Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd September 2019

૮મી સપ્ટેમ્બરથી અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળોઃ નાના-મોટા સંઘોનું દર્શનાર્થે આગમનઃ ટ્રસ્ટ દ્વારા તડામાર તૈયારી

બનાસકાંઠા :અંબાજી ખાતે ભરાતા ભાદરવી પૂનમનો મેળો આગામી 8 સપ્ટેમ્બરથી પ્રારંભ થનાર છે. ત્યારે અંબાજીમાં નાના-મોટા સંઘો દર્શનાર્થે પહોંચવા લાગ્યા છે. સમગ્ર મંદિર પરિસર બોલ મારી અંબે જય જય અંબેના નાદથી ગુંજ્યા લાગ્યા છે. ભાદરવી પૂનમનો મેળો 8 સપ્ટેમ્બરથી સાત દિવસ માટે ભરાનાર છે મેળામાં 25 લાખ થી 30 લાખ શ્રદ્ધાળુઓ અંબાજીમાં ઉમટી પડશે, જેને લઇ અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ સહિત જિલ્લા વહીવટીતંત્ર તડામાર તૈયારીઓમાં લાગી ગયું છે.

અંબાજી મંદિર ટ્રસ્ટના વહીવટદાર અને ડેપ્યુટી કલેક્ટર એસ.જે. ચાવડાએ જણાવ્યું કે, અંબાજી આવતા યાત્રિકોને કોઈ તકલીફ પડે સંપૂર્ણપણે વ્યવસ્થા મળી રહે તેવી તૈયારી તંત્ર કરી રહ્યું છે. હાલમાં વરસાદી સીઝન હોવાથી યાત્રિકોને રોકાણ માટે આરામ કરવા માટે 30 જેટલા વોટર પ્રુફ સમીયાણા, આરોગ્યલક્ષી સેવા, પાણીની વ્યવસ્થા યાત્રિકોને દર્શન માટે લાઈન માટેની વ્યવસ્થા સાથે સ્વચ્છતા માટે વહીવટીતંત્ર પગલાં ભરી રહ્યું છે. અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા અંબાજી વિસ્તારમાં ત્રણ જગ્યાએ વિનામુલ્ય ભોજન બંન્ને ટાઇમ મળી રહે તેવી પણ વ્યવસ્થા કરી છે.

આમ તો, રસ્તામાં સેવા કેમ્પમાં પદયાત્રીઓને નિશુલ્ક ભોજન મળી જતુ હોય છે. પણ અંબાજી પહોંચ્યા બાદ આવા કોઈ સેવા કેમ્પ હોતા નથી, જેને લઈ અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા અંબાજી વિસ્તારમાં ત્રણ જગ્યાએ વિનામૂલ્યે ભોજન મળી રહે તેવી વ્યવસ્થા કરાઈ છે. મેળાના સાત દિવસ અને બંન્ને ટાઇમ શ્રદ્ધાળુઓને ભરપેટ ભોજન મળી રહેશે.

માત્ર ભોજન નહિ, ખાસ કરીને અંબાજી મંદિર ઝેડ કેટેગરીની સુરક્ષા ધરાવતું યાત્રાધામ છે, જ્યાં લાખોની સંખ્યામાં યાત્રિકોની અવરજવર થતી હોય છે. આવામાં શ્રદ્ધાળુઓની સુરક્ષાને ધ્યાનમાં લઇ સુરક્ષાની પૂરતી તૈયારીઓ કરી લેવાઈ છે. 130 જેટલા શહેર તથા હાઇવે માર્ગ ઉપર સીસીટીવી કેમેરા લગાવાયા છે.

(5:06 pm IST)