Gujarati News

Gujarati News

News of Tuesday, 4th December 2018

હવે સેટીંગ કરીને નહીં પાસ કરી શકો ડ્રાઇવિંગ ટેસ્ટ : આવી રહી છે નવી સિસ્ટમ

સેન્સર બેઝડ સિસ્ટમ દૂર થશે : તમામ કામગીરી ઓટોમેટિક થશે

અમદાવાદ તા. ૪ : હાલમાં રાજયની અલગ-અલગ આરટીઓમાં લેવાતી સેન્સર બેઝડ ડ્રાઈવિંગ ટેસ્ટમાં હવે બદલાવ આવી રહ્યો છે. હાલની સિસ્ટમમાં ગેરરીતિની અનેક ફરિયાદો સામે આવ્યા બાદ હવે સરકાર વીડિયો એનાલિટિકસ બેઝડ ડ્રાઈવિંગ ટેસ્ટ લાગુ કરવાનું આયોજન કરી રહી છે.

આ સિસ્ટમ લાગુ પડી જશે, પછી ડ્રાઈવિંગ ટેસ્ટની તમામ કામગીરી સંપૂર્ણપણે ઓટોમેટિક થઈ જશે, અને તેમાં કોઈ માનવીય હસ્તક્ષેપ થઈ શકશે નહીં. આ સિસ્ટમમાં ડ્રાઈવિંગ ટેસ્ટનું પાસ કે ફેઈલનું રિઝલ્ટ ઓટોમેટિક આવ જશે. હાલ ટ્રાન્સપોર્ટ વિભાગ નવી ટેકનોલોજીને લાગુ કરવા માટે કામ કરી રહ્યો છે.

આ બાબત સાથે સંકળાયેલા એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે, હાલની ડ્રાઈવિંગ લાઈસન્સ ટેસ્ટ સિસ્ટમમાં અનેક ખામીઓ છે. તેમાં ડેટા એજન્સી પાસે રહે છે, અને તેમાં RTOનો સ્ટાફ ચેડા કરી શકે છે. જોકે, નવી ટેકનોલોજી માણસને બદલે વીડિયો એનાલિટિકસ મિકેનિઝમ જ ટેસ્ટને મોનિટર કરશે, અને રિજલ્ટ આપશે.આ ટેકનોલોજી લાગુ પડ્યા બાદ ડ્રાઈવિંગ ટેસ્ટનો ડેટા પણ સેન્ટ્રલાઈઝડ સર્વસમાં સેવ થશે. નવી સિસ્ટમમાં ટેસ્ટ માટે પોલીમાઉન્ટેડ વીડિયો કેમેરા તેમજ અંડરગ્રાઉન્ડ મેગ્નેટિક લૂપ સેન્સરનો ઉપયોગ થશે. તેનાથી જે પણ વીડિયો ડેટા જનરેટ થશે તે પોતાની જાતે જ રિયલ ટાઈમમાં સેન્ટ્રલ સર્વસમાં અપલોડ થઈ જશે.જેવી ટેસ્ટ પૂરી થઈ જાય કે એનાલિટિકસ સિસ્ટમ રિઝલ્ટ જનરેટ કરશે, અને એપ્લિકન્ટના મોબાઈલ પર તેનો તરત જ મેસેજ આવી જશે. હાલની સિસ્ટમમાં રિઝલ્ટ પ્રિન્ટ થઈને ન મળે ત્યાં સુધી પરીક્ષા આપનારને તે પાસ થયો છે કે નહીં તે ખબર જ નથી પડતી. કેમેરા બેઝડ ડ્રાઈવિંગ ટેસ્ટ મેથડ હાલ રાજસ્થાન, ચંદીગઢ તેમજ પુણેમાં છેલ્લા ચાર મહિનાથી અમલમાં છે, તેને ગુજરાતની તમામ આરટીઓમાં પણ જલ્દીથી લાગુ કરવામાં આવશે.

(3:40 pm IST)