Gujarati News

Gujarati News

News of Tuesday, 4th December 2018

અમદાવાદીઓ હવે સોલા સિવિલમાંથી દારૂની પરમીટ મેળવી શકાશે

અમદાવાદીઓ નવા વર્ષે મળશે સેલિબ્રેશન કરવાની તક નશાબંધી વિભાગે સોલા સિવિલને મોકલ્યું અરજદારોનું લિસ્ટ

અમદાવાદ, તા.૪: પાછલા નવ મહિનાથી દારૂની પરમીટ માટે રાહ જોઈ રહેલા અમદાવાદીઓને નવા વર્ષ પર સેલિબ્રેશન કરવાની ખાસ તક મળશે. નશાબંધી વિભાગ દ્વારા સોલા સિવિલ હોસ્પિટલને મેડિકલ સર્ટિફિકેટ દ્વારા દારૂની પરમીટ માગનારા અરજદારોનું લિસ્ટ મોકલાયું છે. અત્યાર સુધી અસારવા ખાતે આવેલી સિવિલ હોસ્પિટલમાં મેડિકલ સુપ્રિડેન્ટેડ દ્વારા સ્વાસ્થ્યના ધોરણે દારૂની પરમીટ અપાતી હતી. હવેથી સોલા સિવિલ સુપ્રીડેન્ટેડ અજેશ દેસાઈ લિકર પરમીટ ઈસ્યું કરશે.

અજેશ દેસાઈએ જણાવ્યું કે, અમને રાજય સરકાર તરફથી મળેલી અરજીઓનો કમિટી બનાવીને નિકાલ કરવા માટેની સૂચના અપાઈ છે. અમે હાલમાં એક કમિટી રચવાની પ્રક્રિયા શરૂ કરી છે જેમાં મારા ઉપરાંત, પ્રાદેશિક ડેપ્યુટી પબ્લિક હેલ્થ ઓફિસર અને સોલા સિવિલ હોસ્પિટલના મેડિસીન વિભાગના હેડ પણ હશે. પાછલા નવ મહિનાથી દારૂની પરમીટના લાઈસન્સ આપવાનું કામ બંધ હોવાથી અમદાવાદીઓ તેમને ગ્રીન સિગ્નલ મળે તેની રાહ જોઈને બેઠા હતા. હવે ફરીથી સમગ્ર પ્રક્રિયા શરૂ ગઈ છે.

સૂત્રો મુજબ, નશાબંધી વિભાગ દ્વારા સોલા સિવિલ હોસ્પિટલને ૧૦૦ જેટલા અરજદારોનું લિસ્ટ મોકલવામાં આવ્યું છે. સૂત્રોએ તેમ પણ જણાવ્યું કે, અમદાવાદ વિસ્તારમાં ૨૪૦૦ જેટલી લીકર પરમીટની અરજીઓ પેન્ડીંગમાં પડી છે, જે સોલા સિવિલ દ્વારા નિકાલ કરવામાં આવશે. સપ્ટેમ્બર ૨૦૧૮માં રાજય સરકાર દ્વારા રજૂ કરાયેલા મુંબઈ વિદેશી દારૂ નિયમો, ૧૯૫૩માં સુધારા મુજબ, રાજયને ૬ ઝોન અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, ભાવનગર, વડોદરા અને સુરતમાં વહેંચવામાં આવ્યું છે. અમદાવાદ, આણંદ, નડીયાદ અને સુરેન્દ્રનગર અમદાવાદ મેડિકલ બોર્ડની નીચે આવશે. આથી અરજદારોને મેડિકલ સર્ટિફિકેટ દ્વારા દારૂની પરમીટ જોઈએ તે સોલા સિવિલમાંથી મળશે.

અસારવાની સિવિલ હોસ્પિટલમાં મહિનામાં એવરેજ ૨૫૦ દારૂની પરમીટ ઈસ્યું કરાય છે. હોસ્પિટલ મંગળવારે અને ગુરુવારે આ પ્રક્રિયા કરે છે. સોલા સિવિલમાં આ પ્રક્રિયા કયા દિવસોમાં થશે તે નક્કી કરવાનું હજું બાકી છે. રાજય સરકારના આ નિર્ણય વિશે લાંબા સમયથી લાઈસન્સ રિન્યૂ કરવાની અરજી પેન્ડીંગમાં પડી હોતી તેવા એક અરજદારે જણાવ્યું કે, આ પ્રોસેસ ફરીથી શરૂ થવી એક સારા સમાચાર છે, કારણ કે લાઈસન્સ વિના અમે દારૂ નહોતા પી શકતા.

(12:10 pm IST)