Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd September 2019

દરેક સમાજની વચ્ચે રહીને રાષ્ટ્રહિતની ખેવના ખોડલધામ ટ્રસ્ટે હંમેશા કરી છે.: નરેશભાઇ પટેલ

સુરતમાં ખોડલધામ કાર્યાલયનું ઉદ્ધાટનઃ ભરૂચમાં ખોડલધામ સમિતિ દ્વારા યોજાયો લાપસી મહોત્સવ

રાજકોટઃદક્ષિણ ગુજરાતમાં જયારે ભવ્ય શ્રી ખોડલધામ મંદિરનું નિર્માણ થવા જઈ રહ્યું છે ત્યારે દક્ષિણ ગુજરાતમાં ખોડલધામ ટ્રસ્ટની વિવિધ સામાજિક અને આધ્યાત્મિક પ્રવૃતિઓને વેગ મળે તે માટે સુરતના સરથાણા વિસ્તારમાં ખોડલધામના કાર્યાલયનો શુભારંભ કરાયો છે.  ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેનશ્રી નરેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં સુરતના સરથાણા જકાતનાકા વિસ્તારમાં ખોડલધામના કાર્યાલયનું ઉદ્દ્યાટન કરાયું. સાથે જ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું હતુ. ઉપરાંત નરેશભાઈ પટેલની રકતતુલા અને મા ખોડલની મહાઆરતી કરવામાં આવી હતી. શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડની સ્થાપના બાદ સૌરાષ્ટ્રના કાગવડ ગામે ભવ્ય ખોડલધામ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. મંદિરના નિર્માણ થકી શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ તમામ સમાજ માટે આધ્યાત્મિક અને સામાજિક પ્રવૃતિઓ કરી રહ્યું છે. ત્યારે દક્ષિણ ગુજરાતમાં પણ લેઉવા પટેલ સમાજના શ્રદ્ઘાના સમન્વયથી મજબૂત સંગઠન બને અને લેઉવા પટેલ સમાજના આ સંગઠન વડે દરેક સમાજનો વિકાસ થાય તે માટે સુરતમાં ખોડલધામના માધ્યમથી આગામી દિવસોમાં વિવિધ પ્રવૃતિઓ થઈ શકે તે માટે ખોડલધામ કાર્યાલયનો પ્રારંભ કરાયો છે. આ ખોડલધામના કાર્યાલયમાં મુખ્ય વિભાગોમાં પુસ્તકાલય, યુવા સમિતિ, સમાધાન પંચ, મહિલા સમિતિ, શિક્ષણ સમિતિ, વિદ્યાર્થી સમિતિ, મહિલા સશકિતકરણ સમિતિ, મહિલા સ્વાવલંબન વિભાગ, મેરેજ બ્યુરો, યુવા સ્વાવલંબન સહિતના વિભાગો બનાવાયા છે જેનો સમાજના લોકો લાભ લઈ શકશે. નરેશભાઈ પટેલની ૧૮૩મી રકતતુલા કરીને સન્માન કરાયું હતું.  ઉપરાંત કાર્યક્રમના અંતે મા ખોડલની મહાઆરતી કરીને લાપસીના પ્રસાદનું પણ આયોજન કરાયું હતું.સુરત કાર્યાલયના ઉધ્દ્યાટન પ્રસંગે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેનશ્રી નરેશભાઈ પટેલે જણાવ્યું હતું કે  ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ જે પ્રકલ્પોથી આગળ વધી રહ્યું છે તે જ હેતુથી સુરત ખોડલધામ સમિતિએ આગળ વધવાનો જે પ્રયાસ શરૂ કર્યો છે તે બદલ સુરત ખોડલધામ સમિતિને અભિનંદન પાઠવું છું. નરેશભાઈ પટેલે વધુમાં જણાવતા કહ્યું કે, બધાના સાથ સહકારથી અને એક અવાજથી સુરત ખોડલધામ સમિતિ અને ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા સુરતમાં ખોડલધામનું મંદિર બનાવવાની જાહેરાત થઈ છે ત્યારે તે દિશામાં આ પ્રથમ પગલું ભરવામાં આવ્યું છે અને મા ખોડલને પ્રાર્થના કરું કે આપણા જે પ્રકલ્પો છે તે ઝડપથી પૂર્ણ થાય. કાર્યલયનાં શુભારંભ પ્રસંગે પાટીદાર સમાજનાં શ્રેષ્ઠીશ્રીઓ, મોભીઓ, ઉદ્યોગપતિઓ, વિવિધ સંસ્થાનાં હોદ્દેદારો, ટ્રસ્ટીશ્રીઓ, વિદ્યાર્થીઓ અને ખોડલધામ સુરતની તમામ સમિતિના સભ્યો સાથે સમાજનાં તમામ વર્ગના ભાઈઓ-બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.સુરતની સાથો સાથ ભરૂચમાં ખોડલધામ યુવા સમિતિ દ્વારા મા ખોડલનો લાપસી મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો. આ લાપસી મહોત્સવમાં શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેનશ્રી નરેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી મા ખોડલની મહાઆરતી કરી લાપસી મહોત્સવનો લ્હાવો લીધો હતો. નિલકંઠેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં શ્રી ખોડલધામ યુવા સમિતિ ભરૂચ દ્વારા મા ખોડલની મહાઆરતી અને ભવ્ય લાપસી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. લાપસી મહોત્સવમાં ભરૂચ જિલ્લા ખોડલધામ સમિતિ, ખોડલધામ મહિલા સમિતિ અંકલેશ્વર તથા ઝદ્યડીયા, અંકલેશ્વર, વાગરા, જંબુસર, આમોદ તાલુકાની ખોડલધામ સમિતિના સભ્યો અને સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને મા ખોડલની મહાઆરતી કરીને લાપસીનો પ્રસાદ લીધો હતો.લાપસી મહોત્સવમાં હાજર રહેલા નરેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, શ્રી ખોડલધામ ટ્રસ્ટની સ્થાપનાથી જ આપણે મજબૂત સંગઠન બને અને રાષ્ટ્રની સેવામાં સમાજ જોડાય તેવા હેતુથી કામ ચાલુ કર્યું છે. દરેક સમાજની વચ્ચે રહીને રાષ્ટ્રનું હિત કેમ થાય તેની ચિંતા ખોડલધામ ટ્રસ્ટે હંમેશા કરી છે અને ખોડલધામ ટ્રસ્ટ આવનારી પેઢીઓને ખૂબ જ ઉપયોગી થવાનું છે.

(3:39 pm IST)