Gujarati News

Gujarati News

News of Tuesday, 4th December 2018

કુંવરજી બાવળિયાનો ધડાકો, 'મેં જ કોંગ્રેસને અવસર નાકિયાને ટિકિટ આપવા કહ્યું હતું'

જસદણ વિધાનસભા પેટા ચૂંટણીની જાહેરાત થતા જ માહોલ જામ્યો

રાજકોટ, તા.૪: જસદણ વિધાનસભા પેટા ચૂંટણીની જાહેરાત થતા જ માહોલ જામ્યો છે. આ સમયે કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા અને જસદણ વિધાનસભામાં ભાજપના ઉમેદવાર કુંવરજી બાવળીયા ન્યૂઝ ૧૮ ગુજરાતીના કેમેરામાં એવું બોલતા ઝડપાઈ ગયા છે કે મેં જ કહ્યું હતું કે અવસર નાકીયાને ટિકિટ આપજો.

ઉલ્લેખનીય છે કે કુંવરજી બાવળીયાને ખબર ન હતી કે ટીવીનો કેમેરો ચાલું હતો. કોંગ્રેસે બાવળીયા સામે અવસર નાકીયાને ટિકિટ આપી છે.

કુંવરજી બાવળીયાએ કહ્યું હતું કે કોંગ્રેસ સાથે મારી વાતચીત થઈ હતી. મેં જ કહ્યું હતું કે ભોળાભાઈ ગોહિલના બદલે અવસર નાકીયાને ટિકિટ આપજો. જેથી અમારી વધારે કસરત કરવી ના પડે. આ પછી કહે છે કે ભોળાભાઈને ટિકિટ ના મળતા તેમનું મોઢું પડી ગયું હતું અને રડવા જેવા થઈ ગયા હતા. મેં તો તેમને પહેલા પણ કહ્યું હતું કે તમે મારી સાથે આવી જાવ.

આ વિશે કોંગ્રેસના ઉમેદવાર અવસર નાકીયાએ કહ્યું હતું કે તે કયા કોંગ્રેસ નેતાના સંપર્કમા હતા તેનું જાહેર કરે. ભાજપવાળા ખોટુ બોલે છે. આવું કશું જ નથી. તેઓ કોંગ્રેસમાં હતા ત્યારે તેમનું ચાલતું હતું. હવે ચાલે નહીં. ભાજપમાં પણ તેમનું ચાલશે નહીં.

આ બાબતે ભોળાભાઈ ગોહિલે કહ્યું હતું કે અમારી પાર્ટીએ સર્વે કરાયો હતો અને આ પછી જ નાકીયાને ટિકિટ મળી છે. મને સહેજ પણ દુખ નથી. કોને ટિકિટ આપવી કોને નહીં તે તો પાર્ટી નક્કી કરે છે. કુંવરજી ખોટુ બોલી રહ્યા છે.(૨૩.પ)

 

(12:45 pm IST)