Gujarati News

Gujarati News

News of Tuesday, 4th December 2018

લોકરક્ષકદળ પરીક્ષાની ઘટના શરમજનકઃ દરેક ઉમેદવારને ૫ હજારનું વળતર ચુકવો

પ્રદેશ કોંગ્રેસ મંત્રી મનોજ રાઠોડની માંગણી

  રાજકોટ :  રાજય સરકાર  દ્વારા આજે પોલીસ તંત્રમાં લોક રક્ષકની ભરતી કરવા યોજાયેલી લોક રક્ષક દળની પરીક્ષાનું પેપર લીક થવાથી આ પરીક્ષા રદ કરવી પડી છે.ભાજપના રાજયમાં ભ્રષ્ટ પોલીસ અધિકારીઓના પાપે અનેક બેકાર ઉમેદવારોને   નિરાશ થવું પડ્યું છે. રાજય સરકાર માટે પણ આ ઘટના શરજનક હોવાનું જણાવી ઉમેદવારોને વળતર ચૂકવવાની માગણી ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મંત્રી મનોજ રાઠોડે કરી છે .

તેઓએ જણાવેલ કે વિકાસની વાતો કરતી ગુજરાતની ભાજપ સરકારમાં બેરોજગાર યુવાનોની ક્રૂર મજાક કરતી ઘટના   બની છે. રાજયના પોલીસ વિભાગમાં લોક રક્ષકોની ભરતી કરવા લોક રક્ષક દળની પરીક્ષા યોજવામાં આવી હતી. પણ રાજયનું વહીવટી તંત્ર કેટલું બોદું અને કેટલું ભ્રષ્ટ છે કે આ પરીક્ષા આપવા માટે ૮ લાખ ૪૫ હજાર ઉમેદવારો તેમના નિયત પરીક્ષા સ્થળે પહોચે તે પહેલા જ પેપર લીક થઈ જતાં પરીક્ષા રદ કરવી પડી હતી. આ કારણે બહારગામથી આવેલા અનેક ઉમેદવારોને માત્ર મુશ્કેલી જ નહીં આર્થિક નુકશાની અને હાડમારીનો સામનો કરવો પડ્યો છે. એક તરફ રાજય સરકાર અને કેન્દ્ર સરકાર બેરોજગારી દૂર કરવાની મસ મોટી જાહેરાતો અને બણગાં ફૂકે છે ત્યારે બીજી બાજુ લોક રક્ષક દળની પરીક્ષામાં ૮ લાખ ૪૫ હજાર ઉમેદવારોની નોંધણી એ જ બતાવે છે કે રાજય સરકારનો દાવો કેટલો પોકળ છે .

 પ્રદેશ મંત્રી મનોજ રાઠોડે જણાવ્યુછે કે, લોક રક્ષક દળની પરીક્ષા આપવા માટે અનેક ઉમેદવારો તેમનો દૈનિક રોજગાર છોડીને ૧૦૦ થી ૨૦૦ કિ.મી. દૂર આવેલા પરીક્ષા સ્થળોએ પહોચ્યા હતા. આ પરીક્ષા આપનારા મોટા ભાગે ગરીબ અને ખેત મજૂર પરિવારના ઉમેદવારો હતા. રાજય સરકારની ક્ષતિને કારણે આ તમામ ઉમેદવારોને દૈનિક રોજગારી ગુમાવવા સાથે ખાનગી કે એસ ટી બસનું ભાડું પણ માથે પડ્યું છે. રાજય સરકારે આ તમામ ઉમેદવારો માટે ઓછામાં ઓછું રૂપિયા ૫ હજારનું વળતર જાહેર કરવું જોઇએ, ભાજપના શાસનમાં આ અગાઉ પણ મુખ્ય સેવિકા,નાયબ ચિટનીસ, જેવી અનેક મહત્વની પરીક્ષાઓમાં પણ ગેરરીતિ જાહેર થઈ હતી અને આ પરીક્ષાઓ રદ કરવી પડી હતી. ત્યારે રાજયના ભ્રષ્ટ પોલીસ તંત્રના પાપે લોક રક્ષક દળ પરીક્ષાનું પેપર લીક થવાની ઘટના રાજય સરકારની વધુ એક નાલેશી અને વિકાસની વાતો કેટલી પોકળ છે તે સાબિત કરે છે તેમ અંતમાં જણાવ્યુ છે.

(3:40 pm IST)