Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd September 2019

અંબાજીમાં ભાદરવી પૂનમના સાત દિવસીય મેળામાં 8મી થી થશે વિધિવત પ્રારંભ: ગંદકી ન થવા માટે કલેકટરે ગ્રામ પંચાયતને નોટિસ ફટકારી

અંબાજી:પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પુનમના સાત દિવસીય મહામેળાનો તા.8 મી સપ્ટેમ્બરથી વિધિવત પ્રારંભ થવાનો છે. ત્યારે આ મિનિકુંભમાં આવતા લાખો માઇભક્તોને વિવિધ સુવિધારો ઉપલબ્ધ બનાવવા માટે તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. જેમાં માં ના ધામ સ્વચ્છતા હેતું જિલ્લા કલેકટર દ્વારા સરપ્રાઇઝ ચેકીંગ કરવામાં આવ્યું હતું. જેમાં અંબાજીમાં ઠેર ઠેર ગંદકીના ઢગલા જોવા મળતા ગ્રામ પંચાયતને નોટિસ ફટકારવામાં આવી છે.

બનાસકાંઠા કલેકટર અને અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન સંદીપ સાગંલેએ જગ વિખ્યાત ભાદરવી પુનમના મહામેળાને રંગે ચગે યોજવા માટે જરૃરી વ્યવસ્થાઓ ગોઠવવામાં અવાી રહી છે. અને અધિકારીઓને જરૃરી સૂચના અને માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. જોકે અંબાજી ખાતે સ્વચ્છતા કેવી રીતે જાળવવામાં આવે તે માટે કલેકટરે અચાનક જ અંબાજીની સરપ્રાઇઝ વિઝિટ લીધી હતી અને 8 નંબર સહિત વિવિધ વિસ્તારોમાં પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. જેમાં ઠેર ઠેર ગંદકી, કચરાના ઢગ, ઉભરાયેલી તેમજ ચોકઅપ થયેલી ગટરો અને રસ્તા પર ભરાયેલા ગંદા પાણી અને ખુલ્લામાં રખડતા પશુઓ જોવા મળતા કલેકટરે સ્વચ્છતા બાબતે સખત નારાજગી વ્યક્ત કરી અને તાત્કાલિક અધિકારીઓ ની બેઠક બોલાવીને સ્છચ્છતા માટે રાઉન્ડ ધ કલોક ફરજ સોંપવામાં આવી હતી. અને ગંદકી ફેલાવતા લોકો સામે સત્વરે કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી. અને ગંદકી મામલે ડિવીઝન મેજીસ્ટ્રેટ દાંતા દ્વારા અંબાજી ગ્રામ પંચાયતના સરપંચ અને સેક્રેટરીને સીઆરપીસી કલમ-૧૩૩ અન્વયે નોટિસ ફટકારી હતી. અને ગંદકી બાબતે કારણો દર્શાવવા માટે તા.3-9-2019ના રોજ 11.00 કલાકે તેમની કોર્ટમાં હાજર રહેવા તાકીદ કરાઇ હતી.

(5:36 pm IST)