Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd September 2019

ગુજરાત : મતદાર ચકાસણી કાર્યક્રમનો શુભારંભ કરાયો

મતદારો મોબાઇલ એપથી સુધારા કરી શકશે : મતદાર ચકાસણી કાર્યક્રમ ૧૫મી ઓક્ટોબર સુધી ચાલશે

અમદાવાદ,તા.૨ : ગુજરાતમાં મતદાર ચકાસણી કાર્યક્રમની વિધિવતરીતે શરૂઆત થઇ ચુકી છે. આ કાર્યક્રમ હવે ૧૫મી ઓક્ટોબર સુધી ચાલશે. મતદારો પોતાના મતદાર ઓળખકાર્ડની વિગતોની મોબાઇલ એપના માધ્યમથી ચકાસણી અને સુધારા કરી શકશે. મુખ્ય નિર્વાચન અધિકારી, ગુજરાત રાજય અને જિલ્લા ચૂંટણી અધિકારી, ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે ગઇકાલે રાજય કક્ષાના મતદાર ચકાસણી કાર્યક્રમનો શુભારંભ મુખ્ય નિર્વાચન અધિકારી ર્ડા. એસ.મુરલીકિષ્ણાના હસ્તે ગાંધીનગર ખાતેથી કરવામાં આવ્યો હતો. ૧લી સપ્ટેમ્બર-૨૦૧૯થી આરંભ થયેલ મતદાર ચકાસણી કાર્યક્રમ તા. ૧૫મી ઓકટોબર, ૨૦૧૯ સુઘી રાજયભરમાં ચાલશે. આ પ્રસંગે રાજયના મુખ્ય નિર્વાચન અધિકારી ર્ડા. એસ. મુરલીકિષ્ણાએ જણાવ્યું હતું કે, અત્યાર સુઘી મતદાર યાદીમાં નામ, સરનામા અને અન્ય સુઘારા કરવા માટે કેમ્પોનું આયોજન કરવામાં આવતું હતું.

    તેમજ બી.એલ.ઓ કે મામલતદાર કચેરી ખાતે વિવિઘ ફોર્મ ભરીને આ સુઘારા કરવામાં આવતાં હતા. જેના પરિણામે મતદાર કાર્ડમાં કોઇ પણ કારણોસર અનેક મતદાર કાર્ડમાં નાની મોટી ક્ષતિ રહી જતી હતી. હવે, ડિજીટલ યુગમાં ભારતીય ચૂંટણી પંચ દ્વારા વોટર હેલ્પલાઇન મોબાઇલ એપ તથા એનવીએસપી પોર્ટલ દ્વારા આ ચકાસણી કરવાની સવલતોનો આજથી શુભારંભ કરવામાં આવનાર છે. આ એપ થકી કોઇ પણ મતદાર પોતાના ઘરે બેઠા પોતાની અને પોતા પરિવારના તમામ મતદારોની વિવિઘ વિગતોની ચકાસણી કરી શકશે. તેમાં સુધારો કરવા અને  તમામ વિગતો બરાબર હોય તો તેને પ્રમાણિત કરી શકે છે. મુખ્ય નિર્વાચન અધિકારી, ગુજરાત રાજયએ આ એપ અંગેની જાણકારી વધુમાં વધુ લોકો સુઘી પહોંચે તે માટે સર્વે નાગરિકો અને ત્યાં ઉપસ્થિત સર્વ લોકોને પોતાના વોટસઅપ અને અન્ય સોશ્યિલ મીડિયાના માધ્યમ થકી વઘુને વઘુ લોકોને મોકલવાની અપીલ કરી હતી. જે લોકો સ્માર્ટ ફોનનો ઉપયોગ નથી કરતાં, તેવા મતદારો નજીકના ઇ-ગ્રામ સર્વિસ સેન્ટર કે સી.એસ.સી ખાતે જઇને ઓનલાઇન મતદાર કાર્ડની ચકાસણી કરી શકશે. મતદાર નોંઘણી અધિકારીઓની કચેરી ખાતે પણ મતદાર સુવિઘા કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે. ગાંધીનગર જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર એસકે લાંગાએ જણાવ્યું હતું કે, ડિજીટલ પ્લેટ ફોર્મના કારણે આજે આપણને કોઇ પણ સમયે કામ કરવાની તક મળી રહે છે. તેમજ કામનું સરળીકરણ થયું છે.

     જુની પધ્ધતિથી થયેલી ચૂંટણી પ્રક્રિયા  અને છેલ્લે યોજાયેલ ચૂંટણીમાં ટેકનોલોજીના કારણે મોટો તફાવત જોવા મળ્યો છે. આ એપના કારણે હવે, કોઇ પણ નાગરિક આંગણીના ટેવરે પોતાના મતદાર કાર્ડમાં વિવિઘ બાબતોની ચકાસણી કરી શકશે. આ કામગીરી આજથી ૪૫ દિવસ સુઘી ચાલશે, જેથી વધુમાં વધુ મતદારો સુઘી આપણે પહોંચી શકીશુ. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અઘિક કલેકટર એનડી પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું તેમજ વોટર હેલ્પલાઇન મોબાઇલ એપની વિસ્તૃત માહિતી પણ સરળ ભાષામાં પોતાની આગવી શૈલીમાં આપી હતી. કાર્યક્રમના અંતે આભારવિઘી નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી, ગાંધીનગર વિપુલ ઠક્કરે કરી હતી.

(9:19 pm IST)