Gujarati News

Gujarati News

News of Tuesday, 4th December 2018

લોકરક્ષકની પરીક્ષા રદ થવાથી દક્ષિણ સૌરાષ્ટ્રના ઉમેદવારોને રૂ. પાંચ કરોડથી વધુનો આર્થિક ફટકો

જૂનાગઢ એસ.ટી.ને ૩૦ એકસ્ટ્રા બસ દોડાવવી પડીઃ ટિકીટ ભાડું અને રહેવા-જમવાનો ખર્ચ માથે પડયો

 જુનાગઢ તા. ૩: લોકરક્ષકની પરીક્ષા રદ થવાથી દક્ષિણ સૌરાષ્ટ્રના ઉમેદવારોને રૂ. પાંચ કરોડથી વધુનો આર્થિક પડયો હોવાનું અનુમાન છે.

રવિવારે ગુજરાત લોકરક્ષકની ભરતીની પરીક્ષા હતી. પરંતુ પરીક્ષા પહેલા જ પરીક્ષાનું પેપર લીક થઇ જતાં પરીક્ષા રદ કરવામાં આવી હતી. જેના કારણે લાખો ઉમેદવારોમાં નિરાશા વ્યાપી ગઇ હતી અને હોબાળો મચી ગયો હતો.

જૂૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ તેમજ પોરબંદર જિલ્લામાં લોકરક્ષકની પરીક્ષા માટે ૧,૦ર,પપ૦ ઉમેદવારો હતા.

મોટા ભાગના ઉમેદવારો શનિવારની રાત્રે પરીક્ષા કેન્દ્ર પર પહોંચી ગયા હતા. અને બીજા દિવસે એટલે કે, રવિવારે પરીક્ષા શરૂ થાય તે પહેલા પેપર લીક થવાને કારણે લોકરક્ષક પરીક્ષા રદ કરવામાં આવતા ઉમેદવારોનો વિવિધ ખર્ચ એળે ગયો હતો.

ટિકીટ ભાડું, રેવા તેમજ જમવા સહિતના ખર્ચને લઇને દક્ષિણ સૌરાષ્ટ્રના ઉમેદવારોનાં રૂ. પાંચ કરોડથી વધુ ડુબ્યા હોવાનું અનુમાન છે.

આમ આર્થિક ફટકો પડવાની સાથે ફરીથી ઉમેદવારોએ લોકરક્ષકની પરીક્ષાની તૈયારીઓ શરૂ કરવી પડશે.

પેપર લીક થવાથી પરીક્ષા રદ થતાં વાલીઓએ આક્રોસ વ્યકત કર્યો હતો.

જૂનાગઢ જિલ્લામાં ૧૦૮ કેન્દ્રો પર ૩૩૪૩૦ ઉમેદવારો નોંધાયા હતા. પરીક્ષા રદ થવાથી જોશીપુરા કન્યા છાત્રાલયનાં ઉમેદવારોએ સુત્રોચ્ચાર કર્યા હતા. જેનાં પગલે એસ.પી. સૌરભ સિંઘ સ્થળ પર દોડી ગયા હતા. ઉમેદવારોએ તેમને આવેદનપત્ર પાઠવીને રજુઆત કરી હતી.

પરીક્ષા રદ થવાનાં કારણે ઉમેદવારો તેમનાં ઘરે સરળતાથી પહોંચી શકે તે માટે એસ.ટી. નિગમ દ્વારા ૩૦ એકસ્ટ્રા બસ દોડાવવામાં આવી હતી અને ૬૬ ટ્રીપ કરી હતી. જેનાં પરીણામે જૂનાગઢ, અમરેલીએસ.ટી.ને રૂ. પ.પર લાખની આવક થઇ હોવાનું જાણવા મળેલ છે.

(11:40 am IST)