Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd September 2019

રેસિડન્ટ મહિલા ડોક્ટર પણ કોંગો ફિવર સકંજામાં આવ્યા

જામનગરમાં કોંગો ફિવરનો પ્રથમ કેસ સપાટીએ : તબીબનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રમાં ભારે ભાગદોડ અસરગ્રસ્ત ડોક્ટર હાલ મેડિકલના ત્રીજા વર્ષમાં ભણે છે

અમદાવાદ, તા.૩ :  કોંગો ફિવરે રાજ્યભરમાં હાહાકાર મચાવ્યો છે. અત્યાર સુધીમાં કોંગો ફિવરને લઇ ચારથી વધુ લોકોના મોત થયા છે. જયારે તાજેતરમાં હળવદના ૧૧ મજૂરમાં કોંગો ફિવરની અસર જોવા મળી હતી. પરંતુ તમામના રિપોર્ટ નેગેટીવ આવતા હોસ્પિટલ દ્વારા સારવાર બાદ રજા આપી દેવામાં આવી હતી. ત્યારે ચાલુ વર્ષે જામનગરમાં કોંગો ફિવરનો પ્રથમ કેસ સામે આવતાં સ્થાનિક આરોગ્ય વિભાગ અને તંત્ર દોડતુ થઇ ગયું છે. જામનગરની જી.જી. હોસ્પિટલમાં રેસિડન્ટ મહિલા તબીબને કોંગો ફિવર પોઝિટીવ આવતા હોસ્પિટલ તંત્રમાં દોડધામ મચી ગઇ છે. 

      આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, આ મહિલા તબીબ મેડિકલના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરે છે અને તેની ઉંમર ૨૭ વર્ષ છે. હાલ તેની તબિયત સુધારા પર છે. જો કે, તેને સતત સઘન સારવાર અને ઓર્બ્ઝર્વશન હેઠળ રાખવામાં આવી છે. બીજીબાજુ, જામનગરમાં કોંગો ફિવરનો પ્રથમ કેસ સામે આવતાં સ્થાનિક આરોગ્ય વિભાગ અને તંત્ર દોડતુ થઇ ગયું છે. કોંગો ફિવરનો ફેલાવો વકરે નહી તે માટે જરૂરી આરોગ્ય વિષયક પગલાં અને સારવાર માટે તંત્ર દ્વારા તાત્કાલિક અસરકારક પગલાં લેવાનું શરૂ કરાયું છે. જો કે, જામનગરમાં કોંગો ફિવરનો સૌપ્રથમ કેસ સામે આવતાં સમગ્ર પંથકમાં પણ સહેજ થોડી ફફડાટની લાગણી ફેલાઇ હતી. સ્થાનિક આરોગ્ય વિભાગ અને તંત્રના અધિકારીઓ દ્વારા કોંગો ફિવરને લઇ તેમ જ તેને નાથવાના ભાગરૂપે જનજાગૃતિ ફેલાવવાની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે.

(9:57 pm IST)