Gujarati News

Gujarati News

News of Wednesday, 4th July 2018

BMW હિટ એન્ડ રન : રાહુલ, શિવમના પરિવારે વિસ્મય સાથે કરી લીધું સમાધાન

બંને પક્ષકારો વચ્ચે સમાધાન થઇ જતા આ કેસ રાજ્ય સરકાર વિ. વિસ્મય શાહનો કેસ બની ગયો છે

અમદાવાદ તા. ૪ : ચાર વર્ષ પહેલા ૨૦૧૩માં શહેરના માનસી સર્કલ જેવા પોશ વિસ્તારમાં સર્જાયેલ BMW હિટ એન્ડ રન અકસ્માતના ચકચારી કેસમાં આપરાધી વિસ્મય શાહ અને બે ભોગ બનનાર યુવાનોના પરિવારે સમાધાન કરી લીધું છે. શહેરમાં બહુચર્ચિત આ કેસમાં લાંબી કાયદાકીય લડત અને ત્યારબાદ અપરાધી વિસ્મય શાહને કોર્ટ દ્વાર પાંચ વર્ષની જેલની સજા સંભળાવ્યા બાદ હવે બંને પરિવારે વળતરના બદલામાં સમાધાન સ્વીકારી લીધું છે.

બંને પક્ષકારો વચ્ચે સમાધાન થઈ જતા હવે આ કેસ રાજય સરકાર વિ. વિસ્મય શાહનો કેસ બની ગયો છે. જયારે બંને પક્ષકારો વચ્ચે થયેલ એફિડેવિટ કહે છે કે વિસ્મય શાહ અને અકસ્માતમાં માર્યા ગયેલા બે યુવાનો શિવમ દવે(૨૫) અને રાહુલ પટેલ(૨૧)ના પિતાઓ વચ્ચે સમધાનની માટેની એફિડેવિટ આ વર્ષની શરુઆતમાં હાઈકોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવી હતી. હાઈકોર્ટ હાલ વિસ્મય દ્વારા પોતાને ટ્રાયલ કોર્ટ દ્વારા ૨૦૧૫માં મળેલી પાંચ વર્ષની જેલની સજાના વિરુદ્ઘમાં કરવામાં આવેલ અરજી પણ સુનાવણી કરી રહી છે.

સમાધાનની શરતો મુજબ ભોગ બનનાર પરિવારના કોઈપણ સભ્ય વિસ્મય શાહ વિરુદ્ઘો કોઈ કાયદાકીય કાર્યવાહીમાં ભાગ નહીં લે. જોકે હાઈકોર્ટે આ સમાધાનની ફોર્મ્યુલા પર પોતાનું મંતવ્ય સુરક્ષિત રાખી દીધું છે અને કહ્યું છે કે જયારે કેસનો અંતિમ ચુકાદો આપશે ત્યારે આ અંગે પણ પોતાનો દ્રષ્ટીકોણ રજૂ કરશે.

આગમી બુધવારે ગુજરાત હાઈકોર્ટ આ કેસમાં વધુ સુનાવણી કરી શકે છે. જયારે વિસ્મય હાલ જામીન પર છે. હાઈકોર્ટમાં પીડિત પરિવારો તરફથી રજૂ થયેલ તેમના વકીલ જીત ભટ્ટે કહ્યું કે, 'આ કિસ્સામાં વળતર એક જ માત્ર પીડિત પરિવારો માટે સૌથી સારો ઓપ્શન કેમ કે તેમને પણ ખબર છે કે કેસમાં જે પરિણામ આવે તેમના પુત્રો હવે પરત ફરવાના નથી.'

ફેબ્રુઆરી ૨૦૧૩ના રોજ શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલ માનસી સર્કલ પાસેના પોશ વિસ્તારમાં વિસ્મય શાહે ૧૧૨ કિમીની ઝડપે BMW ચલાવતા બાઈક સવાર બે યુવાનો શિવમ અને રાહુલને હડફેટે લીધા હતા જેમાં બંને યુવાનોનું મોત નિપજયું હતું. (૨૧.૩)

(11:41 am IST)