Gujarati News

Gujarati News

News of Tuesday, 4th December 2018

સૈનિક કલ્યાણ માટે યોગદાન આપનારા સામાજિક આદર અને સન્માનને પાત્ર : વડોદરા જિલ્લા કલેકટર શાલિની અગ્રવાલ

યોગદાન આપનારા ૩૭ વ્યક્તિગત અને સંસ્થાકીય દાતાઓનું સન્માન કરાયું

વડોદરા:જિલ્લા કલેકટર શ્રીમતી શાલિની અગ્રવાલે સૈનિક કલ્યાણ ભંડોળ માટે નોંધપાત્ર યોગદાન આપનારા ૩૭ વ્યક્તિગત, સંસ્થાકીય દાતાઓનું સન્માન કરવાની સાથે સશસ્ત્ર દળોના જવાનો માટે તેમની લાગણી અને સંવેદનશીલતાને બિરદાવી હતી. તેમણે જણાવ્યું કે, સૈનિક કલ્યાણ માટે યોગદાન આપનારા સહુ સામાજિક આદર અને સન્માનને પાત્ર છે. સશસ્ત્ર દળો માટેની તેમની કર્તવ્યનિષ્ઠામાંથી સહુ પ્રેરણા લે એવો અનુરોધ તેમણે કર્યો હતો. 

  જીલા કલેકટરના માર્ગદર્શન હેઠળ મળેલી બેઠકમાં સન ૨૦૧૮-૧૯ના વર્ષમાં વડોદરા શહેર-જિલ્લામાંથી લોકો અને સંસ્થાઓના સહયોગથી સૈનિક કલ્યાણ ભંડોળ માટે મહત્તમ યોગદાન એકત્ર કરવાના ઉપાયોનો વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો. જિલ્લા કલેકટરએ જણાવ્યું કે, સન ૨૦૧૭-૧૮માં વડોદરા જિલ્લાને ૨૦ લાખનું ભંડોળ એકત્ર કરવાનું લક્ષ્યાંક આપવામાં આવ્યું હતું. તેની સામે ૨૧ લાખથી વધુ રકમથી લોકોએ ભંડોળ છલકાવ્યું છે. આ વર્ષે પણ શહેર-જિલ્લાના લોકો વધુ પ્રોત્સાહક સહયોગ આપીને, મહત્તમ યોગદાન એકત્ર કરવામાં મદદરૂપ બનશે એવી અપેક્ષા તેમણે વ્યક્ત કરી હતી. 

   તેમણે જણાવ્યું કે, દર વર્ષે ૭મી ડિસેમ્બરના દિવસે સશસ્ત્ર સેના ધ્વજ દિવસ ઉજવાય છે અને દેશની સુરક્ષા કરતી સેના સાથે સમાજના જોડાણનો સેતુ મજબૂત બનાવવા, આ દિવસથી સૈનિક કલ્યાણ ભંડોળ એકત્ર કરવાનો પ્રારંભ કરવામાં આવે છે. આ રકમનો ઉપયોગ યુદ્ધમાં શહિદ થયેલા, અપંગ બનેલા, નિવૃત્ત સૈનિકો, તેમના સંતાનો અને પરિવારો માટે આર્થિક, સામાજિક અને શૈક્ષણિક લાભોની યોજનાઓના સંચાલનમાં થાય છે. સૈનિક કલ્યાણ ભંડોળમાં ફાળો આપીને પણ દેશચાહનાની અભિવ્યક્તિ થઇ શકે છે.

  સમાજ દ્વારા આ રીતે મળતું પીઠબળ સશસ્ત્ર સૈનિકોમાં એક નવા ઉત્સાહનો સંચાર કરે છે અને તેમનું ઋણ ચૂકવવાની સમાજની ભાવના તેમના માટે હદયસ્પર્શી બની રહે છે. તેમણે વડોદરા શહેર-જિલ્લાના લોકો સાતમી ડિસેમ્બરથી સૈનિક કલ્યાણ ભંડોળમાં યથાશક્તિ મહત્તમ યોગદાન આપે એવો ખાસ અનુરોધ કર્યો હતો. 

  જિલ્લા સૈનિક કલ્યાણ અધિકારી વીંગ કમાન્ડર (નિ) અરૂપ રાહાએ સહુને આવકાર્યા હતા અને સન ૨૦૧૭-૧૮ના વર્ષમાં કરવામાં આવેલી સૈનિક કલ્યાણ પ્રવૃત્તિઓની જાણકારી આપી હતી.

(8:08 pm IST)