Gujarati News

Gujarati News

News of Wednesday, 4th July 2018

મોદીજી સાથેની બે મુલાકાતથી કુંવરજીભાઈ ભાજપમાં ખેંચાયા !

પાંચ માસ પહેલા એક અધિકારીની હાજરીમાં અને બીજીવાર મુખ્યમંત્રી રૂપાણીની સાથે વડાપ્રધાનને મળ્યા અને ભાજપના ગુરૂત્વાકર્ષણનો નિયમ લાગુ પડયોઃ એક તરફ નરેન્દ્રભાઈ અને રૂપાણીનો 'આદરભાવ', સમાજ અને વિસ્તારના કામો થવાનો ફાયદો હતો બીજી તરફ સફળતા છતા કોંગ્રેસમાં 'અવગણના' થતા થયો નિર્ણય

રાજકોટ, તા. ૪ :. ગાંધીનગર ખાતેના ગઈકાલે ભજવાયેલા રાજકીય એપીસોડના મૂળમાં છેલ્લા પાંચ માસ દરમિયાન બનેલી ઘટનાઓ હતી. કોંગ્રેસમાં કુંવરજીભાઈનો દમ ઘુંટાતો હતો. અવગણના, સાઈડલાઈનના પ્રયાસો, અંધકારમય રાજકીય ભવિષ્યની લાગણી-ચિંતા હતી તો બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્રરભાઈ મોદીએ દર્શાવેલી લાગણી, માન સન્માન અને મીઠી વાતોથી બાવળિયા ખેંચાયા અને જેનુ પરિણામ ગઈકાલે ગુજરાતવાસીઓ અને દેશવાસીઓએ નિહાળ્યું. પાંચ માસ પહેલા વડાપ્રધાન સાથેની 'ચાય પે ચર્ચા' બાદ સૌરાષ્ટ્રના દિગ્ગજ નેતા ભાજપ તરફ ઢળ્યા હતા.

છેલ્લા એક માસ દરમ્યાન કુંવરજીભાઈ બાવળીયાની રાજકીય ગતિવિધિઓ બાદ અંતે ગઈકાલે સવારે ૧૦.૩૦ કલાકે કોંગ્રેસને તિલાંજલી, ૧૧ વાગ્યે ભાજપ પ્રવેશ, બપોરે ધારાસભ્ય પદેથી રાજીનામુ અને તાબડતોબ કેબીનેટ મંત્રી પદનો શિરપાયની ઘટના પાછળ છેલ્લા પાંચ માસ દરમિયાન સર્જાયેલી ઘટનાઓએ જ મુખ્ય ભાગ ભજવ્યાનું બહાર આવ્યું છે.

કુંવરજીભાઈના નજીકના વર્તુળોમાંથી સત્તાવાર રીતે જાણવા મળતી વિગતો મુજબ છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસના સીનીયર નેતા, કોળી સમાજના રાષ્ટ્રીય પ્રમુખ, પૂર્વ સાંસદ, પાંચ-પાંચ વખતના ધારાસભ્ય કોંગ્રેસમાં અનેકવિધ કારણોસર ગુંગણામણ અનુભવતા હતા. સતત રાજકીય સફળતા છતા પાર્ટીમાં અવગણના, સાઈડલાઈન થઈ જવાની ભીતી, સમાજ, સાથી કાર્યકર આગેવાનોના કામ થતા ન હોય, મત વિસ્તારનો કોઈ ફાયદો અપાવી શકતા ન હોય તથા ધીમે ધીમે ચારથી પાંચ વર્ષમાં પક્ષમાંથી સાવ સાઈડલાઈન થઈ જવાની પાક્કી ખાત્રીથી કુંવરજીભાઈ બાવળીયા રાજકીય રીતે હચમચી ગયા હતા.

એક તરફ વારંવારની રજુઆતો, માંગણીઓ, હાઈકમાન્ડનું સતત ધ્યાન દોરવા જતા પરિણામ શૂન્યથી કુંવરજીભાઈ બાવળીયાનું મન કોંગ્રેસ પાર્ટીમાંથી ખાટુ થઈ રહ્યુ હતુ તે ટાંકણે જ પાંચ મહિના પહેલા દિલ્હીમાં એક ઓચિંતી અને અનૌપચારીક મીટીંગ દરમ્યાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કુંવરજીભાઈ માટે દર્શાવેલ માન-લાગણી અને ચિંતાથી કુંવરજીભાઈનું રાજકીય મન વિચલીત થયુ હતુ અને ગઈકાલની આખી ઘટનાનો પાયો નંખાયો હતો.

