Gujarati News

Gujarati News

News of Monday, 4th July 2022

મુળ નવસારીના નિવૃત બેન્‍ક અધિકારીનો માનસિક અસ્‍થિરતાને કારણે યુપીમાં ભીખ માંગવાનો વીડિયો સોશ્‍યલ મીડિયામાં વાયરલ

એટાની પોલીસે પરિવારજનોને જાણ કરતા તેમને ઓળખી લીધા

નવસારીઃ યુપીના એટાનીના રોડવેઝ બસ સ્‍ટેન્‍ડની આસપાસ ભીખ માંગતા શખ્‍સનો વીડિયો સોશ્‍યલ મીડિયામાં વાયરલ થતા પોલીસે તપાસ કરતા આ વ્‍યકિત મુળ નવસારીનો વતની હતો અને તે બેન્‍કમાં જનરલ મેનેજર હતો પરંતુ માનસિક અસ્‍થિરતાને લઇ રોડ પર ભીખ માંગતો હતો. પોલીસે નવસારીમાં તેમના પરિવારજનોને જાણ કરતા તેઓ ઓળખી ગયા હતા.

યુપીના એટામા એક શખ્સ કેટલાય દિવસોથી ભીખારીના વેશમાં ફરી રહ્યો હતો. કોઈને તેના વિશે માહિતી ન હતી કે તે કોણ છે અને ક્યાંથી આવ્યો છે. ભીખારીના વેશમાં ફરતો આ શખ્સ હકીકતમાં રૂપિયાવાળો હતો. તેની અસલિયત જ્યારે માલૂમ પડી તો સૌ કોઈ દંગ રહી ગયા હતા. કોઈને પણ તેની હાલત જોઈને વિશ્વાસ થઈ રહ્યો ન હતો. રસ્તાઓ પર ભીખારી બનીને ફરતો આ શખ્સ હકીકતમાં ગુજરાતનો નવસારીનો રહેવાસી નીકળ્યો. જે એક સમયે બેંકમા જનરલ મેનેજરની પોસ્ટ પર હતા. ભીખારી બની ગયેલો શખ્સ રોજ રોડવેઝ બસ સ્ટેન્ડની પાસે ફરતો રહેતો હતો. આ વચ્ચે કોઈએ તેનો વીડિયો બનાવીને વાયરલ કર્યો હતો. રવિવારે વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ચર્ચામાં રહ્યો હતો, જેના બાદ ભીખારીની અસલી હકીકત સામે આવી હતી.

એટામાં ભીખારી બનીને ફરી રહેલા વૃદ્ધની ઓળખ ગુજરાતના નિવૃત્ત બેંક મેનેજર તરીકે થઈ હતી. તેમની માનસિક સ્થિતિ સારી ન હતી. એટાની પોલીસે નવસારીમાં રહેતા તેમના પરિવારજનોને ફોન કરીને આ વિશે માહિતી આપી હતી. તેઓ લાંબા સમયથી એટાના રોડવેઝ બસ સ્ટેન્ડની આસપાસ ભીખ માંગીને પેટ ભરતા હતા. રવિવારે વીડિયો વાયરલ થતા ગુજરાતમા રહેતા તેમના પરિવારજનોએ તેમને ઓળખી લીધા હતા.

તપાસમા માલૂમ પડ્યુ કે, વૃદ્ધ નવસારીના ચીખલીના રાનવેરી ગામના નિવાસી છે. તેમનુ નામ દિનેશ કુમાર ઉર્ફે દીનુભાઈ પટેલ છે, જેઓ એપ્રિલ મહિનાથી ઘરમાંથી ગાયબ હતા. તેમની મીસિંગ રિપોર્ટ ચીખલી પોલીસ સ્ટેશનમાં આપવામાં આવી હતી. જોકે, તેઓ ગુજરાતથી એટા કેવી રીતે પહોંચ્યા તે કોઈને ખબર નથી.

દિનેશ કુમાર પોતાની માનસિક સ્થિતિ ગુમાવી ચૂક્યા છે. જેથી તેઓ ઘરમાંથી નીકળી ગયા હતા. એટાની પોલીસે આ વિશે નવસારીમા વસતા તેમના પરિવારજનોને માહિતી આપી હતી. જેથી તેમના પરિવારજનો દિનેશભાઈને લેવા માટે ત્યાં જવા નીકળી ગયા હતા. દિનેશ કુમાર હકીકતમાં એક બેંકમાં જનરલ મેનેજર પદથી 2009 માં રિટાયર્ડ થયા હતા.

સારી બાબત તો એ છે કે, આ કિસ્સામાં સોશિયલ મીડિયાનો પોઝિટિવ ઉપયોગ સામે આવ્યો છે. સોશિયલ મીડિયાનો જો યોગ્ય ઉપયોગ કરવામા આવે તો તેનાથી જીવન સરળ બનાવી શકાય છે.

(5:19 pm IST)