિનોદ ઉદેચાનો માર્ગ અકસ્માતમાં અદભુત બચાવ થયો છે. કારમાં ઘર તરફ જઈ રહેલા જલારામ સમાજના આ યુવા અગ્રણીની કારના ફુરચા બોલાવી સામેથી આવેલી કાર એક બંધ ગલ્લો, ફૂટપાથ અને ટાયરો ઉડાવીને ઘરમાં અથડાઈ હતી. જો કે આ ગંભીર અકસ્માતમાં એરબેગ ખુલી જવાના કારણે બચી ગયેલા વિનોદ ઉદેચાને કમર અને મણકામાં ઈજાઓ થતા એક પ્રાઇવેટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

 ગાંધીનગર શહેર ભાજપના મીડિયા સેલના કન્વીનર વિનોદ ઉદેચા પોતાની આઈ-૨૦ કાર લઈને ઘર તરફ જવા વળી રહ્યા હતા. ત્યારે સેક્ટર-૬/૧૨ ચોકડી નજીક એમઆરએફ ટાયર્સના શો રૂમ પાસે સામેથી પુરઝડપે આવેલી એક બોલેરો કાર ધડાકા સાથે તેમની કાર જોડે અથડાઈ હતી. જેમાં આઈ-૨૦ કરના ફુરચા બોલાઈ જવા સાથે બોલેરો કાર રોડની પાસે રહેલા એક ગલ્લા અને ફૂટપાથને તોડી બાજુમાં ઉપર ચઢી ગઈ હતી.

જ્યારે ટાયર્સના શો રૂમ પાસે પડેલા ટાયરોને ઉડાવી બોલેરો કાર મકાન સાથે અથડાઈ હતી. જેમાં દાહોદનું પાસીંગ ધરાવતી આ કારમાં બેઠેલા બે લોકો ઉતારીને નાસી ગયા હતા. આ અકસ્માતમાં ગાંધીનગર જલારામ સમાજના યુવા અગ્રણી વિનોદ ઉદેચાના સદનસીબે કારની એરબેગ ખુલી જતા તેમનો બચાવ થયો હતો. આમ છત્તાં તેમની કમરે અને મણકામાં ઈજાઓ થતા સેકટર-૩માં એક ખાનગી હોસ્પિટલમાં તેમને દાખલ કરવામાં આવ્યા છે.

(7:32 pm IST)