એવું ચર્ચાય છે કે પાંચ માસ પહેલા કોઈ કામ સબબ બાવળીયા તેમના એક અંગત મિત્ર એવા આઈ.એ.એસ. અધિકારીને મળવા દિલ્હી ગયા હતા ત્યારે સાંજના સમયે તેમની ઓચિંતી મીટીંગ વડાપ્રધાન મોદીજી સાથે થઈ ગઈ અને ચા પીતા પીતા જ નરેન્દ્રભાઈની કુંવરજીભાઈ બાવળીયા માટેની માન્યતા, સમાજની ચિંતા, લાગણી, માન કુંવરજીભાઈના રાજકીય હૃદયને અસર કરી ગઈ.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ હળવી શૈલીમાં જ એવું કહી દીધુ કે કુંવરજીભાઈ તમારા માટે મને ખૂબ જ આદરભાવ અને માન છે. તમારી જેવી વ્યકિત જો અમારી ટીમમાં હોય તો ઘણા સારા કામ કરી શકીએ.

કુંવરજીભાઈ બાવળીયાએ પણ વિચાર્યુ કે સમાજની રાષ્ટ્રીય જવાબદારી પોતાના શિરે છે ત્યારે જ્યાં છું ત્યાં મારી અવગણના થાય છે અને બીજી તરફ સમાજ, સાથી કાર્યકરો અને આગેવાનો, મત વિસ્તાર માટે સોલીડ કામ કરવાની તક મળે છે. રાજકીય મહત્વકાંક્ષા, રાજકીય કારકિર્દી અને કામ કરી શકવાના અવકાશને લઈને બાવળીયા પણ નરેન્દ્રભાઈના જાજરમાન અને ગુરૂત્વાકર્ષણયુકત વ્યકિતત્વમાં ખેંચાયા હતા પરંતુ વધુ કોઈ ચોક્કસ વાત ખીલે બંધાઈ ન હતી.

બાદમાં કોંગ્રેસમાં અનેકવિધ ઘટનાઓ બનતી રહી, પ્રદેશ પ્રમુખ પદ, વિપક્ષી નેતા પદ, જાહેર હિસાબ સમિતિ, સૌરાષ્ટ્રની જુથબંધી, ચાર કે પાંચ વર્ષ પછી પોતે પાર્ટીમાંથી ધીમે ધીમે સાવ સાઈડ લાઈન થઈ જવાની ભીતીની વચ્ચે કુંવરજીભાઈ બાવળીયા રાજકીય અનિશ્ચિતતાઓથી મુંઝાતા રહ્યા અને અંતે દોઢેક માસ પહેલા તેઓ દિલ્હીમાં હતા ત્યારે બીજી એક મુલાકાત ગોઠવાઈ.

એવુ બન્યાનું મનાય છે કે ધારાસભ્ય કુંવરજીભાઈ બાવળીયા તબીબ કુટુંબીજનના રૂટીન કામને અનુલક્ષીને દિલ્હીમાં હતા (કે પછી નિર્ધારીત મીટીંગ હોય) તે ટાંકણે જ મુખ્યમંત્રી કાર્યાલયમાંથી મેસેજ મળ્યો અને પૂછાયું કે 'બાવળીયા સાહેબ આપ દિલ્હીમાં છો ?' ઉત્તર હા માં અપાયો અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની હાજરીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાથે વધુ એક મીટીંગ ગોઠવાઈ.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ગાંધીનગરથી ખાસ દિલ્હી પહોંચ્યા કે પછી તેમની દિલ્હીની મુલાકાત ટાંકણે જ બેઠક ગોઠવાઈ હતી જે થયુ હશે એ.. પણ મુખ્યમંત્રીની હાજરીમાં જ કુંવરજીભાઈ બાવળીયા અને મોદીજીની મીટીંગ ગોઠવાઈ.

આ મીટીંગમાં પણ નરેન્દ્રભાઈ મોદીએ કહ્યુ કે કુંવરજીભાઈ મારા જેવું કાંઈ પણ કામકાજ કહેજો, મારી ઈચ્છા છે કે આપ ભાજપની ટીમમાં સામેલ થઈને કામ કરો. થોડી સારા વાતાવરણમાં ચર્ચા થઈ પોતે વિના સ્વાર્થે ભાજપમાં જવા નક્કી કર્યુ. સમાજની રાષ્ટ્રીય અધ્યક્ષની જવાબદારી હોય દેશભરમાં સમાજ માટે ઉમદા કામગીરી કરી શકવાની તક મળતી હતી જેથી વડાપ્રધાન સાથે સારી બાબતોની વિસ્તૃત ચર્ચા થઈ.

એમ કહેવાય છે કે બાદમાં રાજકોટના જ બે એવા મિત્રો છે જે ભાજપમાં કાર્યરત છે તેમની સાથે ચર્ચા-વિચારણાને અંતે થોડા દિવસ પહેલા જ ભાજપની ટોચની પ્રદેશ નેતાગીરી સાથે પણ ખુલ્લા મને ચર્ચા કરાઈ અને અંતે ગઈકાલે ૧૦.૩૦ વાગ્યે કોંગ્રેસ છોડી, ૧૧ વાગ્યે ભાજપ પ્રવેશ, ધારાસભ્ય પદેથી રાજીનામુ અને સાંજે કેબીનેટમાં સામેલ.(૨-૧)

(11:40 am IST)