Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd September 2019

જાણીતી બ્રાન્ડ હેવમોરે 75 વર્ષ બાદ નામ બદલ્યું :હેવમોર રેસ્ટોરન્ટનું નામ બદલી ' હોકકો'કરી નાખ્યું

હોકકો હેઠળ ગુજરાત સહીત ત્રણ રાજ્યોમાં 100 કરોડનું રોકાણ કરીને 60થી વધુ નવી રેસ્ટોરન્ટ અને ઇટરી શરૂ કરશે

અમદાવાદ : જાણીતી બ્રાન્ડ હેવમોર પોતાની ઇમેજ મેકઓવર કરવા માટે 75 વર્ષ બાદ પોતાની બ્રાન્ડનું નામ બદલ્યું છે. હેવમોર રેસ્ટોરન્ટનું નામ બદલીને 'હોક્કો' કર્યું છે. HRPL રેસ્ટોરન્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ હવે નવા બ્રાન્ડ નામ હોક્કો હેઠળ ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશ એમ ત્રણ રાજ્યમાં આગામી સમયમાં ત્રણ વર્ષમાં 100 કરોડનું રોકાણ કરીને 60થી વધુ નવી રેસ્ટોરન્ટ અને ઈટરી શરૂ કરશે.

હેવમોર પોતાના આઇસક્રીમ માટે ખુબ પ્રચલિત રહી છે, જેને બે વર્ષ અગાઉ દક્ષિણ કોરિયાની લોટ્ટે કંપનીને વેચી દીધી હતી. હેવમોર કંપની ચોના પરિવાર ચલાવે છે. આઇસક્રીમ બિઝનેસના વેચાણ બાદ HRPLએ રેસ્ટોરન્ટ બિઝનેસ પર પોતાનું સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું.

અમદાવાદ ખાતે કંપનીના ચેરમેન પ્રદીપ ચોનાએ જણાવ્યું  હતું કે, હેવમોરની બ્રાન્ડ તરીકે લોકોમાં એક આગવી ઓળખ છે, પરંતુ આ સમય પ્રમાણે તેને મેકઓવર કરવું વધારે યોગ્ય લાગ્યું અને જેથી અમે નવું નામ આપવાનો નિર્ણય કર્યો હતો. અમને આશા છે કે, લોકો અમને આ નવા નામ સાથે પણ સ્વીકારશે.

વધુમાં તેમણે કહ્યું હતું કે, બ્રાન્ડનું મેક ઓવર કરવાની સાથે રેસ્ટોરન્ટનો પણ મેક ઓવર થશે. હાલમાં હેવમોરની રાજસ્થાન અને ગુજરાતમાં કુલ 40 હેવમોર ઈટરી અને 12 રેસ્ટોરન્ટ કાર્યરત છે. આ તમામનું ઈન્ટિરયર બદલવામાં આવશે. માર્ચ 2020 સુધીમાં આ તમામ રેસ્ટોરન્ટ્સ હોક્કો બ્રાંડમાં બદલાઈ જશે.

(10:20 pm IST)